ટંકારાના વૃધ્ધ વેપારીના ભેદી મોત બાદ ખંડણી મંગાઈ : શકમંદો હાથવેંતમાં

- text


ટંકારાના અન્ય વેપારીના પુત્રને મારી નાખવાની ધમકી આપી પણ ખંડણી મંગાઈ

ટંકારા : મોરબીના ટંકારા શહેરમાં પાનબીડીના હોલસેલ વેપારીનું દુકાનમાં શંકાસ્પદ મૃત્યુ નિપજ્યા બાદ વેપારીના પુત્રના મોબાઈલ ફોન ઉપર અલગ – અલગ નંબરથી ફોન કરી રૂપિયા 10 લાખની ખંડણી માંગવામાં આવી હતી. આ જ રીતે ટંકારામાં રેફ્રિજરેટર રિપેરિંગનો ધંધો કરતા અન્ય વેપારીના પુત્રનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા પાંચ લાખની ખંડણી માંગવામાં આવતા હરકતમાં આવેલી ટંકારા પોલીસે બન્ને ગુન્હાના ભેદ ઉકેલવા સીસીટીવી કેમેરા અને મોબાઈલ સર્વેલન્સ મારફતે ખંડણીખોરો સુધી પહોંચવામાં સફળતા મેળવી હોવાનું અને સ્થાનિક તેમજ બહારના આરોપીઓ હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ખંડણી માંગવાની બબ્બે ઘટનાઓને પગલે નાના એવા ટંકારના વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ખંડણી કેસમાં ટંકારા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ટંકારા ધર્મભકિત સોસાયટીમાં રહેતા અને લતીપર રોડ ઉપર સરિતા નામની પાનબીડીની હોલસેલની દુકાન ધરાવતા અરવિંદભાઇ સવજીભાઇ કકાસણીયાના પિતા સવજીભાઈની દુકાનમાં શંકાસ્પદ હાલતમાં માથામાં ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યા બાદ અરવિંદભાઇના મોબાઈલ ફોનમાં અલગ-અલગ નંબરથી અજાણ્યા શખ્સે ફોન કરી 10 લાખ રૂપિયા આપી જવા જણાવી તારા પિતાજીને મારી નાખ્યા હવે પૈસા ન આપે તો તને પતાવી દેશી તેવી ધમકી આપી ફોન કરવાનું ચાલુ રાખતા અરવિંદભાઈએ પોલીસને જાણ કરતા પોલીસ પણ હરકતમાં આવી હતી.

દરમિયાન ખંડણી માટે સતત ફોન આવવાનું ચાલુ રાખી અજાણ્યા ઈસમોએ કહે તે જગ્યાએ નાણાં આપવા માંગ કરતા અંતે પોલીસની યુક્તિ મુજબ થેલામાં કાગળભરી ટંકારા સર્કિટ હાઉસ નજીકની જગ્યાએ થેલો મુકવાનું નક્કી થયું હતું. જો કે શાતીર દિમાગ આરોપીઓ પરિસ્થિતિ પામી જતા પ્લેટિના મોટર સાયકલ ઉપર આંટાફેરા કરી નાસી ગયા હતા. આ મામલે પોલીસે શકમંદોને સકન્જામાં લઈ અજાણ્યો વ્યકિત તથા પોલીસને વોચમા બેઠેલ જોઇ ભાગી જનાર થેલો લેવા આવનાર બે અજાણ્યા વ્યકિત વિરુદ્ધ ટંકારા પોલીસે આઇપીસી કલમ ૩૮૭,૫૦૭,૧૧૪ મુજબ ગુન્હો નોંધ્યો છે.

- text

ખંડણી માંગવાના આવા જ બીજા કિસ્સામાં ટંકારામાંની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને લતીપર ચોકડી નજીક ભારત રેફ્રિજરેટર નામની દુકાન ધરાવતા અશોકભાઈ મોહનભાઈ મુછાળાને પણ અલગ અલગ નંબર થી ફોન કરનાર અજાણ્યા વ્યક્તી દ્વારા તેમના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપીયા પાંચલાખની માંગણી કરી રૂપિયા મારવાડી કોલેજ સામે ગોળ ભૂંગળામાં થેલો મૂકી જવા જણાવી વારંવાર ફોન કરવાનું ચાલુ રાખતા આ કેસમાં પણ પોલીસે આરોપીઓનું પગેરું દબાવતા ટંકારાના સ્થાનિક તેમજ બહારના ઈસમોની સંડોવણી બહાર આવી હોવાનું જાણવા મળે છે.

હાલમાં ટંકારા પોલીસે બન્ને કેસમાં ગુન્હો નોંધી સીસીટીવી કેમેરા અને મોબાઈલ લોકેશનના આધારે મહત્વની સફળતા મેળવી હોવાનું અને ગુન્હેગારો પોલીસની હાથવેંતમાં હોવાનું અને ટૂંક સમયમાં જ કડાકા ભડાકા થવાના સંકેતો મળી રહ્યા છે.નાના એવા ટંકારામાં ખંડણીના બબ્બે બનાવો સામે આવતા વેપારી આલમમાં ફફડાટ મચી ગયો છે અને વૃધ્ધ વેપારીના મૃત્યુ મામલે પણ રહસ્ય ઉજાગર થવાના સંકેતો મળી રહ્યા છે.

- text