સવાસો ટકાનો ભાવ વધારો ! ગેસ બાદ કોલસાના ભાવે સિરામીક ઉદ્યોગની કરોડરજ્જુ ભાંગી નાખી

- text


 

સિરામીક અને પેપરમીલને અપાતા ક્વોટામાં પણ જબરી ઘાલમેલ કરી મંજુર ક્વોટાથી માંડ 20 ટકા સપ્લાય

મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામીક ઉદ્યોગને સરકારનું પ્રોત્સાહન મળવાને બદલે સરકારી કંપનીઓ દ્વારા જ અસહ્ય ભાવવધારા ઝીંકવામાં આવતા કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતા સિરામીક ઉદ્યોગની કરોડરજ્જુ ભાંગી નાખવામાં આવી હોવાનું સ્પષ્ટ બની રહ્યું છે. ગેસના ભાવમાં બમણા જેટલા ભાવ વધારા બાદ ગુજરાત સરકારના સાહસ એવા જીએમડીસી એટલે કે ગુજરાત માઇન્સ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક વર્ષમાં કોલસાના ભાવમાં 125 ટકાનો ભાવ વધારો ઝીંકી દેતા સિરામીક ઉદ્યોગની સાથે પેપરમીલ ઉદ્યોગની પણ ખો નીકળી ગઈ છે.

કોલસાના કકળાટ અંગે મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ વિનોદભાઈ ભાડજાએ જણાવ્યું હતું કે, મોરબી સિરામીક ઇન્ડસ્ટ્રીઝ માટે ગુજરાત સરકારના સાહસ એવા ગુજરાત માઇન્સ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા હાલમાં માતાના મઢથી નીકળતો કોલસો પ્રતિ ટન રૂપિયા 4737 ઉમરસર પ્રતિ ટન રૂપિયા 4492, તાડકેશ્વર પ્રતિ ટન રૂપિયા 5050, ભાવનગર પ્રતિ ટન રૂપિયા 4595 અને રાજસ્થાન ખાતેથી પ્રતિ ટન રૂપિયા 6155 ભાવે કોલસો આપવામાં આવે છે.આ ઉપરાંત પ્રતિ ટન કોલસાએ 1200થી 1400 રૂપિયા જેટલું ભાડું ગણાતા ઉદ્યોગકારોને 5800થી 6000 રૂપિયાના ભાવે કોલસો મળી રહ્યો છે. છ મહિના અગાઉ આ જ કોલસો મોરબી બેઠા 3700થી 4000ની અંદર મળતો હતો. આમ જોવા જઈએ તો છેલ્લા એક વર્ષમાં જીએમડીસી દ્વારા કોલસાના ભાવમાં 125 ટકા વધારો કર્યો છે જે સિરામીક ઇન્ડસ્ટ્રીઝ માટે ઘાતક કહી શકાય તેમ છે.

- text

એ જ રીતે મોરબીમાં સિરામીક બાદ સૌથી મોટા એવા પેપરમીલ ઉદ્યોગને પણ કોલસાના ભાવનો વધારો અસહ્ય રીતે પરેશાન કરી રહ્યો છે. ત્યારે પેપરમીલ એસોશિએશન પ્રમુખ વિપુલભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે, કોલસા ઉપર જ આધારિત પેપરમીલ ઉદ્યોગને જીએમડીસી દ્વારા દૈનિક 2200 ટન કોલસાનો ક્વોટા મંજુર કરવામાં આવ્યો છે પરંતુ છેલ્લા સાત મહિનાથી મંજુર થયેલા ક્વોટા સામે માત્ર 10થી 15 ટકા એટલે કે દૈનિક માત્ર 200થી 300 ટન કોલસો જ આપવામાં આવતો હોય પેપરમીલ ઉદ્યોગકારોને રૂપિયા 14000 પ્રતિટનના ભાવે 40 ટકા ભેજ વાળો ઇન્ડોનેશિયાનો હલકી ગુણવત્તાવાળો કોલસો વાપરવા મજબુર થવું પડ્યું છે. કોલસાના ક્વોટા મામલે મુખ્યમંત્રી સુધી લેખિત અને રૂબરૂ રજુઆત કરવા છતાં પણ જીએમડીસી દ્વારા ક્વોટા મુજબ કોલસો ફાળવવામાં ન આવતા આજના હરીફાઈના આ યુગમાં મોરબીના પેપરમીલ ઉદ્યોગને બજારમાં તાકવું મુશ્કેલ બન્યું હોવાનું તેમને ઉમેર્યું હતું.

એકંદરે જોઈએ તો, મોરબી જિલ્લામાં આવેલા સિરામીક ઉદ્યોગ હોય કે, પેપરમીલ ઉદ્યોગ હોય કે, પછી પોલીપેક ઉદ્યોગ હોય આ તમામ ઉદ્યોગ સ્વબળે આગળ વધી વિશ્વફલક ઉપર છવાયા છે ત્યારે ગેસ અને કોલસા મામલે ગુજરાત સરકાર જો ઉદ્યોગને સહાયરૂપ બને તો વિપરીત સ્થિતિમાં પણ મોરબીના ઉદ્યોગો વિશ્વ સમક્ષ બમણી તાકાતથી ઉભરી શકે તેમ છે.

- text