હવે તો હવા ખાઈ પેટ ભરવું પડે તેવી સ્થિતિ : દુધ, ઘી, અનાજ, કઠોળ, તેલ બધુય મોંઘુ

- text


મોંઘવારી ફાટફાટ થતા પુરૂ કેમ કરવું ? ખાવું શું ? એક જ સવાલ : આવક વધતી નથી અને ખર્ચમાં હજારગણા વધારા

મોરબી : યુક્રેન – રશિયા વચ્ચે ચાલતા યુદ્ધના નામે અમુલે બળતામાં તેલ નહીં પણ પેટ્રોલ નાખી દૂધ,છાસ, માખણ, ઘીના ભાવમાં ભાવવધારા રૂપે આગ લગાડી છે તો બીજી તરફ તેલીયારાજાઓ બેફામ બની એક અઠવાડિયામાં જ તેલના ભાવમાં ડબ્બે 300થી 400 જેટલો વધારો કરી નાખતા આવા સંજોગોમાં ઘરમાં પૂરું કેમ કરવું તેવો એક જ સવાલ ગણ્યા ગાંઠ્યા અમીરો સિવાય સૌ કોઈને સતાવી રહ્યો છે. આવકમાં કોઈ વધારા વગર જ મોંઘવારી ફાટફાટ થતા ગરીબ અને મધ્યમવર્ગને હવે હવા ખાઈને જીવવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ હોવાનું લોકો બળતા હૈયે જણાવી રહ્યા છે.

કોઈ પણ સીધા કારણો વગર જ છેલ્લા દિવસોમાં જીવનજરૂરી તમામ ચીજવસ્‍તુઓના ભાવ ભડકે બળવા લાગતા મધ્‍યમ વર્ગની સ્‍થિતિ કફોડી બની ગઇ છે અને ટુંકા પગારમાં પુરૂં કેમ કરવું તેવો સવાલ સતાવી રહ્યો છે. દૂધ,તેલ,ઘી, અનાજ, કઠોળ, શાકભાજી, મસાલા શાકભાજી સહિતની બધી ચીજો મોંઘી થઇ છે. હજુ પેટ્રોલ – ડીઝલના ભાવ ગમે ત્‍યારે વધવાના છે. બીજી તરફ લીલા શાકભાજી અને કઠોળના આસમાને પહોંચેલા ભાવ ઘટવાનું નામ લેતા નથી, તો અમુલના ભાવવધારાના પાપે દૂધના ભાવ વધારાને લીધે ચોખ્‍ખા ઘીના ભાવોમાં રૂ.૫૦નો વધારો થયો છે. પનીરના ભાવોમાં પણ રૂ.૩૦થી વધુનો વધારો થતા ગૃહિણીઓ પરેશાન છે. દિન-પ્રતિદિન દરરોજ ઉપયોગમાં લેવાતી વસ્‍તુઓના ભાવોમાં આવી રહેલા વધારાને લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયુ છે.

શાકભાજી, કઠોળ અને દૂધની બનાવટના ભાવો આસમાને પહોંચી ગયા છે. આમ છતા કેન્દ્ર – રાજ્ય સરકાર માત્ર તમાશો જુએ છે. આજકાલ શેરી,ગલી, મહોલ્લામાં મોંઘવારી જ ચર્ચાનો વિષય બની છે. ગૃહિણીઓ આક્રોશ ઠાલવી કહે છે કે, કેન્‍દ્ર સરકાર દ્વારા વખતો-વખત કહેવામાં આવે છે કે, થોડી ધીરજ રાખો મોંઘવારી ઘટશે. જો કે ઊલટાનું મોંઘવારી વધતી જાય છે. હવે ખાવું જ શું? તે પ્રશ્ન મધ્‍યમવર્ગને સતાવી રહ્યો છે.

- text

ભીંડા,ગવાર, પરવર સહિત લીલા શાકભાજીના ભાવો રૂ.૯૦થી રૂ.૧૨૦ ચાલી રહ્યા છે. જેના લીધે શાક ઓછું લાવીને ખાવાનો વારો આવ્‍યો છે. શાકની જગ્‍યાએ લોકો રસોઈમાં કઠોળ બનાવી ચલાવતા હતા પરંતુ હવે કઠોળમાં પણ ધીમે ધીમે ઊછાળો આવ્‍યો છે. કાબૂલી ચણા રૂ.૧૪૦, અડદની દાળ કિલોના રૂ.૧૨૦, તુવેરની દાળ કિલોના રૂ.૧૧૦, મગની દાળ કિલો રૂ.૧૧૫ થઈ ગઈ છે.

ભગવાનને દરરોજ દીવો કરવા માટે અત્‍યાર સુધી ચોખ્‍ખા ઘીનો ઉપયોગ કરતા હતા, પરંતુ દૂધના ભાવ વધારાને લીધે ચોખ્‍ખા ઘીના ભાવોમાં સીધો જ રૂ. ૫૦નો ઉછાળો આવ્‍યો છે. જેના લીધે હવે વનસ્‍પતિ ઘીનો ઉપયોગ કરવાનો વારો આવી ગયો છે. ખરેખર મોંઘવારી ઘટાડવામાં કેન્‍દ્ર કે રાજય સરકારને કોઈ જ રસ નથી, જેના લીધે મોંઘવારીએ માઝા મૂકી છે.

ચણાના લોટના ભાવોમાં સામાન્‍ય વધારો થયો હોવા છતા ફરસાણના ભાવોમાં અસહ્ય વધારો કરવામાં આવ્‍યો છે. જેના લીધે કેટલાક લેભાગુ વેપારીઓ દ્વારા ચણાના લોટમાં મકાઈ અને વટાણાનો લોટનો ઉપયોગ કરીને ગ્રાહકોને છેતરી રહ્યા છે. એટલુ જ નહીં ફરસાણમાં ભેળસેળ યુકત લોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં ગાંઠીયા, ફાફડા, પાપડી રૂા.૪૦૦ થી ૫૦૦ કિલો વેચાણ થઈ રહ્યા છે. આ સંજોગોમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે.

- text