ઇન્ટરનેશનલ સિરામીક પાર્ક નિર્માણથી મોરબીનું એક્સપોર્ટ વધશે

- text


 

  • 400 કરોડના ખર્ચે નિર્માણ થનાર ઇન્ટરનેશન સિરામીક પાર્કમાં 5થી7 હજાર કરોડના રોકાણની શકયતા : સિરામીક પ્રમુખ મુકેશ કુંડારિયા

  • ગુજરાત સરકારના બજેટમાં મોરબી માટે શ્રમ નિકેતન હોસ્ટેલ, સિંચાઇ યોજના, સપોર્ટ સંકુલ અને સિરામીક પાર્ક રૂપે ચોતરફથી લાભ

મોરબી : સિરામીક હબ મોરબીને રાજ્ય સરકારના વર્ષ 2022ના બજેટમાં ચોતરફથી ચાર ગણો લાભ મળ્યો છે, ખેડૂતો માટે સિંચાઇ જોગવાઈ, ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ સંકુલ, શ્રમિકો માટે શ્રમ નિકેતન હોસ્ટેલ અને સૌથી મોટા લાભ રૂપે ઇન્ટરનેશનલ સિરામીક પાર્કની સુવિધા મળતા હવે મોરબીનું સિરામીક એક્સપોર્ટ અનેકગણું વધવાની ઉદ્યોગકારોએ આશા વ્યક્ત કરી વધારાનું નવું 5થી7 હજાર કરોડનું રોકાણ આવવાના સંકેતો મળી રહ્યા છે.

રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા વર્ષ 2022ના અંદાજપત્રમાં સરકારે મોરબી ઉપર વિશેષ હેત વરસાવ્યું હોવાનું ઉમેરતા રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગકારો સાથે ફળદાયી બેઠક યોજી બજેટમાં મોરબીને રૂપિયા 400 કરોડના ઇન્ટરનેશનલ સિરામીક પાર્કની ભેટ ધરી છે. વધુમા આ સિરામીક પાર્ક માટે ટૂંક સમયમાં જ જમીન સંપાદન સહિતની કાર્યવાહી શરૂ કરી અહીં વિદેશી ગ્રાહકો માટે વિશેષ ડિસ્પ્લે, લેબ સહિતની સુવિધા વિકસાવી હયાત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે તેવું રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું.

- text

વધુમાં ઇન્ટરનેશનલ પાર્કના ફાયદા વર્ણવતા મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ ઉમેર્યું હતું કે, ઇન્ટરનેશનલ સિરામીક પાર્કના નિર્માણ બાદ અંદાજે 5000થી 7000 કરોડનું રોકાણ આવશે ઉપરાંત ઇન્ટરનેશનલ સિરામીક પાર્ક મોરબીને મળતા વિદેશીથી આવતા બાયરો આસાનીથી એક જ સ્થળે વિવિધ પ્રોડક્ટને નિહાળી શકે તેવો ડિસ્પ્લે બનતા નિકાસ વેગવંતી બનવાની સાથે વધશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

વધુમાં વર્ષ 2022ના બજેટમાં મોરબી શહેરને આખું વર્ષ નર્મદાનું પાણી પીવા માટે મળે તેવી જોગવાઈની સાથે મોરબી અને માળીયા તાલુકાના મચ્છુ -2 અને 3ના કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતો માટે સિંચાઇ માટે પણ 30થી 40 કરોડની જોગવાઈ સાથે સિરામીક નગરીમાં શ્રમિકો માટે શ્રમ નિકેતન હોસ્ટેલ નિર્માણ કરવા પણ સરકારે જાહેરાત કરી હોવાનું રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ અંતમાં જણાવ્યું હતું.

- text