યુક્રેનમાં અનેક સંકટ સામે ઝઝૂમી મોરબીનો છાત્ર વતન પરત ફર્યો : કેવી હતી પરિસ્થિતિ ? છાત્રએ વર્ણવી દાસ્તાન

- text


 

છેલ્લા છ વર્ષથી યુક્રેનમાં અભ્યાસ કરતા કુલદીપ દવે સાથે મોરબી અપડેટની ખાસ વાતચીત

મોરબીઃ હાલ સમગ્ર વિશ્વમાં એક જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે તે છે યુક્રેન અને રશિયાનું યુદ્ધ. આ યુદ્ધને કારણે યુક્રેનમાં અનેક લોકો ફસાયેલા છે. જેની ચારેકોર ચર્ચા થઈ રહી છે. અનેક વિકટ પરિસ્થિતિ વચ્ચે મોરબીના વિદ્યાર્થી કે જેઓ અનેક કષ્ટ ભોગવી વતન પરત ફર્યા છે. મોરબી અપડેટે આ વિદ્યાર્થી કુલદીપ દવે સાથે ખાસ વાતચીત કરી હતી.

યુદ્ધ શરૂ થયું ત્યારથી હું બે દિવસ બંકરમાં રહ્યો

કુલદીપ દવેએ જણાવ્યું કે હું યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયો હતો, ત્યાં છ વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું. કોઈપણ જાતના યુદ્ધના સમાચાર મળ્યા વગર જ બોર્ડર પર યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ થઈ ગયું. આથી અમને યુનિવર્સિટીમાંથી મેઈલ આવતાં કે તમને કોઈપણ ન્યૂઝ આપવામાં આવે તો સતર્ક રહેજો. અને સિટીના મેયરે કીધેલું કે, કોઈ સાયરન સિટી વાગે તો આસપાસના બંકર શોધીને ડોક્યુમેન્ટ અને ફૂડ લઈને જતાં રહેવું. આ ઉપરાંત રાત્રે એરસ્ટ્રાઈક થવાના ચાન્સીસ વધારે હતાં હું ખુદ ગત તારીખ 23-24 એમ બે દિવસ બંકરમાં રહ્યો. બંકરમાં રહેવાની સ્થિતિ ગંભીર હતી. અને બિલ્ડિંગ તૂટવાના પણ ચાન્સીસ હતા. તેમ છતાં આ બંકરમાં રહેવું પડ્યું.

માઇનસ ચાર ડિગ્રીમાં સાડા આઠ કિમિ ચાલીને બોર્ડર પહોંચ્યા

કુલદીપે કહ્યું કે અમારા સિટીમાં પણ બોમ્બ ફૂટ્યા હતા. આ ભયાનક પરિસ્થિતિ વચ્ચે અમે 24 તારીખે બોર્ડર પર પહોંચ્યા. જો કે બોર્ડરથી અમને સાડા આઠ કિલોમીટર દૂર જ ઉતારી દેવાયા. ત્યારબાદ અમે ચાર દિવસ બોર્ડર પર જ રહ્યા. બોર્ડર પર વિદ્યાર્થીઓને આવવાનો પ્રવાહ સતત ચાલુ રહ્યો. બોર્ડર પર માઈનસ ચાર ડિગ્રીમાં ન ખાવાનું મળ્યું, ન રહેવાનું કે ન સુવાનું મળ્યું.

યુક્રેનની બોર્ડર પર ત્રણ દિવસ રાહ જોઈ

બોર્ડર પર સતત ત્રણ દિવસ અમે રાહ જોઇને જાગતા રહ્યા. અંતે પાંચમાં દિવસે અમને મદદ મળી. અમારી યુનિવર્સિટીનો સ્ટાફ આવ્યો અને સફળતાપૂર્વક બોર્ડર ક્રોસ કરી રોમાનિયામાં આવી પહોંચ્યા. ત્યાં ખાવાનું પણ મળ્યું, ટેન્ટ પણ હતાં ત્યાં સુવા મળ્યું. આ ઉપરાંત અમારા ફોન ચાર્જ થયા. અને પરિવાર સાથે સંપર્ક થયો. રોમાનિયામાં પાંચ દિવસના વિઝા સરકારે આપ્યા. જેથી ભારત પરત ફરી શક્યા. આ ઉપરાંત બસની સુવિધા પણ મળી. બસ મારફતે મૂળ રોમાનિયા કેપિટલ સુધી પહોંચ્યા. જ્યાં ભારત સરકારની એર ઈન્ડિયાની ફ્લાઈટ મળી. આ ફ્લાઈટ મારફત હું પ્રથમ દિલ્હી ત્યારબાદ અમદાવાદ અને અમદાવાદથી મોરબી પહોંચ્યો છું.

બોર્ડર પર લાઠીચાર્જ થયો : રોમાનીયા પહોંચ્યા બાદ સરકાર તરફથી તમામ સવલત મળી

કુલદીપ દવેએ વધુમાં જણાવ્યું કે, યુક્રેનની બોર્ડર પર વિદ્યાર્થીઓના આવવાનું સતત ચાલુ હતું. પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ ત્યાં હતાં એટલે ત્યાંની આર્મીને થોડું કડક થવું પડ્યું અને લાઠીચાર્જ પણ થયો. રોમાનિયામાં પહોંચ્યા પછી કોઈ તકલીફ પડી નથી. કેમ કે સરકારે ખૂબ મદદ કરી. અને મારે એકપણ રૂપિયો ક્યાંય ચુકવવો પડ્યો નથી. યુદ્ધ પહેલા ફ્લાઈટના ભાડા બમણાં-ત્રણ ગણા હતા પરંતુ યુદ્ધ શરૂ થયા પછી સરકારની મદદથી કોઈપણ વિદ્યાર્થીને એકપણ રૂપિયો ચુકવવો પડ્યો નથી.

બોર્ડર પર 2 દિવસ કંઈ ખાવાનું પણ ન મળ્યું, એક મિનિટ સુવા પણ ન મળ્યું

કુલદીપ દવે જણાવે છે કે અમને સૌથી વધુ તકલીફ યુક્રેનની બોર્ડર પર પડી. કેમ કે ત્યાં દરેક દેશના વિદ્યાર્થીઓ આવી પહોંચતાં ખાવા-પિવાનું કશું મળ્યું નહીં. હું મારા શહેરથી નીકળ્યો ત્યારે બે દિવસનું ફૂડ સાથે હતું. પરંતુ બોર્ડર પર બે દિવસ ન ખાવાનું મળ્યું કે ન એકપણ મિનિટ સુવા મળ્યું. અતિ વિકટ સમયમાં તમે કંઈ રીતે હિંમત કેળવી તેના જવાબમાં કુલદીપ દવે જણાવે છે કે, અમારા સિટીમાંથી નીકળ્યા ત્યારે થોડી હિંમત હતી. પરંતુ જેમ જેમ દિવસ પસાર થયા તેમ તેમ તકલીફ પડી. ત્યારબાદ સરકાર અને માતા-પિતાનો સતત સંપર્ક રહેતાં હિમંત મળી. અને રોમાનિયા પહોંચ્યા ત્યારે થોડો હાશકારો થયો.

- text

ઓપરેશન ગંગા હેઠળ સરકારના પ્રયત્નો ખૂબ સારા રહ્યા

કુલદીપે કહ્યું સરકારનું અભિયાન ઓપરેશન ગંગા મારફત 18 હજારથી વધુ લોકોને પરત લવાયા છે. તો સરકાર તરફથી મળેલી આ મદદ વિશે કુલદીપ દવે જણાવે છે કે, સરકારના પ્રયત્નો ખૂબ સારા રહ્યા. અને દરેકને પ્રાયોરિટી મુજબ પરત લવાયા. ફ્લાઈટની ગોઠવણ પણ ખૂબ સારી રીતે કરી. માત્ર સાત દિવસમાં 29 ફ્લાઈટ મૂકાઈ. હું આવ્યો એ દિવસે ઈન્ડિયન ફોર્સમાં 750 વિદ્યાર્થીઓને લવાયા.

મારે હવે ગ્રેજ્યુએશનમાં ત્રણ મહિના જ બાકી, આ મુદ્દે સરકાર કંઈક કરે તેવી અપેક્ષા

કુલદીપના જણાવ્યા મુજબ યુક્રેનમાં જે હવે અભ્યાસ બાકી રહ્યો છે તે અંગે કુલદીપ દવેએ જણાવ્યું કે, હું છ વર્ષથી ત્યાં હતો. હવે મારે ગ્રેજ્યુએશન માટે માત્ર ત્રણ મહિના જ બાકી રહ્યા છે. આ ત્રણ મહિના માટે પરિસ્થિતિ જોતાં હવે ત્યાં જઈ શકાશે નહીં. ત્યારે અમારી આ ડિગ્રી પૂરી થાય તેવા પ્રયત્નો સરકાર કરે અને વિદ્યાર્થીઓ પણ આ મુદ્દો ઉઠાવે તેવી મારી માંગ છે. અંતમાં કુલદીપ દવેએ જણાવ્યું કે, હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે તો તેઓને મદદ મળે અને તેઓ જલદી પરત ફરે તેવા પ્રયત્નો થાય તેવું મોરબી વાસીઓને જણાવું છું. અંતમાં વિકટ પરિસ્થિતિમાં જેઓએ વિદ્યાર્થીઓને મદદ કરી છે તે તમામનો બ્રહ્મ સમાજના અગ્રણીઓએ પણ આભાર માન્યો હતો.

ભગવાનને એક જ પ્રાર્થના હતી કે દીકરો જલદી પરત ફરે અને ભગવાને એ પ્રાર્થના સાંભળી : ભાવનાબેન

મોરબીના વિદ્યાર્થી કુલદીપ દવે અનેક વિકટ પરિસ્થિતિ વચ્ચે વતન પરત ફર્યા છે. ત્યારે કુલદીપ દવેના માતા ભાવનાબેન દવે આ મુદ્દે જણાવે છે કે, જ્યારથી યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પછીનો સમયગાળો અમારા માટે ખૂબ કપરો રહ્યો. જેનું વર્ણન કરવું પણ અશક્ય છે. કુલદીપ દવેના પિતા દિપકભાઈ દવે જણાવે છે કે, યુક્રેન-રશિયાના યુદ્ધને કારણે અનેક માતા-પિતાના સંતાનો ફસાયા છે. અમને અમારા દીકરાને પરત લાવવા માટે સરકાર તરફથી કોઈપણ પ્રકારની અપેક્ષા ન હતી. પરંતુ સરકારે અપેક્ષા કરતાં પણ વધુ મદદ કરી છે. કેન્દ્ર સરકારના સંપૂર્ણ સહકારથી જ અમારો દીકરો પરત ફર્યો છે. જે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર. અમારી ભગવાનને એક જ પ્રાર્થના હતી કે દીકરો જલદી પરત ફરે. અને ભગવાને એ પ્રાર્થના સાંભળી.જ્યારે અમારો દીકરો ફ્લાઈટમાં બેઠો ત્યારબાદ અમને નિરાંત થઈ. અને રાહતનો શ્વાસ લીધો.

- text