ખુદીરામે એક હાથમાં ભગવદ્દ ગીતા રાખી, બીજા હાથે ફાંસીનો ગાળીયો જાતે ગળામાં નાખી શહીદી વહોરી

- text


માત્ર 19 વર્ષની વયે માતૃભૂમિ ખાતર બલિદાન આપનાર ખુદીરામ બોઝનો આજે જન્મદિવસ

3 ડીસેમ્બર, 1889ના રોજ ખુદીરામ બોઝનો જન્મ થયો. હજુ તો તેમને પાંચ વર્ષ પુરા થયા ન હતા ત્યાં તેમની માતા પરલોક સીધાવી ગયા. માતાના અવસાન બાદ પિતા ગૈલોકયબાબુએ બીજા લગ્ન કર્યા. સમય જતા પિતા ગૈલોકયબાબુ પણ સ્વર્ગે સીધાવ્યા. પછી સાવકી માના જુલ્મના કોરડા શરૂ થયા. ઘણીવાર તો ભૂખમાં દિવસો વિતાવવા પડ્યા, તેની બહેન હાટગાણા ગામે સાસરે હતી. તેને ખબર પડી અને ખુદીરામને પોતાની સાથે લઈ ગઈ.

બહેનના પતિ અમૃતબાબુએ ખુદીરામને શાળામાં દાખલ કર્યો. શાળાના શિક્ષક સત્યેન્દ્રબાબુને ખુદીરામ ખુબ વ્હાલો હતો. ખુદીરામે ગુરૂજીને પૂછ્યુ પોતે કંઈક કરવા માગે છે. સત્યેન્દ્રબાબુએ તેને તથા તેના મિત્ર પ્રફુલને સમજાવ્યુ કે તમે ‘સ્વાતંત્ર્ય પ્રેમી’ બનો, ભારતનો ઈતિહાસ કાયાપલટ કરી રહ્યો છે. તેમા સહભાગી બનો’ અને પછી આ બન્ને કિશોરોને મા દુર્ગા ઉપર શ્રધ્ધા હોવાથી તેમણે મા દુર્ગા પાસે લઈ જઈને ક્રાંતિની દિક્ષા આપી. ત્યારબાદ બન્નેએ શિક્ષણ લેવા માંડયુ. કસરત, તાલીમ, નિશાનબાજી, ઈતિહાસ અને રાજક્રાંતિનું શિક્ષણ મેળવ્યું.

1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ ક્રાંતિકારીઓ છૂટાછવાયા પ્રયાસો કરી રહ્યા હતા. કવિવર રવિન્દ્રનાથ ટાગોર લોકોને માર્ગદર્શન આપતા હતા. અરવિંદ ઘોષ અને તેમના ભાઈ બાગીન્દ્ર ઘોષ ક્રાંતિકારી પ્રવૃતિમાં સક્રીય હતા. લોર્ડ કર્ઝને બંગાળના ભાગલાનો નિર્ણય લીધો હતો અને બંગભંગની લડત સક્રીય રીતે ચાલુ થઈ હતી. બંગાળના લોકો કોઈપણ ભોગે ભાગલા ઈચ્છતા ન હતા. સમગ્ર બંગાળ જાગી ઉઠયુ, ‘વંદે માતરમ’ના નારા બંગાળમાં ગાજી ઉઠયા. કર્ઝનના આવા હિચકારા કાર્ય પ્રત્યે, વિરાટ પરંતુ શાંત વિરોધ કરવાની આગેવાની કવિવર ટાગોરે લીધેલી.

વિરાટ જનસમુદાય ગંગા કિનારે જઈ ઉભો રહ્યો. બધાએ પોતાના હાથમાં ગંગાજળ લઈ કવિવરના આદેશ પ્રમાણે પ્રતિજ્ઞા લીધી. ‘હું આ ક્ષણથી પ્રતિજ્ઞા લઉ છુ કે મારી સુજલામ ધરતીના ટુકડા થતા હું અટકાવીશ, આજથી મારૂ એક જ કાર્ય રહેશે. હું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ ધ્યેય માટે લડતો રહીશ’ પ્રતિજ્ઞા બાદ કવિવરે વિરાટ જનમેદનીને સંબોધી ‘વંદે માતરમ’ બોલ્યા કે સેંકડો લોકોમાં પ્રતિઘોષ ઉઠયો ‘વંદે માતરમ’.

આ વખતે એક કિશોર ‘વંદે માતરમ ગુરૂદેવ’ કહીને કવિવર પાસે આવ્યો. ટાગોરે તેમને પુછયુ તમે પ્રતિજ્ઞા લીધી કે નહી? કિશોર ખુદીરામ અને તેનો મિત્ર પ્રફુલ ચાકીએ હા પાડી અને ગુરૂદેવને રક્ષાબંધનની વિનંતી કરી ગુરૂદેવે બન્નેને રક્ષાબંધન કર્યુ. ગુરૂદેવે પુછયુ કર્ઝનના વિરોધમાં તમે શું કરશો? બન્ને બોલી ઉઠયા કર્ઝનની હત્યા! ટાગોરે તેમને સમજાવ્યા તેમની લડત અહિંસાને વરેલી છે. જેમા હિંસાને બીલકુલ સ્થાન નથી. બન્નેને ગુરૂદેવનું તત્વજ્ઞાન સમજાયુ નથી અને તેઓ અલગ માર્ગે આગળ વધ્યા.

ક્રાંતિકારીઓને નાણાની તંગી ઘણી રહેતી હતી. તેથી ખજાનો લૂંટવાનું આયોજન થયુ. આગેવાની ખુદીરામ બોઝે લીધી. યોજના પ્રમાણે જંગલના રસ્તા પરથી ટપાલી થેલો લઈ હથીયાર સાથે રાખી ઘોડા ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે પ્રમાણે વડલાના વૃક્ષ પાછળ લપાઈને બેઠેલા ખુદીરામે તેના ઉપર હુમલો કર્યો. ખુદીરામની લાઠી સુદર્શનચક્રની જેમ ફરવા લાગી. થેલો લુંટી ખુદીરામ પલાયન થઈ ગયો. આ સમાચારથી બંગાળ પોલીસ અત્યંત સાવધ થઈ ગઈ. ગામેગામ ખુદીરામનું નામ ગાજવા લાગ્યુ. તેણે નાણાનો થેલો સત્યેન્દ્રબાબુને ચરણે ધર્યો. સત્યેન્દ્રબાબુ પોતાના વ્હાલા શિષ્યને ભેટી પડયા.

- text

બંગભંગ ચળવળ પૂરજોશમાં ચાલી રહી હતી. ક્રાંતિકારી દળ કિંગ્સફોર્ડની હત્યાનું કાવતરૂ કરી રહ્યુ હતુ. તે દરમ્યાન બારિન્દુબાબુ મેદિનીપુર આવ્યા તેમની સમક્ષ સત્યેન્દ્રબાબુએ ક્રાંતિકારીઓને રજુ કર્યા. ખુદીરામ બોઝના પરિચય વખતે બારિન્દ્ર ઘોષ ચકિત થઈ ગયા, તેની માતૃભકિત મસ્તક ઉતારી ચરણે ધરી દેવાની તત્પરતા જોઈ બારિન્દ્રબાબુ વધુ ખુશ થયા. તેમણે ખુદીરામ, પ્રફુલ ચાકી અને કાનુગો એમ ત્રણ ક્રાંતિકારીઓની પસંદગી કરી ત્રણેય વેશપલ્ટો કરી ટ્રેનમાં કલકત્તા જવા રવાના થયા, બારિન્દ્રબાબુ તેમને ક્રાંતિકારી અડ્ડા પર લઈ આવ્યા. કિંગ્સફોર્ડની હત્યાની યોજના અમલમાં મુકાઈ.

તે વખતે કિંગ્સફોર્ડની બદલી કલકત્તાથી મુઝફરપુર થઈ, રેલ્વે સ્ટેશને તેમને વિદાય વખતે ચોપડીમાં અંદરના ભાગે કોતરીને બોમ્બ મુકવામાં આવ્યો. જે કિંગ્સફોર્ડને ભેટરૂપે પુસ્તક અપાયુ. તેમા સંતાડેલો બોમ્બ ફુટે એ પહેલા તેને ખોલીને જોતા તેમા બોમ્બ જોઈને ચીસ પાડી ઉઠયા. ગ્રંથ બહાર ફેંકતા ધડાકો થયો, પરંતુ કિંગ્સફોર્ડ બચી ગયા, યોજના નિષ્ફળ ગઈ. આ પછી ખુદીરામ અને પ્રફુલ ચાકીને મુઝફરપુર મોકલવાનું નક્કી થયુ અને યોજના પૂર્ણ કરવા જણાવાયુ બન્ને ક્રાંતિકારીઓ કેસરીયા કરી નીકળી પડયા તેણે વેશપલ્ટો કરી લીધો.

તા. 28 એપ્રિલ, 1908નું પરોઢ થયુ. બન્ને વીરો સ્ટેશને ઉતર્યા. ખુદીરામે બે ત્રણ અંગ્રેજોનુ જ્યોતિષ જોવાનુ છે એમ કહીને ઘોડા ગાડીવાળાને કિંગ્સફોર્ડની વસાહતમાં લેવા કહ્યું. તા. 29 એપ્રિલ, 1908નો સુર્યોદય થયો, કિંગ્સફોર્ડના બંગલે મજબુત પહેરો હતો. તેથી, રસ્તામાં જ કિંગ્સફોર્ડની હત્યા કરવાનું નક્કી કર્યુ. તા. 20 એપ્રિલ, 1908ના રોજ બન્નેએ બપોર સુધી આરામ કરી 3-30 વાગ્યે ખીસ્સામાં બોમ્બ રાખી નીકળી પડયા. વૃક્ષ ઉપર ચડી ગયા. કિંગ્સફોર્ડની ફેટન નીકળી તેમાં કિંગ્સફોર્ડ હતો. તેમ ખુદીરામે જણાવ્યુ કલબ તરફ ધ્યાન પડતા એક અંગ્રેજ અમલદારને ચોકીદારે ઉતાવળે સમાચાર આપ્યા કે શ્રીમતિ કેનેડીની બેન આવેલ છે અને બંગલે રાહ જોવે છે. તેથી શ્રીમતિ કેનેડી અને તેની પુત્રી કલબમાંથી પાછા ફરવા માટે કિંગ્સફોર્ડની ફેટનમાં નીકળી પડયા અને બન્ને ક્રાંતિકારીઓને લાગ્યુ કે કિંગ્સફોર્ડ પાછો ફરી રહ્યો છે.

તેથી, તેમણે નિશાન લઈને બોમ્બ ફેંકયો. મોટા ધડાકા સાથે અગ્નિની જવાળામાં બંને હોમાઈ ગયા. કારમી ચીસો સંભળાઈ, બન્ને રાતના અંધારામાં નાસવા લાગ્યા, પરંતુ મુઝફરપુરની સરહદો સીલ કરી દેવાઈ. ખુદીરામ બુટ કાઢી ભૂખ અને તરસ સાથે દોડયો જતો હતો. પગમાંથી લોહીની ધારા વહેતી હતી એક હોટલની પાટલી પર જઈ બેઠો ત્યાં બે બંગાળી વાત કરતા હતા કે બોમ્બ ધડાકામાં માતા-પુત્રી માર્યા ગયા છે. આ સાંભળીને ખુદીરામ હતાસાના સાગરમાં ડુબી ગયો. એ જ સમયે ખુદીરામના હાલહવાલ પરથી અંગ્રેજોએ તેને પકડી પાડયો.

પ્રફુલ ચાકી આખી રાત દોડતો હતો. રેલ્વે સ્ટેશને પોલીસ ઈન્સ. નંદલાલ મુખોપાધ્યાય હતા. તેમને પ્રફુલ પર શંકા પડી. પોલીસ સ્ટેશનમાંથી માણસોને બોલાવીને પકડે એ પહેલા તો પ્રફુલે પોતાની રીવોલ્વરથી આત્મહત્યા કરી લીધી. મુઝફરપુરની કોર્ટમાં કેસ ચાલ્યો. તા. 11 ઓગષ્ટ, 1908ની પરોઢએ ખુદીરામને કોટડીમાંથી બહાર કાઢયો, તેના હાથમાં ભગવદ ગીતા હતી. ફાંસીનો ગાળીયો ગળામાં પોતાના હાથે નાખ્યો અને ‘વંદે માતરમ’ના જયઘોષ સાથે તે માતૃભૂમિને સમર્પિત થઈ ગયો. માત્ર 19 વર્ષની સાવ વયે ખુદીરામ બોઝ શહિદીને વર્યા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text