વાંકાનેરના ખેરવા નજીક કેમિકલ ફેકટરીમાં બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ : એકનું મોત

- text


કેમિકલ ફેકટરીમાં ભયાનક વિસ્ફોટ થતા પથ્થરો ઉડીને હાઇવે સુધી પહોંચ્યા : ૨૦ જેટલા શ્રમિકોને રાજકોટ સારવારમાં લઈ જવાયા : આજુબાજુના ગામોમાં અંધારપટ્ટ : મૃત્યુઆંક વધવાની આશંકા

(હરદેવસિંહ ઝાલા)
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખેરવા અને પીપરડી ગામ વચ્ચે આવેલ દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ ફેકટરીમાં બોઇલર ફાટયા બાદ પ્રચંડ વિસ્ફોટ થતા ફેકટરીમાં કામ કરતા શ્રમિકની લાશ ઉડીને અડધો કિલોમીટર દૂર પડી હતી અને 20 જેટલા શ્રમિકોને હળવી ભારે ઇજાઓ થતા રાજકોટ સારવામાં ખસેડવામાં આવ્યા છે. આ પ્રચંડ ભેદી વિસ્ફોટની માત્રા એટલી તીવ્ર હતી કે હાલમાં ખેરવા, પીપરડી સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર રાજકોટ હાઇવે ઉપર ખેરવા અને પીપરડી ગામ વચ્ચે ખેરવા સર્વે નંબરમાં આવેલ દેવ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં પ્રચંડ વિસ્ફોટ થતા ફેકટરી સંકુલ તહસ નહસ થઈ જવા પામ્યું છે અને ભયાનક વિસ્ફોટ બાદ હાઇવે સુધી પથ્થરો ઉડી ઉડીને પડ્યા હોવાનું સ્થળ ઉપરથી જાણવા મળ્યું છે.

- text

બીજી તરફ પ્રચંડ વિસ્ફોટ બાદ એક શ્રમિકની લાશ ઉડીને અડધો કિલોમીટર દૂર પડી હોવાનું અને આજુબાજુના ગ્રામજનો માં ગભરાહટનો માહોલ જોવા મળી રહ્યો છે.

આગ અને વિસ્ફોટની ઘટનાની જાણ થતાં મોરબી અને રાજકોટ ફાયર બ્રિગેડ તેમજ 108ના કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને 20 જેટલા શ્રમિકોને સારવાર માટે રાજકોટ લઈ જવાયા હોવાનું તેમજ વાંકાનેર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર હર્ષદ પરમાર સહિતના અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે પરંતુ અંધારાને કારણે હાલની પરિસ્થિતિનો ક્યાસ મેળવવો મુશ્કેલ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની આ ફેકટરીમાં સિલિકોન બનવવામાં આવતું હતું અને 40 જેટલા લોકો કામ કરતા હતા બ્લાસ્ટ બાદ અંધારપટ છવાયો હોય ગંભીર ઈજાગ્રસ્તોને શોધવામાં પણ તકલીફ પડી રહી છે અને જાનહાની વધુ થઈ હોય તેવી આશંકા પણ વ્યક્ત થઈ રહી છે.

- text