સભ્યથી લઈ સાંસદ સુધી ભાજપ : મોરબીમાં ભાજપની અગ્નિપરીક્ષા

- text


‘ખોંખારો’ ખાઈને મત આપ્યા છે, સમય આવ્યે ‘હોંકારો’ દેજો ! મતદારોનો ભાજપને ટોણો

સીરામીક,ક્લોક એસોશિએશન અને સામાજિક કાર્યકર દ્વારા પ્રજાની લાગણી રજૂ કરાઈ

મોરબીવાસીઓની અપેક્ષાઓ ઉપર ખરા ઉતરવાની નવા નગરસેવકો માથે કાંટાળી જવાબદારી: માળખાગત સુવિધા સુધરશે તો નવી બોડી માટે કોઈ દુવિધા ઉભી નહીં થાય

મોરબી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યભરમાંથી કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે ત્યારે મોરબી નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. પાલિકાની તમામ 52 બેઠકો ભાજપને ફાળવીને જનતાએ નવી ચૂંટાયેલી બોડીની જવાબદારી વધારી દીધી છે. ગત દિવસોમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારને ખોબે-ખોબે નહીં પણ ખોળો ભરીને મત આપ્યા બાદ મોરબીવાસીઓની આશા-અપેક્ષાઓ હવે વધી ગઈ છે. કારણ કે હવે નગરપાલિકાના સભ્યથી લઈ સાંસદ પણ ભાજપના છે ત્યારે ભાજપ હવે બહાનાબાજી ચલાવી શકે તેમ નથી. પ્રજાજનોની અપેક્ષાઓ પણ વ્યાજબી છે. કેમકે આ અપેક્ષાઓ સોના-ચાંદીની નહીં માત્ર પ્રાથમિક સુવિધાની જ છે આ સંજોગોમાં વિપક્ષ વગરની પાલિકામાં ભાજપના શાસકોને રોકનાર-ટોકનાર કોઈ નથી ત્યારે વિકાસની જવાબદારીમાંથી ભાજપ હવે છટકી શકે તેમ નથી જેથી આ પાંચ વર્ષ ભાજપ માટે અગ્નિપરીક્ષા સમાન છે.

ગામડા ગામમાં વડીલો વહુવારુઓને સચેત કરવા માટે ખોંખારો ખાતા હોય છે. આ ખોંખારો સાંભળીને પરિવારની મહિલાઓ વડીલોની આમાન્ય રાખવા માટે સચેત, સજ્જ થઇ જતી હોય છે. આવી જ પરિસ્થિતિ ગઈકાલે આવેલા પરિણામો બાદ મોરબી નગરપાલિકાના તમામ કાઉન્સિલરોની થવા જઈ રહી છે. મતદારોએ આ ચૂંટણીમાં સ્પષ્ટ જનાદેશ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે અને વિરોધ કરવા માટે સમ ખાવા પૂરતી એક પણ બેઠક કોંગ્રેસને આપી નથી ત્યારે લોકોની આશા-અપેક્ષા અને આકાંક્ષા નવી ચૂંટાયેલી નગરપાલિકાની બોડી માટે ખૂબ જ તીવ્ર છે. આ તીવ્રતાને પારખીને ચૂંટાયેલા તમામ કાઉન્સિલરોએ આવનારા પાંચ વર્ષો દરમિયાન પોતાની ભૂમિકા ભજવવી પડશે. મતદારોએ ખોંખારો ખાઈને મત આપ્યા છે ત્યારે હવે કાઉન્સિલરોએ સચેત થઈને પોતાની સેવક તરીકેની ભૂમિકા ભજવવી જ પડશે અને હરકોઈ મતદાર ભાજપ પાસથી વિકાસની અપેક્ષા રાખી રહ્યા છે.નગરપાલિકામાં જ્યારે વિરોધ પક્ષનું અસ્તિત્વ જ નથી ત્યારે ચૂંટાયેલી બોડી મનસ્વી નિર્ણયો ન લ્યે અને જે કોઈ કાર્ય કરે તે પ્રજાહિતમાં જ કરે તે જરૂરી બન્યું છે. એમ કહેવું જરા પણ અતિશીયોક્તિ ભરેલું નથી કે મોરબીવાસીઓએ ચૂંટાયેલા તમામ કાઉન્સીલરો ઉપર કાંટાળો તાજ મૂક્યો છે. જેનું વહન કરવાની જવાબદારી કાઉન્સિલરોની છે. ખાસ કરીને સામાં કાંઠે પાલિકાની એક વોર્ડ ઓફીસની તીવ્ર આવશ્યકતા નાગરિકો જરૂરી માની રહ્યા છે. કેમ કે, નાના મોટા દરેક કામ માટે સામાં કાંઠાના નાગરિકોને મુખ્ય ઓફીસ સુધી ધક્કા ખાવા પડતા હોય સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય છે. આવી જ એક માંગણી સામાં કાંઠા વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન ઉભું કરવાની છે. નવી બોડીને આવા પ્રજાલક્ષી કાર્યમાં અગ્રતા આપવી પડશે.

- text

પાછલા પાંચ વર્ષ દરમિયાન મોરબી શહેર દસ વર્ષ પાછળ ધકેલાઈ ગયું હોય તેવી માળખાગત સુવિધાઓની સ્થિતિ હાલ પ્રવર્તી રહી છે ત્યારે શહેરના સામાજિક કાર્યકર સતિષભાઈ કાનાબારે નવી ચૂંટાયેલી બોડી પાસે એવી અપેક્ષા રાખી છે કે, શહેરના રોડ-રસ્તાઓથી લઇને પ્રાથમિક સુવિધાઓ તો જરૂરી છે જ આ ઉપરાંત વધારાની જવાબદારી નવી ચૂંટાયેલી બોડી પાસે છે. શહેરમાં બાગ બગીચા રિવરફ્રન્ટ અને ઓવરબ્રિજ બનાવવાની પણ એટલી જ તાતી જરૂર છે. તમામ બાવન બાવન સીટ શાસક પક્ષ પાસે હોવાથી ચૂંટાયેલી બોડીની જવાબદારી ઓર વધી જાય છે. ભૂતકાળમાં પણ ભાજપ પાસે પાલિકાનું શાસન હતું. જોકે ત્યારે પણ વિકાસની માત્ર વાતો જ થઈ હતી. પરંતુ હાલમાં મોરબીમાં ભાજપના જ ધારાસભ્ય, સાંસદસભ્ય છે. રાજ્યમાં પણ ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે લોકોની સત્તાધીશો તરફની અપેક્ષાઓ વધી જાય છે. સૌરાષ્ટ્રના અન્ય શહેરોની સાપેક્ષ મોરબીનો જોઈએ તેવો વિકાસ થયો નથી. શહેરની ટ્રાફિક વ્યવસ્થા અંગે પોતાનું મંતવ્ય આપતાં તેઓએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા મોરબી શહેરમાં ટ્રાફિક સિગ્નલો હતા જ્યારે મોરબી આટલું વિકસીત પણ ન હતું. જોકે હાલમાં મોરબીના વિકાસ બાદ ટ્રાફિક સિગ્નલોની ગેરહાજરી વચ્ચે ટ્રાફિક સમસ્યા વધી છે. ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે મચ્છુ નદી પર લીલાપર રોડ પર પુલ બનાવવો જરૂરી બન્યો છે. હાલના બે પુલ ટ્રાફિકનું ભારણ સહન કરી શકતા નથી. વળી શહેરની અંદર હાલ માત્ર બે જ મુખ્ય માર્ગ છે. સનાળા રોડ અને રવાપર રોડ ઉપરનો ટ્રાફિક ઘટાડવા માટે બંને માર્ગો પહોળા કરવા જરૂરી હોવાની અપેક્ષા સતીશ કાનાબારે સેવી છે.

કલોક એસોશિએશનના પ્રમુખ શશાંક દંગી એ ચૂંટાયેલી નવી બોડી પાસે શહેરની માળખાગત સુવિધાઓ વધારવાની અપેક્ષા સેવી છે. ખાસ કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે ત્યારે શાસક પક્ષની જવાબદારીઓ ઘણી બધી વધી જાય છે. શશાંકભાઈએ લાતી પ્લોટ વિસ્તારના સર્વાંગી વિકાસ માટેની અપેક્ષા સેવી છે. લાતી પ્લોટ વિસ્તારમાં ૫થી ૭ હજાર લઘુ ઉદ્યોગકારો અને તેમની સાથે જોડાયેલા 25 થી 3૦,૦૦૦ કર્મચારીઓ લાતી પ્લોટ વિસ્તારની હાલની સમસ્યાનું નિવારણ થાય તેવી અપેક્ષા સેવી રહ્યા છે. લાતી પ્લોટની 25 થી 30 વર્ષ જુની માળખાગત સુવિધાનો પ્રશ્ન ઉકેલાય તેવી આશા શશાંકભાઈ રાખી રહ્યા છે. ગત વર્ષોમાં લાતી પ્લોટમાં 100 ટકા કામની સામે 1-2 ટકા કામ જ થયા છે. જિલ્લો જાહેર થયો તેને વર્ષોના વ્હાણાવાઈ ગયા છે. આમ છતાં મોરબી શહેર એ આજે એક મોટા ગામડા સમાન જ ભાસે છે. ઉદ્યોગકારો મોરબી શહેરમાંથી અન્યત્ર વસવાટ કરવા જઈ રહ્યા છે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર પણ માને છે કે મોરબી શહેર ઈકોનોમીકનું ગ્રોથ એન્જિન છે અને એન્જિનમાં ઇંધણ પણ વધુમાં વધુ મોરબી શહેર જ પૂરું પાડે છે, ત્યારે મોરબીવાસીઓને વિકાસની અપેક્ષા છે. ખાસ કરીને જ્યારે ગુજરાતની સત્તાના સુકાની સૌરાષ્ટ્રના હોય અને મોરબી નજીકના જ હોય ત્યારે લોકોની આશાઓ અને અપેક્ષાઓ વધી જતી હોય છે.

સીરામીક એસોસીએશનના પ્રમુખ નિલેશ જેતપરિયા એ જણાવ્યું હતું કે, સૌ પ્રથમ તો ચૂંટાયેલા તમામ કાઉન્સિલરોને અભિનંદન. વિપક્ષોની ગેરહાજરી વચ્ચે સમાજમાં પ્રબુદ્ધ નાગરિકોની એક સલાહકાર સમિતિ બનાવી સમયાંતરે કાઉન્સિલરો સાથે તેમની બેઠકો યોજવાની જરૂર છે તેમ જણાવતા જેતપરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, વિપક્ષની ગેરહાજરીમાં આ સલાહકાર સમિતીનું માર્ગદર્શન મોરબી શહેરના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ પ્રબુદ્ધ નાગરિકોની સમિતિમાં બિનરાજકીય વ્યક્તિઓને સામેલ કરીને કોઇપણ જાતની પક્ષાપક્ષી વગર માત્ર જનતા જનાર્દનની ભલાઈ માટે નિર્ણય લેવાય એવું જરૂરી બન્યું છે. નિલેશભાઈએ પોતાની એક વધુ અપેક્ષા જણાવી હતી કે શહેરમાં જ્યારે ઉદ્યોગો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે ત્યારે સામા કાંઠે એક નવું ફાયર બ્રિગેડ સ્ટેશન બનાવવું જરૂરી બન્યું છે. કેમ કે ભૂતકાળમાં જોવાયું છે કે આગ લાગવાના સમયે મોરબી શહેરના ટ્રાફિકમાંથી ઘટના સ્થળે પહોંચવામાં ફાયરબ્રિગેડનો ઘણો સમય વ્યતીત થતો હોવાથી ઉદ્યોગોને પારાવાર નુકસાન થતું હોય છે. આમ નવા ચૂંટાયેલા કાઉન્સિલરો સ્વહિત કોરાણે મૂકી જનતા જનાર્દનની સેવામાં લાગી જાય તે સાંપ્રત સમયની માંગ છે.

- text