મોરબીમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયો

- text


ત્રાજપરમા ઘેટાં સંવર્ધન કેન્દ્રની સરકારી જમીન ઉપર દુકાનો ખડકી દેનાર શખ્સ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ

મોરબી : રાજ્ય સરકાર દ્વારા પારકી જમીન પચાવી પાડનારા જમીન માફિયાઓને ઝેર કરવા ઘડી કાઢેલા ખાસ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ મોરબી જિલ્લાનો પ્રથમ કેસ નોંધાયો છે જેમાં ત્રાજપરમા ઘેટાં સંવર્ધન કેન્દ્રની સરકારી જમીન ઉપર દુકાનો ખડકી દેનાર શખ્સ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વટહુકમ ૨૦૨૦ ની કલમ ૩, ૪(૧)(૩), ૫(ગ) મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં નરેશકુમાર જીવાભાઇ કાસુન્દ્રા ઉ.વ.૫૮ ધંધો- નોકરી રહે – સુભાષનગર, શેરી નં.૪ મોરબી મુળ રહે- ગુલાબ વાટીકા સોસા. શેરી નં,૩ અમીન માર્ગ રાજકોટ નામના ફરિયાદીએ મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા દાઉદ મહમદ પલેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી દાઉદ મહમદ પલેજાએ તા. ૨૮/૦૭/૨૦૨૦ ના પહેલા કોઇપણ સમયેથી આજદીન સુધીમાં લખધીરપુર રોડ ઉપર ત્રાજપર ગામના સર્વે નંબર ૨૮/૧ પૈકી ૨ ની પશુપાલન ખાતાની ઘેટા સવર્ધન ફાર્મની સરકારી જમીનમા ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી દુકાનો બનાવી પોતાના આર્થીક લાભ સારૂ ભાડે આપી દેતા આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- text

આ મામલે મોરબી બી,ડિવિઝન પોલીસે આરોપી દાઉદ પલેજા વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ અંગેના વટહુકમ ૨૦૨૦ ની કલમ ૩, ૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક ચલાવી રહ્યા છે.

- text