મોરબી : ટેલિફોનના થાંભલા પડી જતા વિસ્તારના સેંકડો લેન્ડલાઈન ફોન ઠપ્પ

- text


નવા થાંભલાની જગ્યાએ અંડરગ્રાઉડ વાયરિંગ કરવાની સ્થાનિકોની માંગ

મોરબી : ભારતીય સંચાર નિગમ લિમિટેડ (બી.એસ.એન.એલ.)ની સેવા ધાંધીયાની સેંકડો ફરિયાદો વારંવાર ઉઠતી જ રહે છે ત્યારે આજે શનિવારે મોરબી શહેરના કાલિકા પ્લોટ મેઈન રોડ પર બીએસએનએલના બે થાંભલા કોઈ કારણોસર ધરાશાઈ થઈ જતા આ વિસ્તારના લેન્ડલાઈન ફોન મૂંગા થઈ ગયા છે.

રવાપર રોડ, રાજ બેંક, કાલિકા પ્લોટ 1 વાળી શેરીમાં ગત રાત્રે ગમે તે સમયે ટેલીફોનના 2 થાંભલા પડી ગયા હતા. એક થાંભલો હજુ પડી જવાની અણી પર છે. પડી ગયેલા બે પોલ પૈકી એક પોલ તો મૂળમાંથી સડી ગયો હતો. આ વિશે બીએસએનએલને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. અંતે એ થાંભલો તો જમીનદોસ્ત થયો જ પણ સાથે અન્ય એક થાંભલો પણ પડી જતા તેમજ હજુ ત્રીજો થાંભલો પડું પડું થઈ રહ્યો હોય આસપાસના વિસ્તારના સેંકડો લેન્ડલાઈન ફોન બંધ થઈ જવાથી દેકારો મચી ગયો છે.

સદનસીબે ગત મોડી રાત્રે થાંભલા પડ્યા હોવાથી કોઈ જાનહાની સર્જાઈ નથી. અલબત હજુ એક થાંભલો ઝૂકી ગયો હોવાથી ગમે ત્યારે એ જમીનદોસ્ત થવાની આશંકાને લઈને સ્થાનિકો ચિંતાગ્રસ્ત બન્યા છે. હાલમાં પડી ગયેલા થાંભલાના વાયરો જમીન પર ફેલાયેલા છે ત્યારે અકસ્માતનો ભય પણ તોળાઈ રહ્યો છે. બીએસએનએલ પોતાનું અને નાગરિકોનું વધુ નુકશાન થાય તેની રાહ જુવે છે કે સત્વરે આ થાંભલાઓનું રીપેરીંગ હાથ ધરે છે તે હવે જોવું રહ્યું.

- text

તેમજ સ્થાનિકોએ નવા થાંભલાની જગ્યાએ અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવાની માંગણી કરી છે. કારણ કે ટેલિફોન વિભાગના મોટાભાગના થાંભલાઓ રોડ ઉપર હોવાથી ટ્રાફિકને નડતરૂપ છે. તેથી હવે નવા થાંભલા રોડની સાઈડમાં નડતરૂપ ન બને તે રીતે અથવા તો અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવાની માંગણી કરી છે.

- text