હળવદ : ગૌવંશ પર હુમલા કરનાર સામે કડક કાર્યવાહી, બે આરોપીઓની પાસા હેઠળ ધરપકડ

- text


ગૌવંશ ઉપર સંખ્યાબંધ હુમલાના બનાવમાં લોકોના પ્રચંડ આક્રોશને પગલે અગાઉ પકડાયેલા બે આરોપીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

હળવદ : હળવદ પંથક છેલ્લા કેટલાક સમયથી ગોવંશ ઉપર વારંવાર ઘાતકી હુમલાથી ધણધણી ઉઠ્યું હતું. છેલ્લા થોડા સમયમાં હળવદ પંથકમાં 22થી વધુ ગૌવંશ ઉપર ઘાતકી હુમલાઓ થતા લોકોમાં પ્રચંડ આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે લોકોના રોષને પગલે ગૌવંશ ઉપર હુમલા કરનારને સબક મળે તે માટે મોરબી જિલ્લા પોલીસે આગાઉ પકડાયેલા બે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી હતી અને બન્ને આરોપીઓની પાસા હેઠળ ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું હતું.

હળવદ પંથક હમણાથી નિર્દોષ અને અબોલ ગૌવંશ ઉપર અમાનુષી અત્યાચારથી ખળભળી ઉઠ્યું હતું. પોલીસનો કે કાયદાનો કશો જ ડર ન હોય તેમ નરાધમો એટલી હદે બેફામ બન્યા હતા કે છેલ્લા થોડા સમયથી દિવસ ઉગેને કોઈને કોઈ ગામમાં ગૌવંશ ઉપર હુમલાની ઘટના સામે આવતી હતી. જેમાં કોઈ ગામમાં ગૌવંશ ઉપર એસિડ એટેક કે કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારોથી હુમલા કે ઝેરી પદાર્થ ખવડાવીને મોતને ઘાટ ઉતારી દેવાના બનાવો સામે આવતા લોકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતો. દરમ્યાન હળવદના માથક ગામે થોડા દિવસો અગાઉ ગૌવંશ ઉપર હુમલાના બનાવમાં બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.

- text

આથી, ગૌવંશ કે કોઈ અબોલ પશુઓ ઉપર નિર્દયી હુમલા કરતા પહેલા નરાધમોના હાથ કંપી ઉઠે તે માટે પોલીસે આ બન્ને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી હતી. જેમાં જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ગૌવંશના હુમલાના આ બંને આરોપીને પાસા કરવાની જિલ્લા કલેકટરને દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્ત ઉપર કલેકટરે મંજૂરીની મહોર મારતા પોલીસે ગૌવંશ પરના હુમલાના બે આરોપીઓની પાસા હેઠળ ધરપકડ કરી હતી. જેમાં એક આરોપી રાજુ ભીમલાભાઈ નાયકને સુરત લાજપોર જેલમાં તેમજ બીજા આરોપી બકા રૂપાભાઈ નાયકને અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયો હતો.

- text