મોરબીના ગાંધીનો આજે શતાયુમાં પ્રવેશ, ગાંધીજીના ‘ભારત છોડો’ અભિયાનનો ભાગ રહી ચુક્યા છે ગોકળબાપા

- text


મોરબી : મોરબીના ગાંધી તરીકે જાણીતા અને મોરબીના ગોકળદાસ ડોસાભાઇ પરમાર એટલે કે ગોકળબાપાએ ગઈકાલે એકસોમાં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેઓ તા. 06-01-1922ના રોજ જન્મ્યાં હતા.

તેમણે મહાત્મા ગાંધીજીના વિચારોને જીવનમાં સારી રીતે ઉતારેલ છે. મુંબઈની વિલ્સન કોલેજમાં અભ્યાસ કરતા હતા. ત્યારે ૧૯૪૨માં ગાંધીજીએ ક્વીટ ઇન્ડિયા-‘ભારત છોડો’ અભિયાનનું એલાન કર્યું હતું. ત્યારે તેમણે અભ્યાસ છોડીને મોરબી વિસ્તારને સમાજસેવાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. જેમણે મૂલ્યનિષ્ઠ જીવન જીવેલ છે. અને રાજકારણમાં મૂલ્યો ઉતારેલ છે, તેવા ગોકળબાપા સતવારા જ્ઞાતિના મોભી અને ગુજરાતના જાહેર જીવનના આદર્શ સમાન છે અને સમગ્ર મોરબી-માળીયા માટે ગૌરવ સમાન છે.

તેઓ મોરબી-માળીયા વિસ્તારના ત્રણ-ત્રણ વખત ધારાસભ્ય બનેલ હતા. પૂર્વ ધારાસભ્ય તેવા ગોકળબાપાએ સતવારા જ્ઞાતિના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપેલ છે. ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રમુખ તરીકે, ગુજરાત રાજ્ય જમીન વિકાસ બેન્કના ડિરેકટર તરીકે, ગુજરાત રાજ્ય માર્કેટિંગ સોસાયટીના ડિરેક્ટર તરીકે, રાજકોટ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ તરીકે, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે, સર્વોદય એજયુકેશન સોસાયટીના પાયાના સભ્ય તરીકે, વિદ્યોતેજક મંડળના પ્રમુખ તરીકે મોરબી ખાદી ભંડારના પ્રમુખ તરીકે, ધારાસભામાં અધ્યક્ષ તરીકે પણ જવાબદારી નિભાવી છે.

- text

ઉપરાંત, ગુજરાત સભાના હિસાબ સમિતિના અધ્યક્ષ રહી ચુક્યા છે. એટલું જ નહીં ધારાસભામાં પણ પોતે આઈએએસ તરીકે ઓળખાતા હતા. તેમજ અનેક સામાજીક સંસ્થાઓ સાથે સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે અનેક કાર્યો કરેલા છે. તેઓએ આપેલી સેવા ક્યારેય વિસરી શકાય તેવી નથી.

વજુભાઈ સહાય એવોર્ડ હોય કે પછી કુંભકો દ્વારા મળેલો સહકારી મંડળીનો એવોર્ડ હોય કે પછી વ્યક્તિ વિશેષ ગૌરવ પુરસ્કાર હોય કે પછી ગુજરાતી રત્ન એવોર્ડ હોય ગોકળબાપાને દરેક જગ્યાએથી સન્માન પ્રાપ્ત થયું છે. ઉલ્લેખનીય છે કે મોરબી-માળિયા વિસ્તારના આગેવાનોએ ગોકળબાપાને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરેલ છે. તેમજ સતવારા સમાજ દ્વારા પણ ગોકળબાપાના 75 વર્ષ પૂર્ણ થતા જ્ઞાતિ સમુહ ભોજન રાખવામાં આવ્યું હતું.

- text