ખેડૂત આંદોલનના સમર્થનમાં મોરબીના કોંગી આગેવાન શુક્રવારે ધરણાં કરશે

- text


મોરબી જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને લેખિત રજૂઆતમાં જાણ કરી

મોરબી : દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનના ટેકામાં એક દિવસના ધરણાં કરવા અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તથા માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારી દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ તથા એસ.પી. એસ. આર. ઓડેદરાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રમેશભાઈ આગામી તા. 4ના રોજ મોરબીમાં નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલના સ્ટેચ્યુ સામે ભૂખ હડતાલ પર બેસીને ખેડૂત આંદોલનમાં પોતાનું સમર્થન નોંધાવશે.

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે ખેડૂતો માટેના 3 કૃષિ બિલ જે કાળા કાયદા જેવા છે. તેની સામે દેશભરનાં ખેડૂતો રોષભેર છેલ્લા એક સપ્તાહથી દિલ્હી ખાતે આંદોલન ચલાવી રહેલ છે. જેમાં મુખ્યત્વે હિન્દી ભાષી અને પંજાબ-હરિયાણા સહિતના અન્ય રાજયના ખેડૂતો વિશાળ સંખ્યામાં આંદોલન ચલાવે છે. અને ખેડૂતોનાં હકક હિત માટે ન્યાયી માંગણી કરી રહયા છે. તેના પર સરકાર દ્વારા અમાનુષી અત્યાચાર થઈ રહ્યો છે. ભયાનક ટાઢમાં વોટર કેનન દ્વારા સતત પાણીનો મારો ચલાવાઈ રહયો છે. સરકાર ખેડૂતોની વાત માનવા તૈયાર નથી અને તેમના કાળા કાયદાનો અમલ કરાવવા મક્કમ છે.

- text

સામા પક્ષે પંજાબ, હરિયાણા, રાજસ્થાન તેમજ અન્ય રાજયનાં ખેડૂત પરિવારો, મહિલા-પુરૂષો સાથે ખુલ્લા મેદાનમાં ઉપર આભ અને નીચે ધરતી પર સરકારનો અત્યાચાર સહન કરી રહયા છે. તેવા સંજોગોમાં ખેડૂત અને માલધારીઓ એક જ છે. માલધારી પરિવારો પણ ખેતી કરે છે અને જમીનો ધરાવે છે એટલે ખેડૂતોના પ્રશ્ન માટે તેઓ પણ ખેડૂત સમાજ સાથે જ છે. અને તેમના ન્યાયી અને વ્યાજબી આંદોલનને સમર્થન આપે છે. કારણ કે જમીન છે તો ખેડૂત છે, અને ખેડૂત છે તો અનાજનું ઉત્પાદન થાય છે અને અનાજનું ઉત્પાદન થાય છે તો આમ પ્રજાનું જીવન છે.

ત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનના ટેકામાં રમેશભાઈ રબારી મોરબી ખાતે નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલની પ્રતિમા સમક્ષ એક દિવસ માટે ભૂખ હડતાલ પર બેસશે. આ કાર્યક્રમમાં તેઓ એક જ બેસવાનો છું. ધરણાંનો આ કાર્યક્રમ તા. 4 ડિસેમ્બરને શુકવારે સવારના 10થી સાંજના 4 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. તેમ રજૂઆતમાં જણાવ્યું છે.

- text