કોરોનાએ લાઈફ સ્ટાઇલ તો બદલી હવે વેડીંગ સ્ટાઇલનો વારો, નવા ટ્રેન્ડ આવતા પરંપરાઓ બદલાઈ

- text


પ્રસંગો દરમિયાન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો સાથે લોકો ‘નમસ્કાર’ જેવી ભારતીય સંસ્કૃતિ તરફ પણ વળ્યાં

મોરબી : કોરોના કાળને ટૂંક સમયમાં એક વર્ષ પૂર્ણ થવા આવશે. કોરોનાની એન્ટ્રી થતા લોકોના જીવનમાં ધરમૂળથી ફેરફારો થવા લાગ્યા છે. કોરોના વાયરસના લીધે લોકોની લાઈફ સ્ટાઇલ તો બદલી છે. પરંતુ હવે વેડીંગ સ્ટાઇલનો બદલવાનો વારો આવ્યો છે. જો કે વરવધુ અને સંબંધીઓનો હરખ તો એટલો જ છે, પણ પરંપરાઓ બદલાઈ રહી છે. આ સાથે એટલું ચોક્કસ કહી શકાય કે પ્રસંગો દરમિયાન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે. તો સાથે લોકો ‘નમસ્કાર’ જેવી ભારતીય સંસ્કૃતિ તરફ પણ વળ્યાં છે.

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. પણ તહેવારો બાદ કોરોનાનો કહેર વધતા સરકારે લગ્ન પ્રસંગો માટે નિયમો લાગુ કરી દીધા છે. જેના લીધે વધુ લોકો પ્રસંગના સ્થળે એકઠા નથી થઇ શકતા. આ સમસ્યાના ઉકેલરૂપે લોકોએ વિવિધ આઈડિયા વિચારી લગ્ન નવા ટ્રેન્ડ આવ્યા છે. આ દરમિયાન સૌથી નવો આઈડિયા લગ્નોનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો છે. એટલે કે લગ્નનો કાર્યક્રમ ઓનલાઇન જોવામાં આવે છે. તેથી, જે પરિચિતો લગ્નમાં હાજર ના રહી શકે તેઓ લગ્નવિધિ જોઈ શકે. આ માટે સ્નેહીજનોને કંકોત્રી કે મેસેજથી લાઈ‌વ સ્ટ્રીમિંગની લિન્ક અને પાસવર્ડ પણ અપાઈ છે. જેના લીધે લોકો ઘરબેઠા લગ્નની મજા માણી રહ્યા છે.

- text

અમુક રિવાજો બદલાયા, તો અમુક રદ કરાયા

લગ્ન પ્રસંગમાં લગ્ન સમાપ્ત થાય ત્યારે નવયુગલએ મોટેરાઓના તેમજ પંડિતને ચરણસ્પર્શ કરી આશીર્વાદ લેવાની પ્રથા છે. આ પ્રથામાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવે નવયુગલ સોસીયલ ડિસ્ટન્સ જાળવી વડીલોને નમસ્કાર કરીને આશીર્વાદ લઇ લે છે. તેમજ વર-વધૂના માતા પિતા લગ્નના સમયે એકબીજાને ગળે મળે છે. આ રિવાજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. સગા-વ્હાલાઓ પણ દૂરથી જ હાથ જોડીને એકબીજાનું અભિવાદન કરે છે. કોરોના કાળમાં અડકવું ખતરાભર્યુ હોવાથી લગ્નના કોઈપણ કાર્યક્રમમાં આવી પ્રથાઓને ઓછી કરી દેવાઈ છે.

લગ્નો શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ જ થાય છે, પરંતુ ફૂલોથી વધાવવા જેવી અમુક પ્રથાઓમાં ફેરફાર થયો છે : શાસ્ત્રી જીજ્ઞેશભાઈ પંડ્યા

મોરબીના પ્રખર શાસ્ત્રી જીજ્ઞેશભાઈ પંડ્યા જણાવે છે કે પંડિતોએ સગાઈ-લગ્નો જેવા પ્રસંગો દરમિયાનની વિધિમાં કોઈપણ ફેરફાર કર્યો નથી. લગ્નો શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી મુજબ જ થાય છે. પરંતુ વર-વધુ એકબીજાને માળા પહેરાવે તે સમયે મજાક-મસ્તી માટે તેમને તેડી લેવામાં આવતા તે પ્રથા બંધ કરાઈ છે. અને ફેરા ફરવા સમયે ફૂલો હાથેથી ઉડાડવાના બદલે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, લોકોએ હાથ મિલાવવાની પશ્ચિમી સંસ્કૃતિનો ત્યાગ કરી નમસ્કાર કરવાની ભારતીય સંસ્કૃતિને અપનાવી છે. આખરે લોકો પ્રાચીન સંસ્કૃતિ તરફ વળ્યાં, જે ખૂબ સારો અને આવશ્યક બદલાવ છે.

- text