મોરબી ખાનગી શાળા મંડળ દ્વારા 25 ટકા ફી માફી માટે તા. 31 સુધીમાં પ્રથમ સત્રની ફી ભરી આપવા ફરમાન

મોરબી : મોરબીના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા તમામ ખાનગી શાળાઓ વતી વાલીઓ માટે એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે ફરમાન કરવામાં આવ્યું છે કે સરકારના 25% ફી માફીના નિર્ણયનો વાલીઓએ લાભ લેવો હોય તો આગામી તા. 31 સુધીમાં વાલીઓએ ચાલુ વર્ષની 50% ફી ભરી આપવાની રહેશે. અને જે વાલીઓ ફી ન ભરી શકે તેઓએ લેખિતમાં જાણ કરવાની રહેશે.

આ પરિપત્રમાં જણાવાયું છે કે મોરબી જિલ્લાની શાળાઓ દ્વારા જયાં સુધી સરકારે ફી બાબતે નિર્ણય કરેલ નહી ત્યાં સુધી વાલીઓ પાસેથી ચાલું વર્ષની ફી માંગવામાં આવેલ નથી. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા તા. 07/10/2020ના ઠરાવથી વાલીઓને વર્ષ 2020-’21ની ટયુશન ફીમાં 25% રાહત આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મોરબી આવકારે છે.

વાર્ષિક ફીમાં નિયમાનુસાર 25% રાહત આપી બાકીની રકમને સરકારના આદેશ અનુસાર 50%ના બે હપ્તામાં વહેંચવામાં આવેલ છે. સરકારી આદેશ અનુસાર વાલીઓએ આ રાહતનો લાભ લેવા માટે ગયા વર્ષ 2019-’20ની તમામ ફી (જો બાકી હોય તો) તેમજ ચાલુ વર્ષ 2020-’21ની પ્રથમ સત્રની ફી (કુલ ફીના 50 ટકા) તા. 31/10/2020 સુધીમાં ભરપાઈ કરવી જરૂરી છે. તો જ તેમને 25 ટકા ફી માફીનો લાભ મળશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અસામાન્ય સંજોગોમાં તા. 31/10/2020 સુધીમાં જો કોઈ વાલી પૂરી ફી ભરવા સક્ષમ ના હોય તો એવા વાલીએ શાળા સંચાલક સમક્ષ કારણો સહીતની લેખિત રજૂઆત કરવાની રહેશે. આ રજૂઆતના અનુસંધાને ગુણદોષને ધ્યાને લઈ શાળા સંચાલક લેખિતમાં જે તે વાલીને ફી ભરવાની સમય મર્યાદામાં વધારો મંજૂર કરી આપશે. 25 ટકા ફી માફીનો લાભ લેવા એ મંજૂર કરેલ નવી સમય મર્યાદામાં વાલીએ સંતાનની ફી અચૂક ભરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના વાયરસની પરિસ્થિતિને કારણે લોકો આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે. તેમજ સરકારના 25 ટકા ફી માફીના નિર્ણયનો ગુજરાત વાલી મંડળે વિરોધ કરી વધુ ફી માફીની માંગણી કરી છે. અને જરૂર પડે આ મુદ્દે કોર્ટમાં પણ જવાની તૈયારી દર્શાવી છે. ત્યારે મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વાલીઓને 25 ટકા ફી માફી માટે તા. 31 સુધીમાં પ્રથમ સત્રની ફી ભરી આપવા ફરમાનના લીધે વાલીઓમાં વિરોધ થાય તેવી શક્યતા છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate