મોરબીમાં દબાણ હટાવ ઝુંબેશ : 20 ઝુંપડા સહિત 46 જેટલા દબાણો હટાવાવતું તંત્ર

- text


કલેકટરના આદેશ બાદ તંત્રની ગેરકાયદે દબાણો ઉપર તવાઈ : પોલીસ અને નગરપાલિકાની ટીમ દ્વારા ઉમિયા સર્કલ પાસે કેનાલની બાજુમાં દબાણ હટાવાયું

મોરબી : મોરબીમાં જિલ્લા કલેકટરના આદેશ બાદ આજથી તંત્રએ જાહેર માર્ગો પર આડેધડ ટ્રાફિકને અડચણરૂપ ખડકાયેલા દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરી હતી. જેમાં પોલીસની ટીમો અને પાલિકાની ટીમોએ સંયુક્ત રીતે દબાણ હટાવ કામગીરી હાથ ધરીને ઉમિયા સર્કલ પાસે કેનાલની બાજુમાં દબાણ હટાવી દીધું હતું. જો કે શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે રોડ ઉપરના ગેરકાયદે દબાણો પર તંત્રએ તવાઈ ઉતારી હતી. મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલે બે દિવસ પહેલા સંકલન સમિતિની બેઠકમાં કરેલી રજુઆતો સંદર્ભે શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રોડ ઉપરના દબાણો દૂર કરવાની તંત્રને તાકીદ કરી હતી. જેના પગલે આજે મોરબી જિલ્લા પોલીસની ટીમો અને નગરપાલિકાની ટીમોએ ટ્રાફિકને નડતરરૂપ માર્ગો પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા, પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર ભટ્ટ, એ ડિવિઝન પી.આઇ. આર. જે. ચૌધરી, એલ.સી.બી. પી.આઇ. વી. બી. જાડેજા સહિતની ટીમોએ રવાપર રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે કેનાલની ડાબી બાજુએ આવેલા રસ્તા ઉપરના દબાણો હટાવ્યા હતા. અહીંથી 3 કેબિન, 20 ઝુંપડા, 3 લારી, 20 જેટલા છાપરા હટાવી દીધા હતા અને રસ્તો ખુલ્લો કરી દીધો છે.

- text

આ ઉપરાંત, સામાકાંઠે બેઠો પુલ જવાના રસ્તાની સાઈડમાં જગ્યાને તા.24 સુધીમાં ખુલ્લો કરી દેવાની તાકીદ કરાઈ છે અને ત્યાંથી ગેસ્ટ હાઉસ રોડ, નહેરુ ગેટ ચોક સુધીનો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે. આ રસ્તો ક્લિયર કરીને ગેસ્ટ હાઉસ રોડ ઉપર રહેતા ટ્રાફિકના વધુ પડતા ભારણને હળવું કરાશે. આ ઉપરાંત, નદીનો પટ્ટથી મહેન્દ્ર ડ્રાઈવ રોડ થઈને દરબાર ગઢ તરફ જતા રોડ ઉપર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે. જો કે અગાઉ પણ તંત્રએ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. પરંતુ થોડા સમય બાદ આ કામગીરી આગળ વધી ન હતી. ત્યારે હવે જિલ્લા કલેકટરના આદેશ બાદ તંત્રે હોંશે-હોંશે આજે દબાણ હટાવ કામગીરી શરૂ કરી છે પણ આ કામગીરી ક્યાં સુધી ચાલશે તે મોટો સવાલ છે.

- text