ટંકારા : મોડાસામાં બનેલા દુષ્કર્મ-હત્યાના બનાવના વિરોધમાં આવેદન પાઠવ્યું

- text


રાજ્યમાં મહિલાઓ સાથે બનતી આવી ધૃણાસ્પદ ઘટનાઓ રોકવા અને દોષીઓને સખ્ત સજા આપવા રાજ્યપાલને લખ્યો પત્ર

ટંકારા : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શાપરા ગામની 19 વર્ષીય યુવતીનું અપહરણ કરી બાદમાં દુષ્કર્મ અને હત્યાના બનાવના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ઠેર ઠેરથી આ ઘટનાના વિરોધમાં અનુ.જાતિ સમાજના લોકો દ્વારા આવેદનો અપાઈ રહ્યા છે. લોકોમાં આ બનાવને લઈને આક્રોશ ભભૂકી રહ્યો છે. ત્યારે ટંકારા બહુજન સમાજના પ્રમુખે આ બનાવમાં સંડોવાયેલા આરોપીને સખતમાં સખત સજા અપાવી ભવિષ્યમાં આવા જઘન્ય બનાવો રોકવા અસરકારક પગલાં ભરવા માટે ટંકારા મામલતદારને આવેદન પાઠવી આ પત્ર ગુજરાતના રાજ્યપાલ સુધી પહોંચાડી પીડિત પરિવારને ન્યાય માટે અવાજ ઉઠાવ્યો છે.

- text

મોડાસા તાલુકાના શાપરા ગામની 19 વર્ષીય યુવતીનું ચાર નરાધમો દ્વારા અપહરણ કરી તેને ચાર દિવસ ગોંધી રાખી યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરી બાદમાં તેની નિર્મમ હત્યા કરવાનો બનાવ સામે આવતા સમગ્ર રાજ્યમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. દુષ્કર્મ-હત્યાના આરોપીઓને છાવરવા પીડિતાના પરિવારની એફ. આઈ.આર. ન લેનાર પી. આઈ. વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા ટંકારા બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ પ્રવીણભાઈ ચૌહાણે આ આવેદનમાં જણાવ્યું છે. પીડિતાના પરિવારને રાજ્ય સરકાર 50 લાખની રોકડ સહાય, પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી તેમજ પીડિતાના પરિવારને રક્ષણ આપવાની માંગણી આવેદનપત્રમાં કરાઈ છે.

- text