કંસારા શેરીમાં ઉભરાતી ગટર મામલે સ્થાનિકોએ પાલિકામાં રામધૂન બોલાવી છાજીયા લીધા

- text


ઘણા સમયથી ઉભરાતી ગટરની સમસ્યા હલ કરવા તંત્રએ દાદ ન આપતા સ્થાનિકો વિર્ફયા : સામાજિક અગ્રણીની આગેવાનીમાં સ્થાનિક લોકોએ પાલિકામાં મોરચો માંડી ઉગ્ર રજુઆત કરી

મોરબી : મોરબીની કંસારા શેરીમાં ઘણા સમયથી વારંવાર ઉભરાતી ગટરની ગંભીર સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે અગાઉની રજુઆતો કાને ન ધરીને તંત્રએ અક્ષમ્ય બેદરકારી દાખવતા સ્થાનિકો વિર્ફયા હતા. સામાજિક કાર્યકરની આગેવાનીમાં આ વિસ્તારના લોકોએ ગટરના પ્રશ્ને પાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો. એ દરમિયાન પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હોવાથી સ્થાનિક લોકોએ આ બન્નેના નામના છાજીયા લીધા હતા અને રામધૂન બોલાવીને ઉગ્ર રોષ પ્રદર્શિત કર્યો હતો. તેમજ ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવે ત્યાં સુધી પાલિકામાં બેસી રહેવાની ચીમકી આપી હતી. મોરબીના ગ્રીનચોક અંદર આવેલ કંસારા શેરી ઘણા સમયથી ઉભરાતી ગટરની સમસ્યાથી ભારે પ્રભાવિત છે. સ્થાનિક લોકોએ તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો કે, કંસારા શેરીમાં ઘણા સમયથી ભૂગર ગટર વારંવાર ઉભરાઈ છે ગટરના ગંદા પાણી આખી શેરીમાં ફરી વળતા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ઘરની બહાર ગટરની બેસુમાર ગંદકી ફેલાયેલી હોવાથી રોગચાળાનું જોખમ સર્જાયું છે. આ વિસ્તારમાં સર્ગભા મહિલાઓ છે તેમને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં ભારે તકલીફ પડે છે. તેમજ ગટરના પાણીને કારણે સ્કૂલ વાહન અંદર આવતા ન હોય લોકોને પોતાના બાળકોને શાળાએ મુકવા જવામાં ભારે મુશ્કેલી પડે છે.તેમજ આ વિસ્તારમાં કોઈનું અવસાન થઈ ગયું હોય એના બેસણા તથા ઉતરક્રિયા સહિતની વિધિ કરવામાં પણ ભારે મુસીબત વેઠવી પડે છે. એકંદરે ગટરના ઉભરાતા ગંદા પાણીથી કંસારા શેરીના લોકોનું જીવવું હરામ થઈ ગયું છે.

- text

ઉભરાતી ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ સાથે આ વિસ્તારના લોકોએ પાલિકા તંત્રને રજુઆત કરી છે. જો કે ગટરની સમસ્યા વકરે ત્યારે પાલિકા તંત્ર આ વિસ્તારની ગટરની ઉપરછલ્લી રીપેરીંગ કરે છે. પરિણામે, ગટરની સમસ્યાઓ યથાવત રહે છે. જો કે ગટર પ્રશ્ને થોડા દિવસો પહેલા સ્થાનિક લોકોએ પાલિકા તંત્રને રજુઆત કરી હતી તેમ છતાં કાયમી ઉકેલ ન આવતા આ વિસ્તારના રહીશોનું ટોળું સામાજિક કાર્યકર રાજુભાઇ દવેની આગેવાનીમાં પાલિકા કચેરીએ રજુઆત કરવા દોડી ગયું હતું પણ દરેક વખતની જેમ પાલિકા કચેરીએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ગેરહાજર હોવાથી લોકો વિર્ફયા હતા અને લોકોએ પ્રમુખ તથા ચીફ ઓફિસરના નામના છાજીયા લીધા હતા તેમજ રામધૂન બોલાવી હતી. સ્થાનિક લોકોએ ઉગ્ર આક્રોશ ઠાલવીને જ્યાં સુધી તેમના વિસ્તારની ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવે ત્યાં સુધી પાલિકા કચેરીમાં બેસી રહેવાની ચીમકી આપી હતી.

- text