મોરબી : ચોરીની શંકાએ યુવાનને માર મારતા મોત : ત્રણ સામે હત્યાનો ગુનો નોંધાયો

- text


લખધીરપુર રોડ પરના કારખાનામાં બનેલા આ બનાવમાં સિક્યુરિટી મેનની ફરિયાદ પરથી કારખાનેદાર સહિત ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો

મોરબી : મોરબીના લખધીર પુર રોડ ઉપર ધુંટું ગામની સીમમાં આવેલ એક ફેકટરીમાં અજાણ્યો યુવાન ચોરી કરવા આવ્યો હોવાની શંકા કરીને કારખાનેદાર અને બે સુપરવાઈઝર મળીને તેને પકડીને બેફામ માર માર્યો હતો. જેમાં ગંભીર ઇજા થતાં અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું. જેથી, આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે એ કારખાના સિક્યુરિટી મેનની ફરિયાદ પરથી કારખાનાના માલિક સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ, ધુટુ ગામની સીમમા આવેલ લ્યુસીડ માઈક્રોન કારખાનામાં તા.૨૨ ના રોજ સવારના આશરે નવેક વાગ્યા વખતે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો. આથી, આ કારખાનાના સીકયુરીટી મેન મીથુનકુમાર સંતોષકુમાર ચૌધરી આ બાબતની કારખાનાના માલિકને જાણ કરી હતી. બાદમાં આ અજાણ્યો યુવાન તેમના કારખાનામાં ચોરી કરવા આવ્યો હોવાની શંકા કરી લ્યુસીડ માઈક્રોન કારખાનાના શેઠ રોહિતભાઈ, લ્યુસીડ માઈક્રોન કારખાનાના સુપરવાઈઝર નિલેશભાઈ અને આ કારખાનાના અન્ય સુપરવાઈઝર પરસોતમભાઈ ઉર્ફે મામાએ લ્યુસીડ માઈક્રોન કારખાનાની ઓફીસ પાસે પકડી રાખી પાવડાના હાથા વડે તેમજ પીળા કલરના ઝાડા વાયર વડે શરીરે આડેધડ માર મારી ગંભીર ઇજા પહોચાડી હતી. જેથી, અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું. બાદમાં લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

- text

તાલુકા પોલીસે આ બનાવની સઘન તપાસ કરીને કારખાનાના સિક્યુરિટી મેનની પૂછપરછ કરતા આખો મામલો બહાર આવ્યો હતો અને કારખાના માલિક તથા બે સુપરવાઈઝરે આ અજાણ્યા યુવાનને ચોર સમજીને માર મારતા તેનું મોત થયાનું ખુલ્યું હતું. આથી, સિક્યુરિટી મેનની ફરિયાદ પરથી તાલુકા પોલીસે કારખાના માલિક સહિત ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text