નાની વાતો ની અસર મોટી : હેપી ચિલ્ડ્રન્સ ડે

- text


(જાગૃતિ તન્ના “જાનકી”)
આજે આપણા સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ, જેને આપણા ભારતમાં બાળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જો કે આખા વિશ્વમાં તેને 20 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, પણ આપણા ભારતમાં બાળકો જેમને ખૂબ પ્રિય હતા અને બાળકોને જેઓ ખૂબ પ્રિય હતા એવા નહેરુ ચાચાના જન્મ દિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ બાળ દિવસ ઉજવવા પાછળનો હેતુ બાળકોના અધિકારો, શિક્ષણ, સ્વાસ્થ્ય, શારિરીક અને માનસિક વિકાસ વગેરે અંગે જાગૃતિ લાવવાનો છે. બાળકોના પ્રિય નહેરુ ચાચાનું માનવું હતું કે બાળકો દેશના ભાવિ નિર્માતા છે. તેમની આ વાત તદ્દન સાચી છે, પણ બાળપણ એટલે કોરી પાટી, અને એ પાટી પર લખનાર આપણે મોટાઓ.

એક વખતની વાત છે. હું એક દુકાનમાં હતી ત્યારે ચોકલૅટ માટે જીદ કરતા બાળકને તેની મમ્મીને એમ કહેતા સાંભળ્યા કે અહીંની ચોકલૅટ સારી ના હોય. તારા નાના ફોરેનથી ચોકલૅટ લાવ્યા છે ને એ તને ઘરે જઈને આપીશ. આપણે જ્યારે બાળકોને સમજાવતા હોઈએ છીએ ત્યારે ઘણીવખત એ વાતનો ખ્યાલ નથી રાખતા હોતા કે આપણે જે બોલીએ છીએ તેનો અર્થ શું થાય? બાળકો કોઈ વખત જીદ કરે તો તેમને સમજાવવા જરૂરી હોય જ છે. જે તે સમયે આપણે બાળકોને સમજાવવા વગર વિચાર્યે કંઈપણ બોલી દેતા હોઈએ છીએ. એ તો કોઈપણ રીતે વ્યાજબી ન જ ગણાય. કેમ કે, તેઓ તેમના મોટાઓ ની નજરથી આ દુનિયાને જોતા હોય છે. આપણે મોટાઓ બાળકોનો અરીસો હોઈએ છીએ. પેલું કહેવાય છે ને કે આપણી વાતો કરતા આપણા વર્તન પરથી બાળકો વધુ શીખતા હોય છે.

- text

કોઈ વખત બાળકો કંઈક તોફાન કરતા હોય ત્યારે સામાન્ય રીતે તેને એમ કહેવામાં આવતું હોય છે કે આમ નહીં કર નહીંતર બાવો આવશે વગેરે વગેરે  અને કોઈ વખત બાળક ડરતું હોય ત્યારે એમ કહેવામાં આવે કે, તું તો મારો બહાદુર દિકરો છે કે બહાદુર દિકરી છે. આપણને એમ થાય કે એમાં શું મોટી વાત છે? પણ આપણી દરેક વાત બાળકોના માનસપટ પર અસર કરતી હોય છે. આપણે આવા વર્તનથી બાળકોને કન્ફ્યુઝ કરી દેતા હોઈએ છીએ કે ડરવું કે પછી બહાદુર થવું??

આ તો એક માત્ર ઉદાહરણ કહી શકાય. બાકી આવી તો અનેક બાબતો હોય છે. આપણે આપણી જરૂરિયાત મુજબ બાળકો સાથે વર્તતા હોઈએ છીએ. આપણે વર્તમાનમાં સમસ્યાના નિવારણ માટે અજાણતા જ બાળકોના ભાવિ સાથે ચેડાં કરી બેસીએ છીએ. તો આજે બાળ દિવસથી સંકલ્પ કરીએ કે આપણું  બાળકો સાથેનું વર્તન ખૂબ જ ચીવટપૂર્વકનું હોવું જોઈએ. કેમ કે આ નાની લાગતી વાતોની અસર બહુ મોટી હોય છે.

-જાગૃતિ તન્ના “જાનકી”


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text