જાત મહેનત જીંદાબાદ : શક્તિ પ્લોટ શેરીના ખરાબ રોડની સ્થાનિકોએ જાતે જ કરી મરામત

- text


વરસાદી પાણી ભરાઈ રહેતા અને ગારાકિચડથી પારાવાર મુશ્કેલીઓ થતી હોવા છતાં તંત્ર દાદ ન દેતા અંતે સ્થાનિકોએ રોડ રિપેર કર્યો

મોરબી : મોરબી પાલિકા તંત્રએ નીંભરતાની હદ વટાવી દીધી હોવાથી લોકોને જાતે જ પોતાની સમસ્યા ઉકેલવાની ફરજ પડી છે.જેમાં વધુ એક વિસ્તારના લોકોએ જાત મહેતન જીંદાબદની ઉક્તિને યથાર્થ ઠેરવી છે.શક્તિ પ્લોટ શેરી નંબર 11ના રોડમાં સતત વરસાદી પાણી ભરાતા અને ગારાકિચડથી ભયકર ગંદકી થતી હોવા છતાં પાલિકા તંત્રએ એકપણ રજુઆત કાને ન ધરતા તંત્રની બેદરકારીથી કંટાળીને સ્થાનિક લોકોએ રોડની જાતે જ મરામત કરી હતી.
મોરબીના રવાપર રોડ ઉપર રાજબેંકની સામે આવેલ શક્તિ પ્લોટ શેરી નંબર 11ના રહીશોએ તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે,તેમની શેરીમાં અગાઉ સીસીરોડ બાદ માથે ડામર રોડ બનાવવામાં આવ્યો હતો.આ રોડ બન્યાને ઘણો સમય વીત્યા બાદ પણ હજુ નવો રોડ બનાવવામાં આવ્યો નથી.જોકે શક્તિ પ્લોટની બીજી શેરીઓમાં નવા રોડ બનાવવામાં આવ્યા છે.પણ તેમની આ એક જ શેરી બાકી રાખીને તંત્ર ઓરમાયું વર્તન રાખતું હોવાનો બળાપો ઠાલવ્યો હતો અને તેમની શેરીનો મુખ્ય રોડ ઘણા સમયથી બિસમાર બની ગયો છે અને સામાન્ય વરસાદ પડે એટલે પાણી ભરાઈ અને ગારાકીચડ થાય છે.પરિણામે લોકો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે હમણાંથી વરસાદ વરસતો હોય શેરીના રોડની ખૂબ બુરી દશા થઈ ગઈ છે.ણે મચ્છરોનો ઉપદ્રવ થતા રોગચાળો વકરવાની દહેશત હતી.આથી આ ગંભીર બાબતે પાલિકા તંત્રનું વારંવાર ધ્યાન દોર્યું હતું.પણ તંત્ર બેદરકારીમાં માહેર હોવાથી તેની પાસેથી આશા રાખવી વ્યર્થ હતી.આથી સ્થાનિક લોકોએ ભેગા થઈને સ્વખર્ચે રોડની મરામત કરવાનું નક્કી કર્યું હતું અને લોકોએ જાતે જ મોરમ નખાવીને રોડની સ્થિતિ સુધારી હતી.જોકે તંત્રના કામ લોકોએ જાતે જ કરવા પડે તો તંત્રનું કામ જ શુ છે? તેવો સવાલ ઉઠ્યો છે.

- text