મોરબી: મોજશોખ માટે બાઇક ચોરીના રવાડે ચડેલો યુવાન પાંચ ચોરાઉ બાઇક સાથે ઝડપાયો

- text


એ ડિવિઝન પોલીસે પાંચ બાઇકની ચોરીનો ભેદ ઉકેલ્યો

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે પાંચ બાઇક ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં એ ડિવિઝન પોલીસે મોજશોખ ખાતર બાઇક ચોરીના રવાડે ચડેલા યુવાનને પાંચ ચોરાઉ બાઇક સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા અને ડી.વાય.એસ.પી.બન્નો જોશીએ મોરબી વિસ્તારમાં વાહન ચોરીના બનાવો અટકાવવા અને બાઇક ચોરીના બનાવોને ડિટેકટ કરવાની સૂચના આપતા મોરબી એ ડિવિઝન પી.આઇ. આર.જે.ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીગ કરી રહ્યો હતો.તે સમયે સ્ટાફના નિર્મળસિંહ જાડેજા અને શક્તિસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે લીલાપર રોડ ઉપર બાઇક પર પસાર થતા જીતેન્દ્ર ઉફે જીતુ ગોવિદભાઈ પરમાર રહે મૂળ જામનગર હાલ ટંકારા વાઘગઢને અટકાવીને પૂછપરછ કરી હતી.પણ આ શખ્સ ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસે એ બાઇક નંબરને ગુજકોપ પોકેટ દ્વારા સર્ચ કરાતા તેની પાસે રહેલું બાઇક મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં ચોરી કર્યું હોવાનું ખુલ્યું હતું.આથી પોલીસે આ શખ્સને ચોરાઉ બાઇક સાથે ઝડપીને વધુ પૂછપરછ કરાતા તેણે અન્ય ચાર બાઇકની પણ ચોરી કરી હોવાની તથા આ ચોરાઉ બાઇક મોરબીના અલગ અલગ વિસ્તારમાં છુપાવ્યા હોવાની કબૂલાત આપી હતી.આથી પોલીસે એ સ્થળેથી ચાર ચોરાઉ બાઇકો કબ્જે કર્યા હતા. મોરબીમાંથી એક , ધ્રોલમાંથી બે અને જામનગરમાંથી એક એમ મળીને કુલ ચાર સ્થળે આ બાઇકોની ચોરી કરી હોવાનું ખુલ્યું હતું.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text