જેતપરડા ગામે સિરામિક કારખાનાઓ બેખોફ ફેલાવતાં પ્રદૂષણ : તંત્રના આંખમિચામણા

- text


ગ્રામજનોએ પ્રદુષણથી કંટાળી લેખિતમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું : અગાઉ પણ ફરિયાદો થયેલ પરંતુ પરિણામ શૂન્ય

વાંકાનેર : મોરબીની સાથોસાથ વાંકાનેર પંથકમાં પણ સિરામિક ઉદ્યોગોએ પ્રગતિ સાધી છે વાંકાનેરમાં ઢુવા, માટેલ, સરતાનપર રોડ, વઘાસીયા, જાંબુડીયા, પાડધરા રોડ, જેતપરડા વગેરે જગ્યાએ સિરામિક એકમો આવેલ છે જેમાંથી મોટાભાગના સિરામિક એકમો દ્વારા જાહેરમાં કેમિકલ યુક્ત સિરામિક વેસ્ટ નાખવામાં આવે છે જેનાથી આજુબાજુના ખેતરો અને માલઢોરને નુકસાન થઈ રહ્યું છે તેમજ વરસાદી પાણી સાથે આ કેમિકલયુક્ત સિરામિક વેસ્ટ નદીમાં થઈ ડેમમાં જઈ રહ્યું હોય પાણી પ્રદૂષણ માટે પણ જવાબદાર છે. ઘણી વખત આ બાબતે ફરિયાદો કરવામાં આવે છે પરંતુ નિર્ણાયક કહી શકાય તેવો કોઇ ઉકેલ જોવા મળ્યો નથી અને થોડા દિવસોમાં બધુ રૂટિન પ્રમાણે ચાલ્યા કરે છે આ પ્રદુષણ રોકવાની જેની જવાબદારી છે તે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વાંકાનેર પંથકમાં કયારેક જ દેખા દે છે બાકી પોતાની એસી ચેમ્બરમાં સકુશળ રહે છે.

પ્રદૂષણ ઓકતા આ સીરામીક ઉદ્યોગો સરકારી જમીન ઉપર કબજા કરવા, ગાડા મારગ કે રોડ રસ્તા બંધ કરવા કે સરકારી મિલ્કતોને નુકશાન કરવું, તળાવ ખોદી તેમાં પણ કબજો કરવો આ બધી બાબત સામાન્ય બની ગઈ છે કોઈ પણ સરકારી કચેરીમાં ફરિયાદ કરો કોઈ પરિણામ નહીં. વાંકાનેરના જેતપરડા રોડ પર બનતા સિરામિક ફેક્ટરીએ નવો બનેલ ચેકડેમ તોડી પાડેલ જેની લેખિત ફરિયાદ વાંકાનેર ટીડીઓને કરવામાં આવતાં અંદાજિત બે વર્ષ પહેલાં ટીડીઓ દ્વારા તે સિરામિક ફેક્ટરી વિરુદ્ધ તપાસ હાથ ધરેલ અને સરકારી મિલકતને નુકસાન સબબ તેમની પાસેથી રિકવરી કરવાં અને ફોજદારી ફરિયાદ દાખલ કરવાં ગ્રામ પંચાયતને હુકમ કરેલ પરંતુ આજ સુધી ગ્રામ પંચાયત દ્વારા તે સિરામિક કંપની પર કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને ટીડીઓ ના હુકમનો ગ્રામ પંચાયત દ્વારા કોઈ અમલવારી કરવામાં ન આવતાં એવું લાગી રહ્યું છે કે જાણે ઉચ્ચ અધિકારીઓનો કોઈ ડર રહ્યો નથી.

- text

હાલમાં જેતપરડા ગામના ગ્રામજનોએ મામલતદાર વાંકાનેરને લેખિત રજૂઆત કરી જણાવેલ છે કે એબલ સિરામિક, સ્લોબ સીરામીક, મલ્ટીસ્ટોન સીરામીક, સીબેલા સીરામીક તેમજ અન્ય કારખાનાઓ દ્વારા ગ્રામ પંચાયતની સરકારી જમીનમાં ગંદકી અને પ્રદૂષણ ફેલાવી રહ્યા છે તેમજ કારખાનાઓની બાજુમાં આવેલ સરકારી ખરાબામાં કબજો કરી ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે જે બાંધકામ દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવવા માંગ કરવામાં આવેલ છે ઉપરાંત જાહેરમાં સરકારી ખરાબામાં કેમિકલયુક્ત સિરામિક વેસ્ટ નાખવાથી ખેતીની જમીનમાં નુકસાન તેમજ લોકોના આરોગ્યને ખતરો હોય સીરામીક વેસ્ટ જાહેરમાં બંધ કરાવવાની માંગણી કરેલ છે.

ઉપરોક્ત બાબતે ગ્રામજનો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા સરકારી તંત્રને લેખિત ફરિયાદ આપવામાં આવેલ છે અને પ્રદુષણથી ગ્રામજનોને મુક્તિ અપાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

- text