મોરબીમાં ટ્રાફિક પોલીસની હપ્તાખોરી : રીક્ષા ચાલકનું સ્ટિંગ ઓપરેશન, જુઓ વિડિઓ

- text


હાઇવે અને જિલ્લા ટ્રાફિકના નામે ફોલ્ડરિયા મારફતે ટોકનપ્રથાથી ચાલતું હપ્તારાજ

મોરબી : મોરબીમાં જિલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાએ ચાર્જ સાંભળતા જ વેરવિખર થઇ ગયેલ જિલ્લા ટ્રાફિક અને હાઇવે ટ્રાફિકની ઉઘરાણા બ્રાન્ચ એક જ ઝાટકે બંધ થઈ ગયા બાદ પુનઃ હપ્તારાજનો શુભારંભ થઈ જતા રીક્ષા, ઇકો, તુફાન, ટ્રક અને અન્ય વાહન ચાલકોને ફરજીયાત ચાંદલો કરવાની મોસમ પૂરબહારમાં ખીલી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે અને ઉઘરાણા બ્રાન્ચની હપ્તાખોરીનો સ્ફોટક વિડીયો રીક્ષા ચાલકે ઉતારી લેતા મોરબી પોલીસની આબરૂનું ધોવાણ થયું છે.

મોરબીમાં ટ્રાફિક પોલીસની હપ્તાખોરીનો ચોંકાવનારો પુરાવો રિક્ષાચાલકે મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો છે, મોરબીમાં છેલ્લા મહિનામાં હાઇવે ટ્રાફિક પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસના ફોલ્ડરિયા મારફતે થતા ઉઘરાણાં સદંતર પણે બંધ થઈ ગયા બાદ પુનઃ ધમધમાટ સાથે બમણા જોર થી ફોલ્ડરિયા બોલેરો અને જીપમાં આવી પેસેન્જર વાહન ચાલકોને મહિના મુજબના ટોકન કે કાર્ડ પકડાવી શક્તિ પ્રમાણે ભક્તિ મુજબ સીએનજી રીક્ષા ચાલકો પાસેથી 100, ઇકો – ક્રુઝરના 500 અને રેતીની ગાડીના મન પડે તેવા ચારથી પાંચ આંકડાની રકમના ઉઘરાણા શરૂ કરી દેતા સમગ્ર જિલ્લામાં ચકચાર જાગી છે.

- text

બીજી તરફ મોરબી પોલીસની ટ્રાફિક શાખા ( ઉઘરાણા બ્રાન્ચ) દ્વારા રાજકોટ રોડ, ઘુંટુ રોડ,લાલપર હાઇવે, કંડલા હાઇવે, બેલા રોડ, માંડલ રોડ, વાંકાનેર હાઇવે સહિતના મુખ્ય માર્ગો ઉપર 1થી 10 તારીખની વચ્ચે બોલેરો અને જીપ્સી લઈ સાદા ડ્રેસમાં તેમજ કેટલાક કિસ્સામાં વર્ધી સાથે ફોલ્ડરોને મેદાનમાં ઉતારી દરેક રીક્ષા ચાલકોને એક ખાસ પ્રકારના કોડ વાળા પુઠાના ટોકન પકડાવી રોકડી કરવામાં આવી રહી છે.

ચોંકાવનારી બાબત તો એ છે કે મોરબી પોલીસની ઉઘરાણા બ્રાન્ચના કરતૂતો અંગે એક સ્માર્ટ રીક્ષા ચાલકે વિડીયો ઉતારી લઈ હપ્તારાજની પોલ છતી કરી છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા પોલીસવડાએ ચાર્જ સાંભળ્યા બાદ વર્ષોથી આ મલાઈદાર બ્રાન્ચમાં ફરજ બજાવતા જુના જોગીઓને અન્ય જગ્યાએ ફરજ ઉપર કામે લગાડી દેતા વાહન ચાલકોમાં હાશકારો થયો હતો પરંતુ આ હાશકારો બહુ સમય ચાલવાને બદલે પુનઃ હપ્તારાજ શરૂ થઈ જતા વાહન ચાલકોને ચાંદલો ચૂકવ્યા સિવાય છૂટકો ન હોવાનો વસવસો વ્યક્ત કરી રહ્યા છે.

આ સંજોગોમાં એક વાત તો સ્પષ્ટ છે કે મોબાઈલ ઈન્ટરનેટના આજના યુગમાં લોકોમાં જાગૃતિ આવી છે એક સામાન્ય રીક્ષા ચાલક પણ જો ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી સ્માર્ટ બની વિડીયો ઉતારી ગેરકાનૂની પ્રવૃત્તિ સામે હિંમત કરી શકતો હોય તો અન્ય લોકોએ પણ સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા આગળ આવાની જરૂર છે.

જુઓ મોરબીના રિક્ષાચાલકની સ્માર્ટ કારીગીરીની વિડિયો

 

 

- text