મોરબી અલગ સીટી મામલતદાર કચેરી બનાવવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની રજુઆત

- text


મોરબી તાલુકામાં અધધ ૧૧૦ ગામોનો સમાવેશ હોવાથી લોકોના કામ ઘોચમાં : સીટી તાલુકો બને તો કાર્યબોજ ઘટાડી શકાય

મોરબી : માળીયા મોરબી વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મુખ્યમંત્રીને રજુઆત કરી ખૂબ જ કાર્યબોજ ધરાવતા મોરબી તાલુકામાં અલગથી સીટી મામલતદાર કચેરી બનાવી સીટી તાલુકો બનાવી શહેરી વિસ્તારોનો સમાવેશ કરવા માંગણી કરી છે.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ હાલના મોરબી તાલુકાના કાર્યભારણ ધ્યાને લઈ નવો મોરબી સીટી તાલુકો ઉભો કરી કામનું વિભાજન કરવા અંગે રાજયના મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે. મોરબી તાલુકો સમગ્ર રાજયનો અવલ નંબરનો ૧૧૦થી વધુ ગામોનું કાર્યભારણ ધરાવતો તાલુકો છે. મોરબી તાલુકાના મહેસૂલી સહિતના તમામ રોજબરોજના કામો માટે અરજદારોને મામલતદાર કચેરીએ વારંવાર ધરમ ધક્કા થાય છે. મોરબી તાલુકાના હાલના સેટઅપ મુજબના કર્મચારીઓ અને ખાલી જગ્યાઓને લીધે આરજદારોના કામો વિલંબિત થાય છે.

- text

સમય મર્યાદાના કામોનો સમયસર નિકાલ ન આવવાથી લોકોને મુશ્કેલી પડે છે. આ સ્થિતિ નિવારવા મોરબી તાલુકાના કાર્યબોજનું વિભાજન કરી મોરબી શહેરી વિસ્તારને આવરી લેતો મોરબી સીટી તાલુકો બનાવવો ખૂબ અનિવાર્ય બન્યો છે. આ બાબતે ધારાસભ્ય મેરજાએ પૂરતી વિગતો ટાંકીને મોરબી વિસ્તારના વધી રહેલા ઔદ્યોગિક વિકાસને ધ્યાને લઈ રાજયના મહેસૂલી તંત્ર સમક્ષ અગાઉ પણ રજૂઆતો કરેલી હતી અને હવે એ સમય પાકી ગયો છે કે મોરબી તાલુકાની પ્રજાના મહેસૂલીકામો, ગરીબોને મળવાપાત્ર સહાયતા કામો ઉપરાંત જરૂરી દાખલાઓ અને પ્રમાણપત્રો સમયસર મળી રહે તે માટે પૂરતા સેટઅપ સાથેનો નવો મોરબી સીટી તાલુકો ઉભો કરી સીટી મામલદાર કચેરી અસ્તિત્વમાં લાવી પ્રજાની સમસ્યાનું સમયસર નિરાકરણ લાવવા માંગણી કરવામાં આવી છે.

 

- text