મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તળાવ કૌભાંડ ગાજયું : સિંચાઈ ઇજનેરનો ઉધડો લેવાયો

- text


મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ઠરાવ : અસંતુષ્ઠો ગેરહાજર

નાની સિંચાઈ યોજના હેઠળ ૩૩૪ તળાવો ઊંડા ઉતરવાની કામગીરી સરકાર હસ્તક : જિલ્લા પંચાયતનો કોઈ જ રોલ ન હોવાની સ્પષ્ટતા

મોરબી : લાંબા સમય બાદ આજે મળેલી મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નાની સિંચાઈ યોજનાના તળાવ કૌભાંડ મુદ્દે શાસકોએ સિંચાઈ યોજનાના અધિકારીને રિતસર ઘેરી લઈ તમામ ૩૩૪ કામોની તપાસ કરવા સરકારમાં રજુઆત કરવા નક્કી કરી કાર્યપાલક ઈજનેરને જિલ્લા પંચાયતમાં અઠવાડિયામાં એક વખત હાજર રહેવા તાકીદ કરી હતી, આજની સામાન્ય સભામાં બિનખેતીની ૬૩ ફાઈલો મંજુર કરી પ્રમુખે એકચક્રી શાસનનો દાખલો બેસાડ્યો હતો.

મોરબી જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિ સહિત એક પણ સમિતિ વગર સર્વસત્તા પ્રમુખના હાથમાં આવ્યા બાદ આજે લાંબા સમયબાદ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં સિચાઈનો મુદ્દો છવાયો હતો, આ તકે કાર્યપાલક ઈજનેર ઉપાધ્યાયે ૪૬ કામોમાં ગેરતીતી મામલે ૬૭ લાખની સરકાર સાથે છેતરપિંડી થઈ હોવાનો સ્વીકાર કરી નિવૃત ઈજનેર સી.પી.કાનાણી સહિતનાઓ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યાનું સામાન્ય સભામાં જણાવ્યું હતું.

- text

જો કે, આશ્ચર્ય જનક બાબત તો એ છે કે તળાવો ઊંડા ઉતરવાની કામગીરી જિલ્લા પંચાયત હસ્તક હોવા છતાં આ મામલે જિલ્લા પંચાયતમાં એક પણ ઠરાવ ન થયો હોવાનું અને સમગ્ર કૌભાંડ સરકારની સૂચના મુજબ થયું હોવાનો આરોપ લગાવી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ આ મામલે સરકાર તમામ કામોની તપાસ કરે અન્યથા જિલ્લા વિકાસ અધિકારી મારફતે આ તમામ કામોની ચકાસણી માટે તપાસ પંચ નિમવા પણ નક્કી કરાયું હતું.

દરમિયાન આજની સામાન્ય સભામાં કુલ ૨૪ પૈકી ૧૫ સભ્યો જ હાજર રહ્યા હતા જો કે અસંતુષ્ઠ જૂથના એક પણ સભ્ય હાજર રહ્યા ન હતા. સામાન્ય સભામાં જુદા – જુદા વિકાસ કામોને લીલીઝંડી આપી મોટાભાગની એજન્ડામાં રજૂ થયેલ બાબતો બહાલ રાખવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના હળવદના સભ્ય હેમાંગ રાવલ દ્વારા સામાન્ય સભામાં બિનખેતીની ફાઈલો મંજુર કરવાની બાબતનો વિરોધ કરી વિકાસ કમિશનર સમક્ષ આ બાબતની રજુઆત કરવામાં આવી હતી જો કે આમ છતાં આજની સામાન્ય સભામાં બિનખેતીની ૬૩ ફાઈલો મંજુર કરી પ્રમુખ દ્વારા વટ ભેર ૨૧૭ એકર જમીનને બિનખેતીની લિલીઝંડી આપી હતી.

 

- text