નટરાજ ફાટક પાસે સર્કલ બનાવાશે : ચીફ ઓફિસર

- text


મોરબીની ટ્રાફિક સમસ્યા મામલે અંતે પાલિકા તંત્ર દ્વારા દબાણો હટાવવાનું શરૂ

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા વકરતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા શહેરમાં જુદા જુદા માર્ગો પરના નડતર રૂપ દબાણો હટાવવાનું શરૂ કરવાની સાથે સામાકાંઠા વિસ્તારમાં જવા માટે નટરાજફાટક પાસે સર્કલ બનાવવા નક્કી કરી એલઇ કોલેજ રોડને પહોળો કરવામાં આવનાર હોવાનું ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પાલિકા દ્વારા લાંબા સમય બાદ દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી રવિવારે પાડાપુલ નીચે પસાર થતા નવા સબવે માં નડતરરૂપ કેસરબાગ સામેના દબાણોનો કડુસલો બોલાવી ૮ કેબીન, ૩૦ લારી, એક કાચું બાંધકામ અને એક હોર્ડિંગ્સ હટાવ્યા હતા.

- text

આ ઉપરાંત પાલિકાની બીજી ટીમ દ્વારા મોરબીના વાવડીરોડ પર ક્રિષ્ના પાર્ક એક અને બે ની વચ્ચે જાહેરમાર્ગ પર ખડકાયેલા વર્ષો જુના દબાણને ખુલ્લું કરી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.

દબાણ હટાવો ઝુંબેશ મામલે પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે મોરબીનો ટ્રાફિક પ્રશ્ન હલ કરવા હોવી દબાણ હટાવો ઝુંબેશ ચાલુ જ રહેશે, કેસરબાગ તરફ દબાણ ખુલ્લા કરાવ્યા બાદ હવે ખાટકીવાસ તરફ નિકળનાર સબવે ના એપ્રોચ રસ્તાને ખુલ્લો કરાવવા દબાણો હટાવવામાં આવશે.

અંતમાં તેઓએ જણાવ્યું હતું કે પાડાપુલની પેરેલલ સબવે શરૂ થયા બાદ ટ્રાફિક પ્રશ્ન હળવો બનશે સાથે સાથે નટરાજ ફાટક નજીક સર્કલ બનાવી એલઇ કોલેજ તરફના રસ્તાને પહોળો કરવામાં આવનાર હોવાનું પણ તેમને જણાવ્યું હતું.

- text