મોરબીમાં પ્રજાપતિ સમાજના ૮૦ છાત્રો અને માટીકામ કરતા ૧૫ જ્ઞાતિરત્નોનું સન્માન

- text


વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા સુપરહિટ સીરામીક ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮૦ થી વધુ તેજસ્વી છાત્રોનું વૃક્ષોના રોપા તેમજ શિક્ષણ કીટ આપી સન્માન કરવામાં આવ્યા હતા. સાથે સમાજના ગૌરવ સમી માટીકામ કલાને જીવંત રાખનાર ૧૫ જ્ઞાતિરત્નોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ વિધાર્થી સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ૨૦૧૮ યોજાયો હતો. આ કાર્યક્રમ માં ધોરણ ૧ થી કોલેજ સુધીના ૮૦ થી વધુ તેજસ્વી છાત્રોનું વૃક્ષોના રોપા અને શૈક્ષણિક કીટ આપીને સન્માન કરાયું હતું. કુંભારીકામ ચાકડાપર ઉતારાતા ૩૬ કાંઠાનું પ્રદર્શન સાથે પુસ્તક પરબ ટીમ મોરબી દ્વારા પુસ્તકમેળાનું પણ સુંદર આયોજન કરાયું હતું.

- text

વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ ચાકડાપર કુંભારીકામનો અમુલ્ય વારસો જાળવી રાખનાર સમાજના ૧૫ જેટલા કલારત્નોનું શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું. સાથે સમાજના બાળકલાકારો દ્વારા સમાજને પ્રેરણારૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં દેશભક્તિના ગીતો ઉપરાંત સ્વદેશી વસ્તુ અપનાવાનો સંદેશો આપતું નાટક યોજાયું હતું. કાર્યક્રમમાં તમામ બાળકોને વૃક્ષોના રોપાનુ તેમજ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

- text