મોરબી જિલ્લાના ૧૫ ગામના યુવાનો લગ્ન પ્રસંગોમાં ઢોલ – ત્રાસા વગાડી કરે છે અનોખી ગૌ સેવા

- text


વર્ષે દહાડે ૬ લાખથી લઈ ૨૫ લાખ રૂપિયાનું ફંડ એકત્રિત કરે છે યુવાનો : ઉદ્યોગપતિઓ પણ વગાડે છે ઢોલ – ત્રાંસા

મોરબી : આજે જ્યારે ગૌવંશને બચાવવા ગૌ સેવકો ગાડીઓમાં ગૌરક્ષાના પાટિયા મારી ફરી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ૧૫ ગામના યુવાનો લગ્ન ગાળાની સીઝનમાં ઢોલ – ત્રાસા વગાડી ગૌસેવાની નમૂનેદાર કામગીરી કરી રહ્યા છે.

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના રાજપર, વિરપર, ખાનપર, થોરાળા, નસીતપર, બંગાવળી, લજાઈ, નેકનામ, હમીરપર, ખરેડા, ધૂંનડા અને ભડિયાદ સહિતના ૧૫ ગામોના યુવાનો ઢોલ ત્રાસા વગાડી અનોખી ગૌસેવા કરી રહ્યા છે, આ ગ્રુપના મોટાભાગના સભ્યો સમૃદ્ધ પાટીદાર પરિવારના છે જેમાં કેટલાક ઉદ્યોગપતિઓ પણ છે.

ગૌશાળામાં રહેતી અશક્ત, અપંગ, માંદી ગાયોના જીવન નિર્વાહને પહોંચી વળવા દરેક ગામના યુવાનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ ભગીરથ સેવા કાર્ય શરૂ કરાયું છે જે નિરંતર ચાલુ છે.

- text

રાજપર ગામની ગૌશાળાના વિજયભાઈ કોટડીયા કહે છે કે અમારા ગ્રુપમાં ઉદ્યોગપતિ સહિતના શિક્ષિત યુવાનો છેલ્લા ૧૮ વર્ષથી ઢોલ ત્રાસા વગાડી ગૌશાળાનો નિભાવ કરીએ છીએ વર્ષે ૧૫ લાખ જેટલો ફાળો થાય છે અને ટીમમાં નવા આવતા મેમ્બરોની વિધિવત વગાડવાની તાલીમ આપવામાં આવે છે અને લગ્ન ગાળાની સીઝનમાં સરેરાશ ૩૦ પ્રસંગોમાં વગાડવા જાય છે.

એ જ રીતે વિરપર ગામની ગૌશાળાના મહેશભાઈ લિખિયા જણાવે છે કે લગ્નગાળામાં ઢોલ ત્રાસ વગાડી ગૌશાળાનો આખા વર્ષનો ખર્ચ કાઢીએ છીએ અને અંદાજે ૬ લાખ જેટલી આવક ઉભી કરીએ છીએ.

જ્યારે રવાપર ગામની માધવ ગૌશાળા યુવક મંડળના નવીનભાઈ ભટાસણાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં લગ્ન પ્રસંગમાં ઢોલ ત્રાસા વગાડવાથી ૬ થી ૭ લાખની આવક થતી હતી પરંતુ હોવી આ આવક ૨૫ થી ૩૦ લાખે પહોંચી છે અને ક્યારેક તો એક દિવસમાં છ – છ ઓર્ડર મળે છે જેથી અમે જુદી – જુદી ત્રણ ટીમ બનાવી છે.

આમ, ખરા અર્થમાં ગૌસેવા કરતા આ યુવકો પોતાના ધંધા રોજગારના ભોગે અશક્ત અને અસહાય ગાયોની સેવા કાર્ય કરી રહ્યા છે.

- text