મોરબીના રાજપરમાં ખેડૂતે ગૌ આધારિત ખેતીથી સફરજન જેવડા બોર ઉગાડ્યા

- text


મોરબી : મોરબીના રાજપર ગામના ખેડૂતે ગૌ આધારિત ખેતી અપનાવી ધાર્યું પરિણામ મેળવી સામાન્ય બોરડીમાં સફરજન જેવડા બોર ઉત્પન્ન કરી સૌને અચંબિત કરી લાખો રૂપિયાની કમાણી કરવાનું શરૂ કર્યું છે.

મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા વયોવૃદ્ધ ખેડૂત અંબારામભાઈ પ્રેમજીભાઈ બાવરવા ઉ. ૬૦ છેલ્લા ૫૦ વર્ષથી ખેતી કરે છે, તેમની ૮૦ વિઘા જમીનમાં અત્યાર સુધી જુદા જુદા પાકોનું વાવેતર કરતા હતા. જો કે છેલ્લા થોડા સમયથી ખેતી કામ છોડી દીધું છે પરંતુ તેમનો પુત્ર અઢી વિઘા જમીનમાં બોરનું વાવેતર કરે છે જેમાં ગયા વર્ષથી તેઓએ જાતે બોરની ખેતી કરવાનું નક્કી કરી બોરડીની માવજત કરવાનું શરૂ કર્યું હતું.

- text

દરમિયાન અંબારામભાઈ પદ્મશ્રી સુભાષ પાલેકરની શિબિરમાં ભાગ લેવા ગયા જ્યાં તેમને ગૌ વંશ આધારિત ખેતીથી ઉત્પાદનમાં ફાયદા અંગે જાણકારી મેળવી અને પોતાના બોરસીના વાવેતરમાં આ પ્રયોગ કરવા નક્કી કર્યું, જેમાં એમને ગૌમૂત્ર, છાણ, પાંદડા સહિતની ચીજવસ્તુઓનો ઉપયોગ કરી બોરડીના વાવેતરમાં પ્રયોગ શરૂ કરતાં જ સામાન્ય બોરડીમાં મીઠા મધુરા એપલ જેવા બોર આવવા શરૂ થયા છે.

વધુમાં ગત વર્ષે તેઓએ અઢી વિધમાં ૩૦૦૦ કિલો બોરનું ઉત્પાદન મેળવ્યું હતું અને ગૌ આધારિત ખેતીથી સવા ત્રણ હજાર કિલો બોરનું ઉત્પાદન મેળવ્યું છે અને ગત વર્ષની તુલનાએ હજારો રૂપિયાનો વધુ ફાયદો પણ મેળવ્યો છે.

- text