મોરબીમાં ઋત્વિજ પટેલની હાજરીમાં વિજય ટંકાર યુવા સંમેલન યોજાયું

- text


પ્રદેશ ભાજપ યુવા પ્રમુખ ડો.ઋત્વિજ પટેલે રાજ્ય અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વર્ણવી અને કોંગ્રેસ તેમજ પાસ પર આકરા પ્રહારો કર્યા

મોરબી : આજે મોરબીમાં વિજય ટંકાર યુવા સંમેલનમાં હાજરી આપવા આવેલા ભાજપના પ્રદેશ યુવા પ્રમુખ ડો.ઋત્વિજ પટેલે રાજ્ય અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વર્ણવી કોંગ્રેસ અને પાસ પર પ્રહારો કાર્ય હતા. જેમાં ઋત્વિજ પટેલે પાસના કાર્યકરો કોંગ્રેસના એજન્ટ છે જો પાસના આગેવાનો માં હિંમત હોય તો સામે આવે હું અહી જ છું. તેવો લલકાર કર્યો હતો.
આજે પ્રથમ વખત જ મોરબી આવેલા ભારતીય જનતા પક્ષના પ્રદેશ યુવા પ્રમુખ ડો.ઋત્વિજ પટેલને મોરબી શહેર જિલ્લા યુવા ભાજપ દ્વારા ભવ્ય આવકાર આપી સ્વાગત કરાયું હતું અને સેંકડો બાઇક સાથે રેલી યોજી રોડ શો કરવામાં આવ્યો હતો બાદમાં અત્રેના કામધેનુ પાર્ટી પ્લોટ ખાતે વિજય ટંકાર યુવા સંમેલન યોજવામાં આવ્યું હતું.
વિજય ટંકાર યુવા સંમેલનને સંબોધતા ડો.ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને નેસ્ત-નાબૂદ કરી ૧૫૦ બેઠકો સાથે ભારતીય જનતા પક્ષ સતા સ્થાને બિરાજશે તેવો વિજય વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકારની યુવા લક્ષી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા કાર્યકરોને કામે લાગી જવા આહવાન કર્યું હતું.
આ તકે તેમણે વડાપ્રધાન મોદીના વિઝનના વખાણ કરી ભારત મહાસતા તરફ આગળ વધી રહ્યું હોવાનું જણાવી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
દરમિયાન આજે સવારે પ્રદેશ ભાજપ યુવા પ્રમુખના આગમન પૂર્વે તેમના બેનરો પર શાહી લાગવા બાબતે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પાસના આગેવાનોએ પાટીદારોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે ,હું પણ એક પાટીદારનો દીકરો છું, સરદાર કોઈ સમાજની જાગીર નથી સરદાર સૌ કોઈ ના છે તેમ જણાવી પાસના આગેવાનોને કોંગ્રેસના એજન્ટ ગણાવ્યા હતા અને પાસ અનામતના નામે કોંગ્રેસ વતી રાજનીતિ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. વિજય ટંકાર યુવા સંમેલનમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પણ પોતાની આગવી શૈલીમાં પાસને આડે હાથ લઈ સરદાર પાસના બાપની જાગીર ન હોવાનું જણાવી હિંમત હોય તો સામી છાતીએ લડવા લલકાર ફેંક્યો હતો.

- text