મોરબી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા વિવિધ જાહેરનામા પ્રસિદ્ધ કર્યા

- text


(1) જુના મોબાઇલ ફોનના ખરીદ વેચાણ કરનારા તથા નવા સીમકાર્ડ નુ વેચાણ કરનાર વેપારીઓને રજીસ્‍ટર નિભાવવા હુકમ

મોરબી ૧૧મી ઓગષ્ટ, રાજયમાં બનતા ગુન્‍હાઓમાં વપરાતા મોબાઇલ ફોનનો દુરૂપયોગ નિવારવા મોરબી અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ શ્રી પી.જી.પટેલ એ એક જાહેર નામું પ્રસિધ્ધ કરી મોરબી જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારાનું ઓળખ અંગેનું પુરેપુરુ નામ, સરનામું નોંધી નિયત વિગતે સાથેના રજીસ્‍ટરો એક વર્ષ સુધી નિભાવવાનો હુકમ કર્યો છે.જુના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્‍ટરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે. જયારે જુના મોબાઇલ વેચતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્‍ટરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વહેંચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત તથા ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે. તેમજ નવા સીમકાર્ડ વેચતા વેપારીએ સીમકાર્ડ ની વિગત, કંપનીનું નામ, સીમકાર્ડ નંબર કાર્ડ ખરીદનારનું નામ સરનામું આઇ.ડી.પ્રુફ.સાથે ની વિગત દર્શાવતા રજીસ્ટરો નીભાવી ત્રણ વર્ષ સુધી જાળવવાના રહેશે અને આ રજીસ્ટરો તપાસનીસ એજન્સી માગે ત્યારે રજુ કરવાના રહેશે આ હુકમ તા. ૨૪/૦૯/૨૦૧૭ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે

(2) મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલા મલ્ટીપ્લેકસ બિલ્ડીંગો, હોટેલો,બહુમાળી ભવનો, મોલ, ધાર્મિક સ્થળો, શો-રૂમ્સ વગેરેમાં મેટલ ડીટેકટર,સિકયોરીટી ગાર્ડ અને સી.સી. કેમેરા મુકવા પડશે

મોરબી તા. ૧૧મી ઓગષ્ટ મોરબી શહેર તથા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ગુન્હો અટકાવવા જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પી.જી.પટેલ એ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી સમગ્ર જિલ્લામાં આવેલ બેંકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ.સેન્ટરો, સોના,ચાંદી અને ડાયમંડના કિમતી ઝવેરાત વેચનાર દુકાનો તથા શો-રૂમ, શોપીંગ મોલ, મલ્ટીપ્લેકસ થીયેટર,એલ.પી.જી. તથા પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપોના કોમર્શીયલ સેન્ટર, હોટેલ, ગેસ્ટહાઉસ, લોજીંગ-બૉર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔદ્યોગિક એકમો, મોટા ધાર્મિક સ્થળોના માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્થળોના પ્રવેશ દ્વારો ઉપર પુરતા પ્રમાણમાં તાલીમબધ્ધ સીકયોરિટી ગાર્ડને મેટલ ડીટેકટર સાથે ફરજ પર નિયુકત કરવા ફરમાવેલ છે. પ્રવેશદ્વાર ઉપર તથા બહાર નીકળવાના દ્વાર પર, રીસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ પાર્કીંગ તથા જાહેર જનતા માટેના પ્રવેશની તમામ જગ્યાઓ આવરી લે તેટલી સંખ્યામાં સી.સી. ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. આ કેમેરા સારી ગુણવત્તાવાળા વધુ રેન્જના (માણસોના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય અને વાહનના નંબર વાંચી શકાય તેવા) ગોઠવવાના રહેશે. તથા બિલ્ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ કેમેરા ગોઠવવાના રહેશે. કોઇ પણ જગ્યાની અંદરના ભાગનું સંપૂર્ણ કવરેજ સતત થાય, પ્રવેશતા અને બહાર નીકળતા તમામ માણસોની અવર-જવર તથા ચહેરા સ્પષ્ટ જોઇ શકાય, તમામ પાર્કીગની જગ્યાનું સંપૂર્ણ કવરેજ થાય, તથા રીસેપ્શન કાઉન્ટર, બેઝમેન્ટ, અને જાહેર પ્રજા માટેના પ્રવેશની તમામ જગ્યાઓનું સૂપૂર્ણ કવરેજ થાય, તે રીતે આ કેમેરા ગોઠવવાના રહેશે. આ કેમેરા સતત ૨૪ કલાક સુધી ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓની રહેશે. સી.સી. ટી.વી.કેમેરાની અને સિકયોરિટી ગાર્ડની વ્યવસ્થા હાલ હયાત તમામ ઉકત એકમોએ આ જાહેરનામાની પ્રસિધ્ધિથી દિન-૧૫માં કરવાની રહેશે. નવા શરૂ થતા એકમોએ ઉપરોકત વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે. આ હુકમ સમગ્ર મોરબી જિલ્લામાં તા.૨૪/૦૯/૨૦૧૭ સુધી લાગુ રહેશે. જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

(3) મોરબી જિલ્લામાં નિષ્ફળ બોરકુવાને બંધ કરી દેવા ફરમાન ભવિષ્યમાં ઉપયોગ કરવાનો હોય તેવા ખુલ્લા બોરકુવા પર બોર-કેપ લગાવવા હુકમ

મોરબી તા ૧૧મી ઓગષ્ટ,ખુલ્લા બોરકુવામાં બાળકો પડી જવાના બનાવો બનતા અટકાવવા અને જાહેર શાંતી અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના આશયથી મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પી.જી.પટેલ એ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ખેતીનાં ઉપયોગ માટે ખેડુતો તેમજ અન્ય લોકો દ્વારા ખોદાયેલા અથવા ફેઇલ થઇ ગયેલા બોરકુવા તાત્કાલિક અસરથી પુરાણ કરી બંધ કરવાના હુકમો જારી કર્યા છે. જે બોરકુવા હાલ બિન જરૂરી બિન વપરાશમાં હોય પરંતુ ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવાનો હોય તેવા ખુલ્લા રાખેલ બોરકુવાને કેપ નટ-બોલ્ટથી ફરજીયાત ઢાંકી દેવાના રહેશે. આ હુકમો તા.૨૪/૦૯/૨૦૧૭ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

(4) મોરબી જિલ્લામાં નધણિયાતા ટીફીન બોકસ-સાયકલ-ટુ વ્‍હીલર ફોર-વ્હીલર પોલિસ કબ્જે કરશે

મોરબી તા. ૧૧મી ઓગષ્ટ, જાહેર જગ્યાઓ ઉપર બોમ્બ વિસ્ફોટ કરવા માટે સાયકલ તથા ટુ વ્હીલર ઉપર ટીફીન બોક્ષ તથા અન્ય સામાનમાં વિસ્ફોટક સામગ્રી, રાખી બોમ્બ ધડાકા કરવામાં આવે છે. જયાં લોકોની વધુ સંખ્યામાં અવર જવર હોય અને વધુ લોકો ભેગા થતા હોય તેવી ભીડભાડવાળી જગ્યાએ થતા આવા બનાવોને નિવારવા તથા આતંકવાદીઓના હિંસાત્મક કૃત્યોને રોકવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પી.જી.પટેલ દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ટીફીન બોકસ કે અન્ય કોઇ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્‍હિલર ફોર-વ્હીલર વાહનો જાહેર રસ્તા/રોડ તથા ફુટપાથ ઉપર કોઇ વ્યકિતની દેખરેખ સિવાય (નધણીયાતી રીતે) બીનવારસી મુકવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જે મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૨૪/૦૯/૨૦૧૭ સુધી અમલમાં રહેશે. ટીફીન બોકસ કે અન્ય કોઇ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્‍હિલર વાહનો જાહેર જગ્યા/રસ્તા તથા ફુટપાથ ઉપર કોઇ વ્યકિતની દેખરેખ સિવાય (નધણિયાતી રીતે) બિનવારસી હાલતમાં મળી આવશે તો તે પોલીસ તપાસ અર્થે કબ્જે લઇ શકશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

(5) મોરબી જિલ્લાના એસ.ટી.ડી. પીસીઓ ધારકોને રજિસ્ટર નિભાવવા સૂચના

મોરબી તા. ૧૧મી ઓગષ્ટ આંતકવાદી ઘટનાઓને અંજામ આપવા આતંકવાદીઓ તરફથી ઉપયોગમાં લેવાતા કોઇન કલેકશન બોક્ષ ટેલિફોન કે એસટીડી/પીસીઓનો દુરૂપયોગ અટકાવવા તકેદારીના પગલાંરૂપે એસટીડી/પીસીઓ તથા કોઇન બોક્ષ ધારકો તથા સર્વિસ પ્રોવાઇડરો ઉપર મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પી.જી.પટેલ એ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી કલેકશન બોક્ષ એસટીડી/પીસીઓ/આઇએસડી ધારકો તથા સર્વિસ પ્રોવાઇડર્સ જેવા કે, ભારત સંચાર નિગમ લી. રીલાયન્સ કોમ્યુનિકેશન લી. ભારતી એરટેલ લી. ટાટા ટેલી સર્વીસ લી. આઇડીયા સેલ્યુલર લીમીટેડ તથા અન્ય જે કોઇપણ કંપની ફ્રેન્ચાઇઝીસી એસટીડી/પીસીઓ/આઇએસડી અને કોઇન બોક્ષની સુવિધા પુરી પાડતી હોય તે કંપનીઓ તરફથી કોઇન બોક્ષ એસટીડી/પીસીઓ ઉપર ફોન કરવા આવનાર વ્યકિતની (કોલરની) ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે નીચે મુજબની વ્યવસ્થા કરવા ફરમાવેલ છે.
એસટીડી/પીસીઓ ધારકે તથા ફ્રેન્ચાઇસી હોલ્ડરે કોલર વ્યકિતનું રજીસ્ટર એક વર્ષ સુધી નિભાવવાનું રહેશે. જેમાં કોલરનું નામ, સરનામુ અને તેના મોબાઇલ નંબર લખવાનો રહેશે અને તેણે કરેલ કોલના નંબર ફોનકર્યા ની તારીખ, સમય, લખવાના રહેશે. આ હુકમ તા.૨૪/૦૯/૨૦૧૭ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

(6) મકાન કે ઔદ્યોગિક એકમ ભાડે આપનાર માલીકોએ નિયત ફોર્મમાં પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે.

મોરબીઃતા.૧૧મી ઓગષ્ટ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા અને જાહેર સુલેહ-શાંતિ,તેમજ જાહેર જનતાની સલામતિ જળવાઇ રહે તે હેતુથી પી.જી.પટેલ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,મોરબી જિલ્લા મોરબી,ક્રિમિનલ પ્રોસીજર કોડ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ મોરબી જિલ્લા વિસ્તારમાં મકાન કે ઔદ્યોગિક એકમ ભાડે આપતી વેળા નિયત ફોર્મમાં તમામ વિગતો ભરી જે-તે પોલીસ સ્ટેશનમાં રજુ કરવા તેમજ નીચે દર્શાવેલ સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવા ફરમાવેલ છે.
નિયત ફોર્મ કાળી સહીવાળી પેનથી ભરવાના રહેશે.,ફોર્મ મકાન માલિક અને ભાડુઆતે સંપુર્ણ રીતે ભરીને જે-તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે.,ફોર્મ સંપુર્ણ ભરાયા પછી તેની બે નકલ કાઢવાની રહેશે. જે બંને પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.આ ફોર્માની એક નકલ પોલીસ સ્ટેશનમાંથી એક નકલ સહી-સિકકા કરી પરત આપે તે મકાન માલિક કે એકમ માલિકે સાચવી રાખવાની રહેશે.,સિંગલ યુવક કે યુવતીને મિલ્કત ભાડે આપવાની થાય ત્યારે તેનાવાલીનું સંમતિપત્ર મેળવવાનું રહેશે. સંમતિપત્ર આ સહ સામેલ કરવાનું રહેશે., ભાડે રાખનારે તેનું ડ્રાઇવીંગ લાયસન્સ,પાન કાર્ડ,ઇલેકશન કાર્ડ,કંપનીનો લેટરપેડ રજુ કરવાના રહેશે.,જુના ભાડુઆતો કે જે હાલ ભાડુઆત તરીકે ચાલુ હોય તેમના સબંધમાં પણ આ ફોર્મ ભરવાના રહેશે. તે ભરવાની જવાબદારી ભાડુઆતની રહેશે.,આ ફોર્મ સાથે રૂ.૧૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર ભાડાના એગ્રીમેન્ટની નોટરી કરેલ ઝેરોક્ષ નકલ સાથે રાખવાની રહેશે.,મિલ્કત ખાલી કરવામાં આવે ત્યારે લેખીતમાં પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે.,મકાન ખાલી કરવામાં આવે ત્યારે લેખીતમાં પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે.,મકાન માલિક અને ભાડુઆતના અંગુઠાનું નિશાન અને સહીઓ પોલીસ સ્ટેશનમાં જવાબદાર અધિકારી રૂબરૂ રજુ કરવાનું રહેશે. આ હુકમ તા.૨૪/૦૯/૨૦૧૭ સુધી અમલમાં રહેશે.આ હુકમનું ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ના ક્રમાંકઃ૪૫ ના અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજા થઇ શકશે.

(7) સાયકલ અને ટુ વ્‍હીલર વેચનારાઓ માટે જરૂરી સુચનાઓ

મોરબી તા. ૧૧મી ઓગષ્ટ આતંકવાદીઓ દ્વારા સાયકલો તથા ટુ વ્‍હીલર વાહનો ઉપર સ્‍ફોટક પદાર્થો રાખી ભીડ ભાડવાળી જગ્‍યાઓમાં બોમ્‍બ બ્‍લાસ્‍ટ કરી આતંકવાદી/ત્રાસવાદી કૃત્‍યોને અંજામ આપવામાં આવે છે. જેથી સાયકલો/વાહનો વેચનારાઓ માટે મોરબી અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ શ્રી પી.જી.પટેલ એ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી સમગ્ર જિલ્‍લા વિસ્‍તારમાં સાયકલ, સ્‍કુટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્‍હીલર વેચનારા તથા તે અંગેની દુકાન ધરાવનારા માલીકો, મેનેજરો, સંચાલકો, એજન્‍ટોએ જયારે જયારે આવા સાયકલ, સ્‍કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્‍હીલરો વાહનો વેચવામાં આવે ત્‍યારે તેઓએ નીચે મુજબની સુચનાઓનું પાલન કરવાના હુકમો જારી કર્યા છે.
આવા વાહનો ખરીદનારાને અવશ્‍ય બિલ આપવુ અને તેની સ્‍થળપ્રત કબ્‍જામાં રાખવી. ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્‍સ, પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશન કાર્ડ કે નોકરી કરતા હોય તો ત્‍યાંનુ ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્‍થાનુ પ્રમાણપત્ર કે સ્‍થાનિક અગ્રણીઓ જેવા કે મ્‍યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્‍યશ્રી, સંસદસભ્‍યશ્રી કે કોઇપણ ખાતાના રાજયપત્રિત અધિકારીશ્રી તરફથી મેળવેલ ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પૂરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ, સ્‍કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્‍હીલર વેચાણકર્તાએ મેળવવું. બીલમાં ખરીદનારનું પૂરુ નામ, સરનામું, સંપર્ક માટે ટેલિફોન/મોબાઇલ નંબર લખવો. વેચાણ બીલમાં સાયકલ, સ્‍કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્‍હીલર વાહનનો ફ્રેમ નંબ્બર, ચેસીસ નંબર, એન્‍જીન નંબર અવશ્‍ય લખવો, સાયકલ, સ્‍કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્‍હીલર વાહનો વેચાણકર્તાએ કોઇ પણ પોલીસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવે ત્‍યારે ઉપર મુજબની માહિતીનું/રેકર્ડ ચકાસણી માટે રજૂ કરવાનું રહેશે. આ હુકમ તા. ૨૪/૦૯/૨૦૧૭ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

- text

(8) લેબર કોન્‍ટ્રેકટરોએ મજૂરોની વિગત પોલીસમાં જણાવવી પડશે

મોરબી તા. ૧૧મી ઓગષ્ટ,મોરબી શહેર તથા જિલ્લામાં ઘરફોડ ચોરી સાથે સંકળાયેલા મજૂરો આજુ-બાજુની પરિસ્‍થિતિનો સર્વે કરી મિલ્‍કત વિરૂધ્‍ધના ગુન્‍હાઓ આચરતા હોય છે. શહેરમાં મજૂરીકામના બહાના હેઠળ આતંકવાદીઓ પણ આશરો મેળવતા હોય છે. આ સંજોગોમાં જાહેર જનતાના જાન-માલ અને મિલ્‍કતની સલામતી તથા સુરક્ષા માટે મોરબી જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ શ્રી પી.જી.પટેલ દ્વારા જારી કરાયેલા હુકમો મુજબ, સમગ્ર મોરબી જિલ્‍લામાં આવતા તમામ વિસ્તારોમાં લેબર કોન્‍ટ્રેકટરો અને મુકાદમોએ પોતાની પાસે મજૂરીકામે રાખેલ મજૂરો અને કામકાજ માટે સપ્‍લાય કરતા મજૂરોના પત્રક એ મુજબ અલગ-અલગ ફોર્મ ભરી ફરજિયાતપણે સ્‍થાનિક પોલિસસ્‍ટેશનમાં આપવાના રહેશે. અને મજૂરો જયારે મજૂરીકામ છોડીને કે, શહેર છોડી જતા રહે ત્‍યારે લેબર કોન્‍ટ્રેકટરો અને મુકાદમોએ તે અંગેની જાણ નામ/સરનામા સહિતની વિગતો સાથે સ્‍થાનિક પોલિસ સ્‍ટેશનમાં કરવાની રહેશે. આ હુકમ તા.૨૪/૦૯/૨૦૧૭ સુધીના સમયગાળા માટે સમગ્ર મોરબી જિલ્‍લામાં અમલમાં ગણાશે. જેનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

(9) મોરબી જિલ્લામાં આવતા ટોલનાકામાં પસાર થતાં વાહનોનો સી.સી.ટી.વી.કચેરી ગોઠવી રેકોર્ડ જાળવવો પડશે.

મોરબી તા.૧૧મી ઓગષ્ટ-૧૭ હાલે સમગ્ર રાજય અને રાષ્ટ્રમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓમાં દિનપ્રતિદિન વધારો થતો હોવાનું જણાયેલ છે.આવા બનાવો પરથી જણાય છે કે,ત્રાસવાદી/અસામાજિક તત્વો વાહનો મારફતે મુસાફરી કરી શહેરી વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી ઉપરોકત વિગતે ત્રાસવાદી પ્રવૃતિ આચરી જાહેર સલામતિ અને શાંતિનો વ્યાપકપણે ભંગ કરેલ છે. તેમજ જાન-માલ અને માનવ જીંદગીની તેમજ મિલ્કતની પણ મોટાપાયે ખુવારી કરી ગુન્હાઓ આચતરી વાહનો મારફતે નાસી છુટતા હોય છે. તાજેતરમાં મિલ્કત સબંધી ગુન્હાઓ અને મુંબઇ પ્રોહીબીશન એકટ હેઠળના ગુન્હાઓનું પ્રમાણ પણ વધવા પામેલ હોય તેમજ ગુન્હેગારો આવા ગુન્હાઓ આચરી ગુન્હાના સ્થળેથી અન્ય જિલ્લા તેમજ રાજય બહાર પણ નાસી જાય છે.ત્રાસવાદીઓ/ગુન્હેગારોએ વાહન મારફતે મુસાફરી કરી હોય તેની વિગતો બનાવ પછી મળે છે. પરંતુ વાહનની પાકી ઓળખ પ્રસ્થાપિત થઇ શકતી નથી. જેનો લાભ ગુનો આચરનારને મળે છે.
મોરબી જિલ્લામાં અન્ય રાજયમાંથી કે અન્ય જિલ્લામાંથી કે દેશ બહારથી આવતા આવા તત્વોને શોધી પકડી પાડવા અને ગંભીર પ્રકારના ગુન્હાઓ થતા અટકાવવા થયેલ ગુન્હાઓનો પર્દાફાશ કરવા તથા ગુનેગારોને પકડી શકાય તે હેતુ માટે પી.જી.પટેલ,અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,મોરબીએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી મોરબી જિલ્લા પોલીસ વિસ્તારમાં આવેલ નીચે મુજબના ટોલનાકાઓના મેનેજરશ્રી,વહીવટકર્તાઓ તેમજ ટોલનાકા માટે ટોલ ટેકસ વસુલાત માટે કોન્ટ્રાકટ આપનાર સબંધિત સત્તાધિકારીઓએ ટોલ નાકામાંથી પસાર થતાં તેમજ ટોલનાકા સર્વિસ રોડ પરથી પસાર થતાં તમામ વાહનોના નંબર પ્લેટ અને વાહનના ચાલક સ્પષ્ટ રીતે દેખાય તે રીતે સી.સી.ટી.વી.કેમેરા ગોઠવી ટોલનાકામાંથી પસાર થતાં વાહનોનું રેકોર્ડીંગ કરવું તથા વાહનોના રજીસ્ટ્રેશનની સંપુર્ણ વિગતોની નોંધણી કરવી. તેમજ ટોલપ્લાઝા પર અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ.એસ.ટી.,ગુજરાત રાજય, અમદાવાદના ખાનગી પત્ર ક્રમાંક તા.૦૩/૧૨/૨૦૧૨ માં દર્શાવવામાં આવેલ વિકલ્પ-૧ અથવા વિકલ્પ-૨ મુજબના સ્પેસીફીકેશન ધરાવતા કેમેરા લગાવવાના રહેશે. આવા ડીજીટલ રેર્કોડીંગ તેમજ કોમ્પ્યુટર નોંધણીની ડેટા બેંક-અપ ૨૦(વીસ) દિવસ સુધી જાળવી રાખવો. તેમજ સલામતિ વિષયક બાબતો સંભાળતી પોલીસ સહિતની કોઇપણ એજન્સી આવા ડેટાની માંગણી કરે ત્યારે બનતી ત્વરાએ. ઉપલબ્ધ કરવા ફરમાવ્યું છે.

(10) મોરબી જિલ્લામાં હથીયારબંધી

મોરબી તા.૧૧મી ઓગષ્ટ: ચાલુ માસમાં મોરબી જિલ્લામાં સ્વાતંત્રદિન, રંક્ષાબંધન તથા જન્માષ્ઠમી તેમજ નાનામોટા આવતા ધાર્મિક તહેવાર ઉપરાંત વિવિધ રાજકીયપક્ષો ધ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવતા હોય, જેને ધ્યાને લઇ આ સમય દરમ્યાન મોરબી જિલ્લા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે પી.જી.પટેલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી સને ૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭(૧) થી મળેલ સત્તાની રુએ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ૩૧-૦૮-૨૦૧૭સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવેલ છે
હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવાનું.પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ઘકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવાનું.મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવાનું તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવાનું તથા બતાવવાનું અથવા ફેલાવો કરવા પર પ્રતીબંધ ફરમાવેલ છે.
આ હુકમ નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહી.
(૧) સરકારી નોકર કે કામ કરતી વ્યકિત કે જેને તેમના ઉચ્ચ અધિકારીએ કોઇપણ હથિયાર લઇ જવાનું ફરમાવ્યું હોય. (૨) વૃધ્ધો તથા અશકતો કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય.(૩) સક્ષમ સતાધિકારીશ્રી તરફથી જેને પરવાનગી આપી હોય તેવી વ્યકિતઓ.
આ જાહેરનામાંનો કોઇ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લધન કરનારને સને ૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

(11) મોરબી જિલ્લામાં મંજુરી વિના ચાર કરતા વધુ વ્યકિતઓને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી તા.૧૧મી ઓગષ્ટ :ચાલુ માસમા જુદા-જુદા સમાજના વિવિધ હોદેદારો રાજયભરમાં પ્રવાસ કરી રહેલ હોય તેમજ જુદા-જુદા સમાજના લોકો એકઠા થઇ જાહેર સભા, રેલીઓનું આયોજન કરતા હોય તેમજ વિવિધ સંવર્ગના કર્મચારીઓ દ્રારા સરકારશ્રી સમક્ષ જુદા-જુદા પ્રશ્ર્નોની રજુઆત અન્વયે કાયદો વ્યવસ્થાનો કોઇ પ્રશ્ર્ન ઉદભવીત ન થાય તે સારૂ તેમજ આમજનતા દ્રારા નગરપાલીકા તથા કલેકટર કચેરી ખાતે સરઘસ અને આવેદનપત્ર આવે તેવી શકયતાઓ નકારી ન શકાય જેથી મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર પી.જી.પટેલ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૩) થી મળેલ અધિકારની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૧-૦૮-૨૦૧૭સુધી સક્ષમ અધિકારીની મંજુરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઇ સભા ભરવી નહી કે કોઇ સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે
આ હુકમ નીચેનાને લાગુ પડશે નહી.
સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતને સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, કોઇ સ્મશાન યાત્રાને. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર મુંબઇ પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ (૩) હેઠળ શિક્ષાપાત્ર થશે.

(12) મોરબી જિલ્‍લામાં વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા આપતી રેસીડેન્‍ટ હોસ્‍ટેલમાં નાઇટવીઝન સીસી ટી.વી કેમેરા લગાવવા અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટનું ફરમાન

મોરબી તા.૧૧ ઓગષ્ટ – ભુતકાળમાં મોરબી શહેર અને સમગ્ર જિલ્‍લામાં હોસ્‍ટેલમાં રહી અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનિઓના આપઘાતના બનાવો બનવા પામેલ છે. મોરબી જિલ્‍લાના વાલી મંડળોના પ્રતિનિધિઓ તથા સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ તરફથી આ પ્રકારની ધટનાઓ બનવા સંદર્ભેના કારણો અને તે રોકવા માટેના તકેદારીના પગલાઓ લેવા રજૂઆતો કરવામાં આવેલ છે. હોસ્‍ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનિઓને બહારના તત્‍વો દ્વારા પરેશાની થતી અટકે અને હોસ્‍ટેલમાં રહી સાનુકુળ વાતાવરણમાં અભ્‍યાસ કરે તે માટે તકેદારીના ભાગરૂપે અને જાહેર હિતમાં સંરક્ષણાત્‍મક પગલા લેવા યોગ્‍ય જણાતું હોય સમગ્ર મોરબી શહેર અને ગ્રામ્‍ય જિલ્‍લા વિસ્‍તારમાં આવેલ સરકારી, અર્ધ સરકારી, ટ્રસ્‍ટ તથા ખાનગી ધોરણે સંચાલન કરવામાં આવતી ગર્લ્‍સ તથા બોયઝ હોસ્‍ટેલના માલિકો/સંચાલકોએ કાર્યવાહી કરવા ફરમાવવાનું જરૂરી જણાતા રાજકોટના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ શ્રી આર.એમ. ડામોરે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪નો ર-જો અધિનિયમ)ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ (૧) વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને રહેવા કે અને જમવાની સુવિધા પુરી પાડતી રેસીડન્‍ટ હોસ્‍ટેલ જેમાં સરકારી, અર્ધ સરકારી, ટ્રસ્‍ટ સંચાલિત તથા ખાનગી ધોરણે સંચાલિત નિવાસી શાળાઓ/રેસીડેન્‍ટ હોસ્‍ટેલના સંચાલકોએ હોસ્‍ટેલના પ્રવેશ તથા બહાર નીકળવાના રસ્‍તા, ડાઇનીંગ હોલ, લોબી, કાર્યાલય, રમતગમતનું મેદાન વગેરે સમગ્ર વિસ્‍તાર આવરી લેવાય તે રીતે નાઇટ વીઝન સી.સી. ટી.વી. કેમેરા રાખવા અને તેનું બેક-અપ ૩૦ દિવસ સુધી જાળવવું. (ર) આ પ્રકારના નાઇટ વીઝનવાળા સી.સી.ટી.વી. કેમેરા આ જાહેરનામાની પ્રસિધ્‍ધિની તારીખથી ૧૦(દસ) દિવસમાં લગાવવાના રહેશે. (૩) રેસીડન્‍ટ હોસ્‍ટેલમાં પ્રવેશ કરનાર તથા બહાર નીકળનાર(હોસ્‍ટેલમાં રહેનાર તથા નોકરી કરનાર તથા હોસ્‍ટેલના મેનેજરશ્રી સહિત) તમામની હોસ્‍ટેલમાં પ્રવેશ તથા બહાર નીકળવાની વિગતો જાળવતું રજીસ્‍ટર નિભાવવું તથા આ રજીસ્‍ટર એક વર્ષ સુધી જાળવવાનું રહેશે. (૪) ઉપરોકત ક્રમાંક ૧ મુજબ સી.સી.ટી.વી. કેમેરાનું બેકઅપ તથા ક્રમાંક-૩ મુજબ જાળવવામાં આવેલ રજીસ્‍ટર પોલીસ અધિકારી, મહેસુલ અધિકારી, એકજીકયુટીવ મેજીસ્‍ટ્રેટશ્રી તેમજ શિક્ષણ વિભાગના અધિકારી માગે ત્‍યારે તાત્‍કાલિક અસલ રેકોર્ડ કે તેની નકલો રજુ કરવાની રહેશે.
આ હુકમ તા.૨૪/૦૯/૨૦૧૭ સુધી સમગ્ર મોરબી શહેર અને ગ્રામ્‍ય જિલ્‍લા વિસ્‍તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્‍યકિત શિક્ષાને પાત્ર થશે.

(13) મોરબી જિલ્‍લામાં વિદ્યાર્થીનીઓના ટયુશન કલાસિસ માટે નિયત કરાયેલ સમય

મોરબી તા. ૧૧ ઓગષ્ટ – મોરબી જિલ્‍લા વિસ્‍તારમાં વહેલી સવારના શરૂ થતા ટયુશન કલાસીસમાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ અભ્‍યાસ કરવા જાય છે. જેથી જાહેર સલામતી તેમજ વીદ્યાર્થી/વિદ્યાર્થીનિઓના હિતમાં અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ શ્રી આર.એમ. ડામોરે સમગ્ર મોરબી જિલ્‍લાના વિસ્‍તારમાં ૨૪/૦૯/૨૦૧૪ સુધી સવારના કલાક ૭-૦૦ વાગ્‍યા પહેલા તથા સાંજના કલાક ૮-૦૦ બાદ વિદ્યાર્થીનીઓ (Girl Student)ના શૈક્ષણિક ટયુશન કલાસીસ તથા શાળાઓ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. આ હુકમ (Boys Student)ને લાગુ પડતો નથી. આ હુકમનો ભંગ કરનાર વ્‍યકિત શિક્ષાને પાત્ર થશે.

- text