રક્ષાબંધન : રૂ.૨૦ થી રૂ.૨૫૦૦ સુધીની રાખડીઓ બજારમાં જોવા મળે છે

- text


મોરબી બન્યું દેશભક્ત : ચાઈનાની રાખડીનો બહિષ્કાર : મોરબીમાં રક્ષાબંધનની તડામાર તૈયારી : બહેનોમાં અનેરો ઉત્સાહ

મોરબી : રક્ષાબંધનએ ભાઈ બહેનના પવિત્ર સબંધનો તહેવાર છે. શ્રાવણ માસમાં પૂર્ણિમાના દિવસે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધી ભાઈના ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરે છે. જ્યારે ભાઈ પણ સામે બહેને જીવનભર રક્ષા કરવાનું વચન આપે છે.
મોરબીમાં પણ રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. રક્ષાબંધનના એક મહિના પહેલા જ મોરબીની બજારોમાં રાખડીનું વેચાણ શરુ થઇ જાય છે. મોરબીની પરા બજારમાં ઠેર ઠેર રાખડીના સ્ટોલો જોવા મળે છે. મોરબી અપડેટને રાખડીના વેપારીઓ આ વર્ષે શું નવું છે એ વિશે માહિતી આપે છે.
મોરબીની બજારોમાં રાખડીમાં નવી નવી વેરાયટીઓ પણ આવી છે. જેથી બહેનોમાં પણ હર્ષની લાગણી જોવા મળે છે. આ સાથે રાખડીના વેપારીઓએ ચાઈનાની રાખડીનો બહિષ્કાર કરી સાચા દેશ ભક્ત છે તે સાબિત કરી બતાવ્યું છે. તેથી બજારોમાં સંપૂર્ણ સ્વદેશી રાખડીનું વેચાણ થઇ રહ્યું છે. રૂ.૨૦ થી રૂ.૨૫૦૦ સુધીની રાખડીઓ બજારમાં જોવા મળે છે. જેમાં ડાયમંડ, રૂદ્રાક્ષ વારી સિમ્પલ દોરા વારી, ચાંદીની, એક ગ્રામ સોના વારી કાર્ટુન વારી, બ્રેસલેટ વારી વગેરે વેરાયટી જોવા મળે છે. જેમ રાખડીમાં વિવિધતા જોવા મળે છે તેમ ખરીદી કરવા બહેનોની પસંદગીમાં પણ વિવિધતા જોવા મળે છે જેમકે નાના ભાઈ હોય તેના માટે બહેન કાર્ટુન વારી રાખડી ખરીદે છે. આજકાલની યુવતીઓ રૂદ્રાક્ષ વારી બ્રેસલેટ જેવી રાખડી વધારે પસંદ કરે છે જેથી ભાઈ વધારે સમય સરળતાથી પહેરી શકે અને હાથમાં પણ સારી લાગે છે.

- text

જૂની પરંપરાને પણ મોરબીની બહેનોએ જાળવી રાખી છે.
મોરબીમાં જૂની પરંપરા અનુસાર બહેન ભાઈને ચાંદીની રાખડી બાંધે છે એ રાખડી એ સોની પાસે બનાવરાવે છે. અને ભાઈને રક્ષાબંધનના દિવસે બાંધીને ભાઈના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતે પૂરો દિવસ ઉપવાસ કરે છે. આ પરંપરા વર્ષો જૂની છે છતાં મોરબીની બહેનોએ આજ પણ આ પરંપરાને જાળવી રાખી છે.
મોરબીમાં રાખડી ઉપરાંત પૂજાના થાળમાં પણ નવી ડીઝાઈનો જોવા મળે છે. સુંદર સજાવેલો પૂજાનો થાળ તેમાં પણ અલગ અલગ આકાર જોવા મળે છે. વધુમાં રાખડીના વેપારીઓએ જણાવ્યું હતું કે, આ બધી રાખડી તેઓ હોલસેલમાં રાજકોટ, જુનાગઢ અને અમદાવાદથી વેચાણ અર્થે લઇ આવે છે. આ રાખડીઓ સંપૂર્ણ સ્વદેશી રાખડીઓ છે. જે મહિલાઓ ઘર બેઠા બનાવે છે.
મોરબીની કેટલીક શાળાઓમાં રાખડી બનાવવા માટે સ્પર્ધા પણ યોજાય છે. જેમાં વિદ્યાર્થીઓ અવનવી રખડી પોતાના હાથે બનાવીને આ સ્પર્ધામાં ભાગ લ્યે છે. આમ, મોરબીમાં ઠેર ઠેર રક્ષાબંધનની ઉજવણી માટે લોકોમાં એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

- text