મોરબીમાં પિતળકલાને લુપ્ત થતી બચાવવા ઝઝૂમતા બે પરિવારો

- text


આધુનિક યંત્રોને બદલે વર્ષોની પ્રણાલી પ્રમાણે હાથ બનાવટથી હથોડા વડે ટીપી-ટીપીને વાસણનો ઘાટ આપી સોના જેવું ઝમગાવે છે

એક સમયે પિતળકલાના વાસણોનો વૈભવી જમાનો હતો. તે સમયે લોકો પણ પિતળમાંથી સોના જેવો દેખાતા પિતળના વાસણો ખરીદવાની આગ્રહ રાખતા હોય  આથી ઘરે ઘરે પિતળના વાસણો જોવા મળતા હતા. પરંતુ સ્ટીલનો જમાનો આવતાની સાથે પિતળકલા મરણપથારીએ પહોંચી ગઈ છે. ત્યારે મોરબીમાં બે કંસારા પરિવારો વર્ષોથી તેમની વારસાગત પિતળકલાને જીવંત રાખવા સંઘર્ષ કરી રહ્યા છે.

મોરબીની કંસારા શેરીમાં 35-40 વર્ષ પહેલા 18 જેટલા કંસારા પરિવારોના 70 થી વધુ કારીગરો પિતળના વાસણ બનાવવાનું કામ કરતા હતા. પરંતુ  એકાદ બે દાયકા પહેલા સ્ટીલના વાસણો આવતાની સાથે આ પિતળકલા મૂરજાવા લાગી અને ધીરે ધીરે પિતળની જગ્યાએ સ્ટીલના વાસનોએ દરેક ઘરમાં સ્થાન મેળવી લેતા કંસારા પરિવારના કારીગરો રોજીરોટી માટે અન્ય ધંધા તરફ વળી ગયા છે. આજે પિતળના વાસણ બનાવતા બે જ કંસારા પરિવાર બચ્યા છે. આ બે પરિવારોની કંસારા શેરીમાં પિતળના વાસનો બનાવવાની ત્રણ દુકાનો છે.  જેમાં એક દુકાનમાં ભરતભાઈ લક્ષ્મીચંદભાઈ કંસારા અને તેમના ભાઈ ભાસ્કરભાઈ કંસારા, જ્યારે બીજી દુકાનમાં શામળદાસ લાલજીભાઈ કંસારા અને ત્રીજી દુકાનમાં મનહરભાઈ લાલજીભાઈ કંસારા પીતળના વાસનો બનાવવાનું કામ કરે છે. આ કંસારા પરિવારો કહે છે કે મોટાભાગે મોરબી, વઢવાણ, જામનગર અને શીહોરમાં પીતળમાંથી વાસનો બનાવવાનું કામ થાય છે. આ સ્થળોએ જુદા જુદા પ્રકારની કળા છે. જેમાં મોરબીમાં ભરવાડી ઘાટની કળા છે. જે હાથેથી જ બનાવે છે. હાથેથી પીતળનાવાસણો બનાવતા હોય એવી કળા ભારતમાં અન્ય જગ્યા એ બહુ ઓછી છે. વઢવાણમાં વિસનગરી ઘડા, ઝાલાવાડી ગાગર, બાંધરણા  વગેરે વાસણો બનાવાય છે.  શીહોર  અને જામનગરના વાસણો રાજસ્થાનમાં વેચવા જાય છે. જયારે મોરબીના વાસણો સૌરાષ્ટ્રમાં વેચાય છે. ખાસ કરીને આ વાસણો ભરવાડ, રબારી, મેર ખરવા,  મુસ્લિમ સમાજ પ્રસંગો માટે વધુ ઉપયોગ કરે છે. ભૂકંપ પહેલા મોરબીમાં આ વાસણો કચ્છમાં જતા હતા. પરંતુ ભૂકંપ આવ્યા બાદ કચ્છની પડતી થઇ અને મોરબીના પીતળના વાસણો જતા બંધ થઇ ગયા હતા. ૩૫ વર્ષ પહેલા બારેમાસ આ ધંધો ચાલતો હતો. પરંતુ હવે છ મહિનાનો ધંધો થઇ ગયો છે. બીજી બધી જગ્યાએ આધુનીક યંત્રોમાંથી પીતળના વાસણો બનાવાય છે. પરંતુ મોરબીના આ કંસારા પરિવારના સભ્યો વર્ષોની પ્રણાલી જીવંત રાખી છે. વાસણો હાથે જ બનાવે છે. જેમાં સખત પરસેવો પડે છે. ધાતુમાંથી જાતે વાસણ બનાવવાનું કામ સહેલું નથી.  છતાં આ પરિવારો જાતે ધાતુ ગરમ કરી હથોડા ટીપી-ટીપીને અવનવો ઘાટ તથા મનમોહક ડીઝાઇન બનાવીને પીતળને સોનું જેવું મનમોહક બનાવે છે. આ પરિવારો કહે છે કે અમે ૧૦-૧૫ વર્ષ પછી આ કામ છોડી દઈએ ઓ અમારા પરિવારમાંથી કોઈ આ કામ કરવા તૈયાર નથી. જેથી આ કળા મૃતપાય થાય તેવી તેમણે ભીતિ વ્યક્ત કરી છે.

- text

એન્જીયારની નોકરી છોડી વારસાગત કામમાં જોડાયા

પીતળની કલાને જીવંત રાખવા કમર કસી રહેતા ૭૦ વર્ષના મનહરભાઈ લાલજીભાઈએ એમના જમાનામાં એન્જીનિયર સુધીનો અભ્યાસ કર્યો હતો. તે વખતે રૂ.૮૫માં નોકરી મળતી હતી. પરંતુ પીતળના કામમાં રૂ.૯૦ મળતા હોવાથી પિતાની સલાહને કારણે નોકરી ઠુકરાવીને પીતળના કામમાં જોડાયા હતા. અને આજે  ૭૦ વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવો કઠોર પરિશ્રમ કરી રહ્યા છે. જયારે કંસારા પરિવારના યુવાનો સર્વોતમ કારકિર્દી ઘડવા માટે આ કામ કરવા તૈયાર નથી. ત્યારે એક માત્ર મનહરભાઈના એડવોકેટ પુત્ર કમલેશભાઈ પિતાને મદદ કરવા માટે આ વ્યવસાયમાં જોડ્યા છે.

- text