મોરબીના પંચાસર રોડ ઉપર યુવાનની હત્યા કરનાર ગજનીને આજીવન કેદ

- text


વર્ષ 2021ના કેસમાં નામદાર કોર્ટે આરોપીને 2 લાખનો દંડ ફટકાર્યો

મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર વર્ષ 2021માં રાત્રીના સમયે પેટ્રોલપંપ નજીકે ઉભેલા યુવાને ગાળો બોલવાની ના પાડતા આરોપી મોહસીન ઉર્ફે ગજનીએ છરીનો ઘા ઝીકી યુવાનને મોતને ઘાટ ઉતારી દેવા અંગેનો કેસ નામદાર મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફ્ટકારવાની સાથે રૂપિયા 2 લાખનો દંડ ફટકારી દંડની રકમ મૃતકના પરિવારજનોને ચૂકવવા હુકમ કર્યો હતો.

- text

આ કેસની ટૂંકી વિગત જોઈએ તો વર્ષ 2021ના નવેમ્બર માસમાં રાત્રીના બારેક વાગ્યાના અરસામાં મોરબીના વાવડી રોડ ઉપર ભગવતીપરામાં રહેતા નવઘણભાઈ હરેશભાઈ અજાણા નામના યુવાનને પંચાસર રોડ ઉપર આવેલ પેટ્રોલ પમ્પ પાસે આરોપી મોહસીન ઉર્ફે ગજની કરીમભાઈ ખોખર રે.પંચાસર રોડ વાળા સાથે કોઈ બાબતે બોલાચાલી થતા આરોપી મોહસીન ઉર્ફે ગજની ગાળો આપતો હોય નવઘણભાઈએ ગાળો બોલવાની ના પાડતા આરોપી ગજનીએ ઉશ્કેરાઈ જઈને નવઘણભાઈને છાતીના ડાબા ભાગે ખૂંન્નસ પૂર્વક છરીનો ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

આ અંગેનો કેસ નામદાર મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા સાત મૌખિક અને 36 દસ્તાવેજી પુરાવાઓ ઉપરાંત મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની દલીલો ધ્યાને લઈ આરોપી મોહસીન ઉર્ફે ગજની કરીમભાઈ ખોખરને આજીવન કેદની સજા સાથે રૂપિયા 2 લાખનો દંડ ફટકારતો હુકમ કરી દંડની રકમ મૃતકના પરિવારજનોને ચૂકવવા હુકમ કર્યો હતો.

- text