આજે સર્વે કામનાઓને પૂર્ણ કરતી કામદા એકાદશી : જાણો, વ્રત કથા..

- text


પુંડરિક રાજા, લલિત ગાંધર્વ તેમજ લલિતા અપ્સરાને અનુલક્ષીને પુરાણોમાં કથા વાંચવા મળે છે

મોરબી : ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. હિંદુઓના નવા વર્ષ એટલે નવસંવત્વર શરૂ થતાં પહેલી એકાદશીનો આ વ્રત રખાય છે. વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગનાં વર્ષનાં છઠ્ઠા માસ ચૈત્રની સુદ અગિયારસને કામદા એકાદશી કહેવાય છે. આ વર્ષે કામદા એકાદશીનું વ્રત 19 એપ્રિલે એટલે આજે શુક્રવારે છે. પુરાણોમાં કહ્યું છે કે આ વ્રત સર્વે કામનાઓને પૂર્ણ કરે છે આથી એને કામદા કહેવાય છે.

એકાદશીની તિથિ પર જેટલો વ્રત રાખવાનો મહિમા છે તેટલો જ મહિમા કથાના પઠન અને શ્રવણનો પણ છે. ત્યારે આવો આજે જાણીએ તેની અત્યંત રસપ્રદ કથા. જેની કથા પુંડરિક નામના રાજા અને લલિત નામના ગાંધર્વ તેમજ લલિતા નામની અપ્સરાને અનુલક્ષીને પુરાણોમાં વાંચવા મળે છે.


કામદા એકાદશી વ્રત કથા

પૌરાણિક કથાઓ અનુસાર, પ્રાચીન કાળમાં પુંડરિક નામનો એક રાજા હતો, જે ભોગ અને વિલાસમાં મગ્ન રહેતો હતો. તેના રાજ્યમાં લલિત અને લલિતા નામના સ્ત્રી-પુરુષો રહેતા હતા. બંને વચ્ચે અપાર પ્રેમ હતો. એક દિવસ લલિત રાજાના દરબારમાં ગીત ગાઈ રહ્યો હતો પણ ત્યારે જ તેનું ધ્યાન તેની પત્ની પર ગયું અને તેનો સ્વર બગડી ગયો. આ જોઈને રાજા પુંડરિક ક્રોધિત થઈ ગયા અને તેને લલિતને રાક્ષસ બનવાનો શ્રાપ આપી દીધો.

- text

શ્રાપના પ્રભાવથી લલિત માંસનું ભક્ષણ કરનાર રાક્ષસ બની ગયો. લલિતની પત્ની પોતાના પતિની હાલત જોઈને ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેણીએ તેના પતિને ઠીક કરવાના ઘણા પ્રયાસો કર્યા. ત્યારે કોઈએ તેને શ્રૃંગી ઋષિ પાસે જવાનું કહ્યું. લલિતા વિંધ્યાચલ પર્વત પર સ્થિત શૃંગી ઋષિના આશ્રમમાં ગઈ અને તેને તેના પતિની આખી હાલત જણાવી. ઋષિએ લલિતાને મનોકામનાઓ પૂર્ણ કરનાર કામદા એકાદશીનું વ્રત રાખવા કહ્યું. સાથે જ ઋષિએ એમ પણ કહ્યું કે જો તે કામદા એકાદશીનું વ્રત કરે છે તો તેના પુણ્યને કારણે તેનો પતિ લલિત ફરીથી માનવ યોનિમાં આવી જશે. આથી, કામદા એકાદશીનું વ્રત કરાય છે.


- text