મોરબીમાં રહેણાંક મકાનમાં ભેદી ધડાકાથી વ્યાપક નુકશાન, ત્રણ ઇજાગ્રસ્ત

- text


ધડાકો એટલો ભયંકર હતો કે મકાનની છત તૂટી ગઈ અને આજુબાજુના મકાનોમાં પણ વ્યાપક નુકશાન

મોરબી : મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ ઉમા રેસિડેન્સીમાં આજે સવારે એક મકાનમાં ભેદી વિસ્ફોટથી ભારે નુકશાન થયું છે. આ ઘટનામાં ત્રણ સભ્યોને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, બીજી તરફ આ ભેદી વિસ્ફોટને કારણે આજુબાજુના ત્રણથી ચાર મકાનમાં છત સહિતના ભાગોમાં વ્યાપક નુકશાન થયું હતું. જો કે, બ્લાસ્ટ કેમ થયો તે અંગેની કોઈ વિગતો બહાર આવી નથી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ ઉમા રેસિડેન્સી-2 નામની સોસાયટીમાં કાનાભાઈ મગનભાઈ ગરચરના મકાનમાં સવારે 9.30 કલાકના અરસામાં ભેદી ધડાકો થતા આજુબાજુના અનેક મકાનો આ બ્લાસ્ટની ચપેટમાં આવી ગયા હતા. આ બનાવમાં કાનાભાઈ મગનભાઈ ગરચર ઉ.30, વૈશાલીબેન દેવયતભાઈ ગરચર ઉ.28 અને અઢી વર્ષની દીકરી ક્રિશા કાનાભાઈ ગરચરને ઇજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

બીજી તરફ બનાવ અંગે આજુબાજુમાં રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ભેદી ધડાકો થતા જ લોકો ઘર બહાર દોડી આવ્યા હતા અને આજુબાજુના અનેક મકાનમાં બારી બારણા અને છતના ભાગે નુકશાન થયું હતું. સાથે જ કાનાભાઈના ઘરનો ઝુલો પણ દૂર ફંગોળાઈ ગયો હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રહેણાંકમાં બ્લાસ્ટ કેવી રીતે થયો તે અંગે કોઈ વિગત બહાર આવી નથી. જો કે હાલમાં સમગ્ર મામલો રહસ્યમય હોય પોલીસ એફએસએલ તપાસ બાદ જ સત્ય સામે આવે તેમ હોવાનું જણાય રહ્યું છે.

- text

 

- text