વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે 01 જાન્યુઆરીએ ઉજવાતો ગ્લોબલ ફેમિલી ડે

- text


મોરબી : નવા વર્ષનો પહેલો દિવસ અનેક લોકો સેલિબ્રેટ કરતા હોય છે. તેની સાથે 01 જાન્યુઆરીને દુનિયામાં ગ્લોબલ ફેમિલી ડે એટલે કે વૈશ્વિક પરિવાર દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. વસુધૈવ કુટુંબકમ એ મહા ઉપનિષદ જેવા હિન્દુ ગ્રંથોમાં જોવા મળતો એક સંસ્કૃત શબ્દસમૂહ છે, જેનો અર્થ છે કે “વિશ્વ એક પરિવાર છે” આ ભાવના સાથે દુનિયાભરમાં વૈશ્વિક કુટુંબ દિવસ ઉજવાય છે.

ગ્લોબલ ફેમિલી ડે એ વિશ્વના નાગરિકો દ્વારા દર ,01 જાન્યુઆરીએ ઉજવવામાં આવતો શાંતિ અને વહેંચણીનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. આ દિવસનો હેતુ શાંતિ અને સુખ વહેંચણીને પ્રોત્સાહન આપવાનો છે. તેમજ આ દિવસનો ઉદ્દેશ્ય એ છે કે નવા વર્ષને આવકારવા તમામ પરિવારો દર વર્ષના પ્રથમ દિવસે એક સમાજ તરીકે ભેગા થાય. વૈશ્વિક કુટુંબ દિવસ ભાષા, ધર્મ, દેશ, જાતિ, રાજકીય જોડાણના ભેદભાવને ધ્યાનમાં લીધા તમામ લોકોને એકબીજા સાથે પ્રેમ વહેંચવા અને આ સમય શાંતિથી પસાર કરવા પ્રોત્સાહિત કરે છે.

- text

વૈશ્વિક કુટુંબ દિવસનો ઇતિહાસ

આ દિવસનો ઈતિહાસ અસ્પષ્ટ લાગે છે. કહેવાય છે કે વર્ષ 1997માં કરવામાં આવેલી યુ.એન. જનરલ એસેમ્બલીની ઘોષણા “શાંતિનો એક દિવસ” થીમ સાથે શરૂ થઈ હતી, જે પછી દર વર્ષના પ્રથમ દિવસે મનાવવામાં આવતી હતી. સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોને વર્ષ 1999માં ઔપચારિક આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. વર્ષ 2000 અથવા વર્ષ 2001માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ આ દિવસને વાર્ષિક કાર્યક્રમ તરીકે સ્થાપિત કર્યો છે.

- text