ચારિત્ર્ય નિર્માણ અંગે મોરબીના આનંદાલય દ્વારા ત્રિદિવસીય કાર્યશાળા યોજાઈ

- text


મોરબી : ચારિત્ર્ય નિર્માણ જ તમામ સાંપ્રત સમસ્યાઓનો એક માત્ર ઉકેલ વિષય પર મોરબીમાં આનંદાલય દ્વારા ત્રિદિવસીય કાર્યશાળા યોજાઈ હતી.

આનંદાલય એ ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યરત સંગઠન છે. ત્યારે તારીખ 22 થી 24 સપ્ટેમ્બર દરમિયાન આનંદાલય દ્વારા રામકૃષ્ણ ટ્રસ્ટ, કુકમાના સહયોગથી ચિંતન ફાર્મ ખાતે કાર્ય સાધકો માટે ત્રિદિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્રમાંથી 23 સહભાગીઓ સંપૂર્ણ સ્વૈચ્છિક રીતે, કોઈ જાતનાં પ્રમાણપત્રની અપેક્ષા વિના સ્વખર્ચે પ્રતિબદ્ધતાથી જોડાયા હતા.

સહભાગીઓમાં શિક્ષકો, અધ્યાપકો ઉપરાંત ગૃહિણી, માજી સરપંચ, બેંક ઓફિસો, સામાજિકો અને અન્ય વ્યવસાયિકો પણ જોડાયા હતા. આ સહભાગીઓએ સ્વસુધારણા, ચારિત્ર્ય નિર્માણ, સહસર્જન, કર્મયોગ, મોજીલો પરિવાર, કર્તવ્યબોધ, હું જ મારો સર્જનહાર, આત્મબોધ વગેરે વિષયોનું પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેમજ આનંદાલયની ભાવિ પ્રકલ્પોની ચર્ચા કરી તેમ જ પોતે આ યજ્ઞમાં શું યોગદાન આપશે તેનું પણ આયોજન કર્યું હતું.

- text

આવેલા સહભાગીઓએ વંદે માતરમ્, L.L.D.C. મ્યુઝિયમ, ખમીર અને લેરની મુલાકાત લીધી હતી. તથા યજમાન સંસ્થા દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જોઈ અને ટ્રસ્ટના પ્રમુખ મનોજભાઈ સોલંકી પાસેથી ટ્રસ્ટના પ્રકલ્પો વિશે માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું અને ટ્રસ્ટની પ્રવૃત્તિ પર બનેલી ફિલ્મ “જાગ્યા ત્યારથી સવાર” નિહાળી હતી. નિરાલીબેન ઝંખારિયાએ આ શિબિરના મુખ્ય સંયોજિકા તરીકે સેવાઓ આપી હતી. ઉત્પલાબેન વૈદ્ય આ શિબિરના મુખ્ય માર્ગદર્શન રહ્યાં હતા. મનીષાબેન ગોધાણીએ આ શિબિરમાં શિબિર નિરીક્ષક તરીકે સેવા આપી હતી. યોગેશભાઈ પોટા આ વર્ગના વર્ગાધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વીબેન ઉપાધ્યાયે આ વર્ગના મહાપ્રબંધક તરીકે સેવા આપી હતી. સતીષભાઈ તેમજ પ્રતિકભાઈ ચૌહાણ આ શિબિરના ફેસિલિટેટર તેમજ સંરક્ષક તરીકે સેવાઓ આપી હતી. આ શિબિરમાં આનંદાલયના સંયોજક અતુલભાઈ ઉનાગર ઉપસ્થિત રહ્યા હતા.

સ્વયં પ્રેરણાથી નિઃસ્વાર્થ ભાવે અને કોઈપણ અપેક્ષા વગર સ્વખર્ચે ઉપસ્થિત રહેલા સહભાગીઓએ શીખેલી બાબતોને આચરણમાં મૂકવાના દૃઢ સંકલ્પ સાથે શિબિર પૂર્ણ થઈ હતી.

- text