મોરબીમાં વોલ ટાઇલ્સ સિરામિક એકમોની હાલત ખરાબ : એક જ વર્ષમાં 50 કારખાના બંધ 

ચાર વર્ષ પૂર્વે વોલ ટાઈલ્સના 450 યુનિટો ધમધમતા હતા આજે 240 કારખાના જ ચાલુ : મોટા આધુનિક એકમો આવતા નાના વોલ ટાઇલ્સ એકમોને અલીગઢીયા લાગ્યા 

મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામીક ક્લસ્ટર મોરબીમાં હાલમાં નાના અને મધ્યમ કેટેગરીના વોલ ટાઇલ્સ સિરામિક એકમોની હાલત અત્યંત ખરાબ બની છે, મંદી નહીં પણ મોટા અદ્યતન વોલ ટાઇલ્સ એકમોની એન્ટ્રી બાદ નાના અને મધ્યમ એકમો અસ્તિત્વ ટકાવી રાખવા જજુમી રહ્યા છે ત્યારે છેલ્લા એક વર્ષમાં જ 50 વોલ ટાઇલ્સ એકમો બંધ થયા હોવાનું અને 50 જેટલા એકમો બંધ થવાની અણીએ હોવાનું બહાર આવ્યું છે.

તળિયા, નળીયા અને ઘડિયાળની નગરી મોરબીમાં ઉદ્યોગકારો સતત ઉત્તર ચડાવનો સામનો કરી રહ્યા છે, ઘડિયાળ ઉદ્યોગની જેમાં જ મોરબીના સિરામિક જગતમાં વોલ ટાઇલ્સ ફેકટરીઓમાં છેલ્લા ચાર વર્ષમાં જાયન્ટ કંપનીઓની એન્ટ્રી થતા નાના અને મધ્યમ કદના વોલ ટાઇલ્સ એકમોનો મૃત્યુ ઘંટ વાગી ગયો હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઇ બોપલિયાના જણાવ્યા મુજબ ચાર વર્ષ પૂર્વે મોરબીમાં વોલ ટાઈલ્સના નાના અને મોટા મળી કુલ 450 કારખાના ધમધમતા હતા પરંતુ સમય જતા આધુનિક ટેક્નોલોજી સાથેના નવા જાયન્ટ પ્લાન્ટની એન્ટ્રી થતા છેલ્લા ચાર વર્ષમાં 200 જેટલા એકમોને તાળા લાગ્યા છે જે પૈકી કેટલાક યુનિટો ડાયવર્ટ થયા છે.વધુમાં હરેશભાઇ બોપલિયાએ ઉમેર્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં જ 50 વોલ ટાઇલ્સ એકમો બંધ થઈ ગયા છે અને હજુ પણ 50 જેટલા વોલ ટાઇલ્સ એકમો અસ્તિત્વ ટકાવી રાખવા માટે જજુમી રહ્યા છે. હાલમાં મોરબી સિરામિક ક્લસ્ટરમાં અંદાજે 240 નાના, મધ્યમ અને મોટા એકમો ચાલી રહ્યા છે.

વોલ ટાઇલ્સ સિરામિક ફેકટરીઓની પ્રવર્તમાન સ્થિતિ અંગે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સદાબહાર વોલ ટાઇલ્સ પ્રોડક્ટમાં અગાઉની નાની અને મધ્યમ કક્ષાની ફેકટરીઓ દૈનિક 10 હજાર પેટી પ્રોડક્શન કેપેસિટી મુજબ ચાલતી હતી જેની સામે અદ્યતન અપગ્રેડેશન ટેક્નૉલોજી સાથે આવેલ મોટી ફેકટરીઓ દૈનિક 25 હજારથી લઈ 40 હજાર બોક્સની કેપેસીટી સાથે પ્રોડક્શનમાં આવી હોય સ્વાભાવિક પણે જ નાના યુનિટ કરતા ઓછી પ્રોડક્શન કોસ્ટ સાથે માર્કેટ સર કર્યું છે. જેને પગલે નાના વોલ ટાઇલ્સ એકમો ટકી શકવામાં અસમર્થ હોય હાલના સમયમાં નાના અને મધ્યમ કેટેગરીના વોલ ટાઇલ્સ એકમો બંધ થઇ રહ્યા છે અને આવનાર દિવસોમાં હજુ પણ મોટી સંખ્યામાં વોલ ટાઇલ્સ એકમો બંધ થઇ શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

એકંદરે મોરબી સીરામીક ઉદ્યોગ જગતમાં હાલમાં મોટી માછલી નાની માછલીને ગળી જાય ઉક્તિ મુજબ વોલ ટાઇલ્સ ક્ષેત્રે આવી જ સ્થિતિ પ્રવર્તી રહી હોવાનું ફલિત થઇ રહ્યું છે સાથે જ આધુનિક આજના સમયમાં વોલ ટાઈલ્સના વિકલ્પે જીવીટી ટાઇલ્સ પણ કિચન, બાથરૂમમાં વપરાશ થઈ રહ્યો હોવાથી પણ વોલ ટાઇલ્સ સેગ્મેન્ટને માર પડ્યો હોવાનું જણાઈ રહ્યું છે. આ સંજોગોમાં હાલમાં મોરબી સિરામિક ક્લસ્ટરમાં વોલ ટાઇલ્સ ક્ષેત્રે અપગ્રેડેશન અપનાવીને કેટલાક યુનિટો પોતાનું અસ્તિત્વ ટકાવવામાં સફળ રહ્યાનું પણ સિરામીક ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.