એ સાહેબ…. જવાબ આપો અમારા ગૌચર કોના ખાતે ચડાવ્યા ?

- text


મોરબી જિલ્લા સેવાસદનમાં નંદી મહારાજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પહોંચી ગયા 

મોરબી : અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયાને આજે દાયકાઓ બાદ મોટાભાગના ગૌચરો બે પગા આખલા હજમ કરી ગયા છે ત્યારે ચરિયાણને અભાવે ગૌવંશનો નિભાવ કરવો મુશ્કેલ બનતા આજના સમયમાં ગૌમાતાઓ કતલખાને ધકેલાઈ રહ્યા છે અને ગામે ગામ ગૌરક્ષકોની ટીમ સજ્જ બની છે. જો કે આ સ્થિતિમાં સૌથી વધુ દયનિય હાલત ભગવાન ભોળાનાથના વાહન એવા નંદી મહારાજની થતા મોરબીમાં નંદી મહારાજ ખુદ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પહોંચી ગયા હતા અને બહારથી જ અધિકારી મહાશયને જાણે પૂછતાં હોય કે સાહેબ…. જવાબ આપો અમારા ગૌચર કોના ખાતે ચડાવ્યા ?

મોરબી તાલુકા સેવાસદન અંદર મામલતદાર કચેરીમાં આવેલ સબ રજિસ્ટ્રારની ઓફિસે ગૌચરના દબાણની ફરિયાદ લઈને નંદી મહારાજ પહોંચ્યા તેવા કટાક્ષની તસ્વીર સાથેની પોસ્ટ જાગૃત નાગરિકે સોશ્યલ મીડિયામાં શેર કરીને સંબધિત તંત્રનો કાન આમળ્યો છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં રઝળતા ઢોરનો ત્રાસ હોય અને રઝળતા ઢોર છેક સરકારી કચેરીની અંદર ઘુસી જાય છતાં તંત્ર કઈ ન કરી શકે તે કેટલી બધી શરમજનક બાબત કહેવાય ! મોરબીમાં રઝળતા ઢોરના ત્રાસનો વર્ષોથી સળગતો પ્રશ્ન છે. શહેરના મુખ્ય રોડ હોય કે અંદરના શેરી ગલીના રોડ હોય દરેક વિસ્તારમાં રઝળતા ઢોરનો બેહદ ત્રાસ છે. હવે તો તંત્રના પાપે રઝળતા ઢોર જાણે કોઈ અરજદાર હોય તેમ સરકારી કચેરીઓમાં ઘુસી જાય છે અને આ રઝળતા ઢોર જાણે અરજદાર હોય તેમ કોઈની ફરિયાદ લઈને આવ્યા હોય તેમ ફરિયાદનો નિકાલ ન થાય ત્યાં સુધી સરકારી કચેરીમાં ઉભા રહે છે. કલાકો સુધી આ નંદી મહારાજ પણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઉભેલા જોવા મળ્યા હતા છતાં કોઈ જવાબદાર અધિકારીના પેટનું પાણી હલતું નથી.

- text

વધુમાં મોરબીના જાગૃત નાગરિકે કટાક્ષ સાથે એક પોસ્ટ વાયરલ કરી છે. એ પોસ્ટમાં કટાક્ષ સાથે લખ્યું છે કે, નદી મહારાજ ગૌચરના દબાણની ફરિયાદ લઈને તાલુકા સેવાસદન મામલતદાર કચેરી અંદર આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીએ પહોંચ્યા છે. આ જાગૃત નાગરિક કહેવા માંગે છે કે ગૌચરમાં એટલી હદે દબાણ થઈ ગયા છે કે, ગૌવંશને રહેવા માટે જગ્યા બચી નથી. એટલે ગૌવંશ જ્યાં ત્યાં ભટકવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં હવે તો સરકારી કચેરીઓમાં પણ બિન્ધાસ્ત રીતે ઘુસી જાય છે. સરકારી કચેરીમાં ઢોરના અડિંગો હોવો એ તંત્ર માટે ખૂબ જ શરમજનક અને નાલેશીભરી બાબત છે. પણ રઝળતા ઢોર આ હદ સુધી કેમ પહોંચ્યા ? તેનું પણ તંત્રે મનોમંથન કરવું જોઈએ, શહેરમાં કે સરકારી કચેરીમાં ઢોર ઘુસી જાય એ ચલાવી ન લેવાય પણ તંત્ર સંવેદનશીલ બની આવા રઝળતા ઢોરના સારા આશ્રય વિશે ગંભીરતાથી વિચારીને યોગ્ય પગલાં ભરશે તો આ પ્રશ્ન હલ થશે.

- text