બિપરજોય અપડેટ : આક્રમક વાવાઝોડું દ્વારકાથી 290 કિલોમીટર દૂર, મોરબીમાં પવન વધુ તેજ બન્યો

- text


દરિયામાં ભારે કરંટ, 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધતું બિપરજોય

મોરબી : અરબી સમુદ્રમાં ઉદભવેલું વાવાઝોડું બિપરજોય આજે 13 જૂનના રોજ સવારે 5.30 વાગ્યા સુધીમાં 10 કિ.મી.ની ઝડપે સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં બિપરજોય દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમીટર અને જખૌથી 300 કિલોમીટર દૂર છે. વાવાઝોડાની અસર તળે દરિયામાં દરિયાકાંઠે મહાકાય મોજા ઉછળી રહ્યાં છે.તો બીજી તરફ મોરબી જિલ્લામાં ગઈકાલની તુલનાએ આજે પવનની ગતિ વધુ તેજ થઇ હોવાનું જાણવા મળે છે.

પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર વિનાશક ચક્રવાતી બિપોરજોય વાવાઝોડું છેલ્લા 6 કલાક દરમિયાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે 13મી જૂન, 2023ના રોજ સવારે 5.30 વાગ્યાના સમયે તેનું કેન્દ્ર અક્ષાંશ 20.6°N અને રેખાંશ 67.0°E નજીક હતું. આ ચક્રવાતી તોફાન પોરબંદરથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 300 કિલોમીટર, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણપશ્ચિમ 290 કિલોમીટર, જખૌ બંદરથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ 300 કિલોમીટર, નલિયાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ 350 કિલોમીટર અને કરાચીથી દક્ષિણ દિશામાં 480 કિલોમીટર દૂર છે. જે આગામી 36 કલાકમાં ધીમે-ધીમે તીવ્ર બની આગામી 2 દિવસ દરમિયાન લગભગ ઉત્તર તરફ આગળ વધશે.

- text

વધુમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ બિપોરજોય વાવાઝોડું 14 જૂનની સવાર સુધી ઉત્તર તરફ આગળ વધશે. ત્યારબાદ ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફ આગળ વધીને સૌરાષ્ટ્ર-કચ્છ અને પાકિસ્તાન તરફ આગેકૂચ કરશે. 15 જૂનના રોજ સાંજ સુધીમાં આ મહા વિનાશક વાવાઝોડું તીવ્ર વિનાશક વાવાઝોડામાં પરિવર્તિત થશે અને કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખૌ બંદરમાંથી પસાર થાય તેવી શક્યતા હાલમાં જોવાઈ રહી છે. આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાને પગલે 125-135 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે તેમ હોવાની શક્યતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text