24 કલાકમાં હોર્ડિંગ ઉતારી લેજો નહીં તો ફોજદારી ; મોરબીમાં ત્રણ એજન્સીને નોટીસ 

- text


અંતે લાપરવાહ આઉટડોર એડવર્ટાઇઝિંગ એજન્સીઓ વિરુદ્ધ ખાંડા ખખડાવતું મોરબી નગરપાલિકા તંત્ર 

મોરબી : વાવાઝોડા બિપરજોયને કારણે મોરબીમાં સુસવાટા મારતો પવન તેજ ગતિએ ફૂંકાઈ રહ્યો હોવા છતાં કમાઈ લેવા માટે ઠેરઠેર જોખમી હોર્ડિંગ્સ ઉભા કરનાર લાપરવાહ આઉટડોર એડવર્ટાઇઝિંગ એજન્સીઓએ મોરબી પાલિકાની હોર્ડિંગ્સ ઉતારી લેવાની નોટીસને નજર અંદાજ કરી જોખમી હોર્ડિંગ્સ ઉતારવાની તસ્દી ન લેતા આજે ચીફ ઓફિસર ડી.સી.પરમારે મોતના માંચડા નહીં ઉતારનાર ત્રણ એજન્સીના સંચાલકોને 24 કલાકમાં હોર્ડિંગ ઉતારી લેવા તાકીદ કરી અન્યથા ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવશે તેવી સ્પષ્ટ નોટિસ આપી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાવાઝોડા બિપરજોયને કારણે છેલ્લા બે દિવસથી મોરબી શહેર અને જિલ્લામાં સુસવાટા મારતા પવન ફૂંકાઈ રહ્યા હોય ખાનાખરાબી ન સર્જાય તે માટે ઠેરઠેર જોખમી હોર્ડિંગ્સ ઉભા કરનાર લાપરવાહ આઉટડોર એડવર્ટાઇઝિંગ એજન્સીઓએ મોરબી પાલિકાની હોર્ડિંગ્સ ઉતારી લેવાની નોટીસ ફટકારતા મોટાભાગના જોખમી હોર્ડિંગ્સ ઉતરી ગયા છે. જો કે પાલિકાની નોટીસ છતાં ચિત્રા, ક્રિષ્ના અને પશ્ચિમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની એજન્સીએ મોતના માંચડા જેવા જોખમી હોર્ડિંગ ન ઉતારતા આજે મોરબી પાલિકાના ચીફ ઓફિસર ડી.સી.પરમાર દ્વારા આ ત્રણેય એજન્સીના સંચાલકોને 24 કલાકમાં હોર્ડિંગ્સ ઉતારી લેવા અન્યથા ફોજદારી ફરિયાદનો સામનો કરવા તૈયાર રહેવા આખરીનામું આપી દીધું હતું.

- text

ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં તેમજ હાઇવે ઉપર તમામ નીતિ નિયમો નેવે મૂકી આઉટડોર એડવર્ટાઇઝિંગ એજન્સીઓ દ્વારા ગરકાયદેસર રીતે ઠેરઠેર લોકો માટે મોતના માંચડા સમાન હોર્ડિંગ્સ ખડકી દીધા છે ત્યારે આજે સવારના સમયે રવાપર નજીક આવો જ એક મોતનો માંચડો તૂટી પડતા દીવાલ ધરાશયી થઈ હતી જો કે, આ દુર્ઘટનામાં સદભાગ્યે કોઈ જાણહાની ટળી હતી.

- text