રાંકનું રતન : ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારના દીકરા અને દીકરીની ધો.10માં જ્વલંત સિદ્ધિ

- text


બાપે બન્ને સંતાનોને ભણાવવા રાત દિવસ કાળી મજૂરી કરી સામે બન્ને સંતાનોએ પણ બોર્ડની પરીક્ષામાં સ્કૂલ ફર્સ્ટ આવી પિતાનું નામ ઉજાળ્યું

હળવદ : મોટાભાગના ગમે તે શહેરમાં ઝૂંપડા બાંધીને રહેતા પરિવારની આર્થિક સ્થિતિ એટલી બધી કંગાળ હોય છે એમના સંતાનોને ભણાવવાની વાત તો દૂર રહી બે ટંક ભોજનના પણ સાસા હોય છે. પણ ઝૂંપડામાં રહેતા આવા પરિવારો જો સંતાનોને ભણાવવા માટે રાત દિવસ એક કરીને સખત મહેનત કરે તો તેમના પણ સંતાનો રણ ગુલાબ ખીલે એમ શિક્ષણમાં પણ ખીલી ઉઠે છે. આ વાતને હળવદના ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારે સિદ્ધ કરી બતાવી છે. રાંકનું રતન કહી શકાય એવી આ ઘટનામાં બાપે પોતાના બે સંતાનો દીકરા અને દીકરીને ભણાવવા રાત દિવસ એક કરી સખત મહેનત કરી અને સામે દીકરા અને દીકરીએ પણ ધો. 10માં જ્વલંત સિદ્ધિ મેળવીને પિતાની છાતી ગજ ગજ ફુલાવવાની સાથે આંખમાં ઝળઝળીયા લાવી દીધા છે.

હળવદના પાંડાતીર્થ ગામના વતની અને હાલ હળવદના માર્કેટ યાર્ડ સામે ઝૂંપડું બાંધીને રહેતા રાજુભાઈ બાબુભાઈ કાકરેચાની આર્થિક સ્થિતિ સાવ કંગાળ છે. ટકનું લઈ આવીને ટકના ખાનર પરિવાર છે. તેમને બે સંતાન છે. એક દીકરો શનિ અને એક દીકરી કિરણ. તેઓ ઝૂંપડા પાસે નાની એવી ચા-પાણી અને પાન માવાની કેબિન પણ ઝૂંપડામાં જ ચાલવીને પરિવારનું ભરણપોષણ કરે છે. મોટાભાગે ઝૂંપડામાં રહેતા લોકોને બીજા કોઈ સારા માણસો ખાવાનું આપી જાય તો ખાઈ લે છે. આમ જેમ તેમ કરીને જીવન ગુજારતા હોય છે. ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારોના સંતાનોનું કશું જ ભવિષ્ય હોતું નથી. આવા પરિવારોને પેટનો ખાડો કેમ પુરવો બસ એની જ ચિતા હોય છે. પણ રાજેશભાઈ જુદી જ માટીના બનેલા છે. તેઓ ઝૂંપડામાં રહેતા હોય અને સાવ ગરીબ હોવા છતાં સ્વાભિમાની છે.

- text

રાજેશભાઇ ઝૂંપડામાં આખો દિવસ દુકાન ચાલવીને જે કાંઈ આવક થઈ તેમાંથી ઘર ચલાવે છે. ઘર ચલાવવા માટે ક્યાંય મદદનો પોકાર કરતા નથી. તેઓ ઓછું ભણેલા છે. પણ જીવનનું ગણિત બરોબર જીવી જાણે છે. એટેલ જીવનમાં શિક્ષણનું મહત્વ બરોબર સમજતા હોય પોતાના જેવું જીવન જીવવું ન પડે અને સમાજમાં મોભાદાર સ્થાન મેળવી શકે એ માટે શરુઆત પોતાની નબળી આર્થિક સ્થિતિ વચ્ચે દીકરા દીકરીને ભણાવવાનું શરૂ કર્યું હતું. એમણે પોતાના દીકરા અને દીકરીને હળવદ શહેરની સારી અને નામાંકિત સાંદીપની ઈંગ્લીશ સ્કૂલમાં ભણવા મોકલ્યા અને પોતે બન્ને સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાત દિવસ જોયા વગર કાળી મજૂરી કરતા રહ્યા, આ બાજુ બને સંતાનો પણ પિતાની મહેનત જોઇને તેમના સ્વપ્નાં સાકાર કરવા રાત દિવસ ઝૂંપડામાં રહીને ભણવામાં સખત મહેનત કરી અને ભણવામાં તેજસ્વી સાબિત થયા, તેમાંય બોર્ડબી પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે બન્ને દીકરી દીકરાનું પરિણામ જોઈને પિતા રાજેશભાઇ ભાવુક બની ગયા અને રીતસર એમની આંખોમાં આંસુ આવી ગયા હતા.

રાજેશભાઈનો પુત્ર શનિએ ધો.10ની પરીક્ષામાં 98.09 પીઆર સાથે સ્કૂલ ફર્સ્ટ આવ્યો છે. જ્યારે દીકરી કિરણે ધો. 10માં 93.58 પીઆર મેળવ્યા છે. ઝૂંપડામાં ઘણી અસુવિધાઓ વચ્ચે રહેતા અને એમાંય ખાનગી સ્કૂલમાં આટલા બધા માર્ક્સ લાવવા એ કઈ નાની સુની વાત નથી. સુવિધાઓ હોવા છતાં ઘણા અમિર માબાપના સંતાનો અભ્યાસમાં કઈ ઉકાળી શકતા નથી. એ તો હૈયે હામ હોય તો વિકલાંગ પણ પર્વત ઓળગી શકે છે.

- text