કેન્દ્રીય બજેટથી આડકતરા લાભની આશા સેવતું મોરબી સિરામીક એસોશિએશન 

- text


મોરબી સિરામીક એસોશિએશન દ્વારા કેન્દ્રીય બજેટને આવકાર : એમએસએમઈ અને કરદાતાઓ માટે બજેટ ફાયદાકારક 

મોરબી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા ગઈકાલે રજૂ કરાયેલ નાણાકીય વર્ષ 2023-24 માટેના બજેટને મોરબી સિરામીક એસોશિએશન દ્વારા આવકારી આ બજેટ એમએસએમઈ અને કરદાતાઓ માટે ફાયદાકારક હોવાની સાથે આ બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કાળ વધારવામાં આવતા આગામી સમયમાં આવાસ નિર્માણ ને કારણે મોરબીના સિરામીક ઉદ્યોગને આડકતરો ફાયદો મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ હરેશભાઇ બોપલીયા અને વિનોદભાઈ ભાડજાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલ નાણાકીય વર્ષ 2023-24 માટેના બજેટને આવકારતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સિરામીક ઉદ્યોગ માટે ફાયદાકારક કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ આમ છતાં આ બજેટથી મોરબીના સીરામીક ઉદ્યોગને આડકતરો ફાયદો થવાની આશા વ્યક્ત કરી હતી.

- text

વધુમાં મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ હરેશભાઇ બોપલીયા અને વિનોદભાઈ ભાડજાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના કદમાં વધારો કરવામાં આવ્યો છે જે મોરબીના સિરામીક ઉદ્યોગ માટે લાભદાયી નીવડશે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બજેટ વધતા દેશમાં નવા આવાસ નિર્માણ થવાથી સિરામીક પ્રોડ્કટની માંગમાં વધારો થશે જે સિરામીક ઉદ્યોગ માટે લાભકર્તા નીવડશે.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા એમએસએમઈ હેઠળ લઘુ ઉદ્યોગો માટે ટર્નઓવર મર્યાદામાં વધારો કરી ક્રેડિટ ગેરંટી સ્કીમ લંબાવવામાં આવતા નાના ઉદ્યોગોને ફાયદો થવાની સાથે બજેટમાં નાના કરદાતાઓ માટે આવકવેરા મુક્તિમર્યાદામાં વધારો કરવામાં આવતા દેશના મોટા વર્ગને ફાયદો થનાર હોવાનું જણાવી બજેટને સર્વાંગી ગણાવ્યું હતું.

- text