સીરામીક નગરી મોરબીમાં વાહનોની હરણફાળ વચ્ચે ટ્રાફિક ગોથે ચડ્યો

- text


આડેધડ વાહન પાર્કિગ, મન ફાવે તેમ વાહન ચલાવવા અને મહત્વના પોઇન્ટ પર ટ્રાફિક પોલીસની ગેરહાજરીને કારણે ઠેરઠેર ટ્રાફિકજામની કાયમી પળોજણ

મોરબી : સીરામીક નગરીએ છેલ્લા બે દાયકામાં ઉત્તરોતર એટલો બધો અકલ્પનિય વિકાસ સાધ્યો કે વાહનોની તેજ રફતાર સામે માર્ગો સાવ ટૂંકા પડવા લાગ્યા છે. હવે એ સ્થિતિ આવી છે કે, મોટાભાગના માર્ગો પર દરરોજ હજારો વાહનો ઉતરી પડતા ટ્રાફિક એકદમ કાચબા ગતિએ ગતિ કરતો જોવા મળે છે. “વાહનો’ ની હરણફાળને કારણે માર્ગો તો હવે ખૂબ સાંકડા પડ્યા અને ઉપરથી ટ્રાફિક સેન્સનો અભાવ, ટ્રાફિકના નિયમો અભેરાઈ પર ચડી જતા તેમજ આડેધડ વાહન પાર્કિગ અને મહત્વના પોઇન્ટ પર ટ્રાફિક પોલીસની ગેરહાજરીને કારણે શહેર આખાનો ટ્રાફિક એટલો ગોથે ચડ્યો કે નિરાંતે વાહન લઈને નીકળી શકાય એવો કોઈ માર્ગ જ બચ્યો નથી.

મોરબી શહેરમાં સવાર અને મોડી સાંજથી રાત્રીના 9 સુધી ઠેરઠેર ટ્રાફિકજામ થાય એનું કારણ એ છે સવારે મોટાભાગના લોકો કામ ધંધા અર્થે નીકળે અને સાંજે પરત ફરે છે. હવે ઘરે ઘરે કાર અને બાઈક આવી ગયા એટલે વાહનો વધવાથી માર્ગોમાં ગીચતા વધી છે. જ્યારે બપોરે 1થી 4 બિચારી ટ્રાફિક પોલીસ આરામ ફરમાવતી હોય એટલે બપોરે ટ્રાફિક માજા મૂકે છે.તેમાંય રીક્ષા ચાલકો મુસાફરો માટે આડેધડ વાહન પાર્ક કરતા હોય ટ્રાફિક વધુ ગુંચવાય છે. સૌથી વધુ ભરચકક ગણાતો નહેરુ ગેઇટ આમ તો વિશાળ છે. પણ વાહનોના આડેધડ પાર્કિગ તેમજ પાથરણાવાળા અને લારી ગલ્લાને કારણે આ ચોકમાં એક વાહન પણ માંડ માંડ નીકળી શકે છે. એટલી ટ્રાફિકની હાડમારી છે. આવી જ રીતે પરાબજાર, નવા ડેલા રોડ, શાક માર્કેટ ચોક, લીલાપર તરફ જવાનો જેલ રોડ, ગાંધી ચોક શનાળા રોડ, રવાપર રોડ, ગ્રીન ચોક સહિતનો ઘણા બધા રાજમાર્ગો ઉપર દરરોજ હેવી ટ્રાફિક રહે છે. વન વેમાં પણ ઘુસી જવું, મન ફાવે તેમ વાહન ચલાવવા જ્યાં જરૂર પડે ત્યાં આગળ પાછળ જોયા વગર વાહન લઈને નીકળી જવું કે ઉભા રહી જવું જાણે કોઈ રોકવાવાળું કે ટોકવાવાળું જ ન હોય તે રીતે અંધાધૂંધ ટ્રાફિક ચાલતો હોય અને આ બધી ટ્રાફિક સેન્સના અભાવે લોકો જ ખુદ પોતે ગુથેલી જાળમાં કરોળિયાની જેમ ફસાય ગયા છે.

- text

શહેરમાં ભલે હજારો વાહનો વધ્યા અને માર્ગો ટૂંકા પડ્યા પણ લોકો ટ્રાફિક સેન્સ રાખે અને ખાસ કરીને પોલીસ દંડ ઉપર ધ્યાન આપવાને બદલે કડકાઈથી ટ્રાફિક નિયમોનો અમલ કરાવે તો ટ્રાફિકની સમસ્યા જરૂરથી હળવી થાય એમ છે. સૌથી અગત્યનું છે કે શહેરમાં જેમ બને તેમ વહેલી તકે ટ્રાફિક સિગ્નલ મૂકી દેવા જોઈએ. જ્યારે બહુ ઓછી જરૂર હતી ત્યારે એટલે કે 1995ની આસપાસ શહેરમાં ટ્રાફિક સિગ્નલ હતા હવે જ્યારે ખૂબ જ જરૂરી છે ત્યારે ટ્રાફિક સિગ્નલની કોઈ વાત કરતું નથી. લોક ભાગીદારીથી સીસીટીવી કેમેરા અને રોડ સહિતના કામો થાય તો ટ્રાફિક સિગ્નલ કેમ ન મુકાય ? હકીકતમાં ટ્રાફિકના નિયમના પાલન માટે તંત્ર તો ઠીક પણ કહેવાતા જાગૃત અને પ્રબુદ્ધ તેમજ સામાજિક કાર્યકરો પણ ટ્રાફિક સિગ્નલ માટે બુલંદ માંગ ઉઠાવી શકતા જ નથી. પરિણામે શહેરમાં ક્યારે ટ્રાફિક સિગ્નલ મુકાશે તે નક્કી નથી.

- text