સાહેબ આ વ્યાજખોર મને મોરબીમાં નહીં રહેવા દે… દંપતિ પોલીસના શરણે

- text


ભત્રીજાએ 15 લાખ વ્યાજે લીધા અને વ્યાજખોરે 45 લાખ માંગી દુકાનનું નોટરી લખાણ કરાવી લીધું

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર રહેતા અને દરજીકામ કરી ગુજરાન ચલાવતા નિઃસંતાન ભત્રીજાએ મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા વ્યાજખોર પાસેથી રૂપિયા 15 લાખ વ્યાજે લીધા બાદ આ વ્યાજખોરે 15 લાખના બદલે 45 લાખ વ્યાજ આપવા માંગ કરી એક દુકાનનું નોટરી લખાણ કરાવી લઈ મોરબીમાં જ્યાં મળે ત્યાં જાનથી મારી નાખવા ધામકી આપતા ગઈકાલે રેન્જ આઇજીના લોકદરબારમાં ન્યાયની આજીજી સાથે પોલીસને કંપાવનારી રજુઆત કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડમાં રહેતા અને દરજીકામ કરતા રમેશભાઈ રમણીકભાઈ ધામેચા, ઉ.59 પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, ત્રણેક વર્ષ પહેલા તેમના ભત્રીજા સુનીલભાઈએ ધંધામાં જરૂર પડતા મૂળ ભીમકટા અને હાલમાં કાલિકા પ્લોટમાં રહેતા મહાવીરસિંહ મનુભા જાડેજા પાસેથી 15 લાખ રૂપિયા 4 ટકા વ્યાજે લીધા હતા અને બદલામાં 14.50 લાખ ચૂકવી આપ્યા હતા અને જયારે જયારે વ્યાજ ચુકવવામાં વિલંબ થાય તો 10 ટકા પેનલ્ટી અને વ્યાજ વસુલતા હતા.

- text

જો કે મુદ્દલ જેટલું વ્યાજ વસૂલવા છતા પણ વ્યાજખોર મહાવીરસિંહ મનુભા જાડેજાએ વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી તેમની દુકાનનો દસ્તાવેજ લઈ દુકાનનુ વાવડી રોડ ઉપર રહેતા ગોપાલ ઉર્ફે ગજેન્દ્ર ભટ્ટના નામનું નોટરી લખાણ કરાવી લઈ ભત્રીજાને અસહ્ય ત્રાસ આપતા ભત્રીજો ઘર છોડીને ચાલ્યો ગયો છે અને હાલમાં જ્યાં પણ આ મહાવીરસિંહ મળે ત્યાં ફરિયાદી રમેશભાઈને જાનથી મારી નાખવા ધમકી આપી કોરા ચેક પડાવી લેતા આ શખ્સ હવે તેઓને મોરબીમાં નહીં રહેવા દે તેવું જણાતા રેન્જ આઇજી સમક્ષ રજુઆત કરતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આઇપીસી કલમ 387,384, 504,506(2) તેમજ ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ ફરિયાદ નોંધવામાં આવી છે.

- text