ટંકારા પંથકમાં તસ્કરોનો સતત તરખાટ, વધુ ત્રણ દુકાનોને નિશાન બનાવી

- text


જબલપુર ગામે તસ્કરોએ ત્રણ દુકાનમાં ચોરી કરી પણ મંદિરમાંથી કઈ હાથ ન લાગ્યું

ટંકારા : ટંકારામાં વિધાનસભાની ચૂંટણીમાં પોલીસ સતત વ્યસ્ત હોવાનો લાભ ઉઠાવીને તસ્કરો સતત તરખાટ મચાવી રહ્યા છે. જેમાં તસ્કરોએ સતત ત્રણ દિવસથી ટંકારા પંથકને ધમરોળીને કિંમતી મુદામાલની ચોંરી કરી રહ્યાની વચ્ચે ગતરાત્રે વધુ ત્રણ દુકાનો તૂટી હોવાનું સામે આવ્યું છે. જબલપુર ગામે તસ્કરોએ ત્રણ દુકાનમાં ચોરી કરી હતી. પણ મંદિરમાંથી કઈ હાથ ન લાગ્યું ન હતું.

ટંકારા પંથકને તસ્કરોએ વિધાનસભાની ચૂંટણી ટાંકને સતત નાની મોટી ચોરીને અંજામ આપી ચૂંટણી બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે. જેમાં થોડા દિવસો પહેલા તસ્કરો ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ તિરુપતિ એન્ટરપાઈઝ નામના ગોડાઉનને નિશાન બનાવીને રૂ.8 લાખથી વધુ કિંમતનું જીરું અને વજન કાંટાની ચોરી કરી ગયા હતા. આ બનાવમાં ત્રણથી ચાર શખ્સો ચોરી કરતા હોવાના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા હતા. આ આખી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ હજુ પોલીસ આ તસ્કરોની ભાળ મેળવે તે પહેલાં વધુ એક જગ્યાએ ખાતર પાડ્યું હતું.

- text

ટંકારાના જબલપુર ગામે ગતરાત્રેત તસ્કરો ત્રાટકયા હતા.જેમાં તડકરોએ આ ગામની ત્રણ દુકાનોને નિશાન બનાવી કિંમતી મુદામાલની ચોરી કરી હતી. જો કે ગામના એક મંદિરમાં આંટાફેરા કર્યા હતા. પણ મંદિરમાંથી કઈ હાથ લાગ્યું ન હોવાનું જાણવા મળે છે. જો કે છેલ્લા કેટલાક સમયમાં તસ્કરોએ અનેક સ્થળને નિશાન બનાવી નાની મોટી ચોરી કરી હતી. જેમાં નેકનામમાં એક દુકાનના તાળા તોડી તેમજ સરદાર નગરમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કરતા ઘરધણી જાગી જતા આ ચોરીનો બનાવ અટકી ગયો હતો. હાલ પોલીસ ચૂંટણી બંદોબસ્તમાં હોય તસ્કરોને મોકળું મેદાન મળી રહ્યું હોવાથી પોલીસ ચૂંટણીની સાથે લોકોની કિંમતી માલમતાનું રક્ષણ કરવા યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

- text