ગુજરાત અને મોદીને ગાળો આપતા લોકોની ડિપોઝીટ ડૂલ કરાવી નાખજો : રૂપાલા

- text


કોંગ્રેસે માત્ર ગાંડા બાવળ જ વાવ્યા છે અને કહે છે કામ બોલે છે…… મોરબી અને ટંકારાના ભાજપના ઉમેદવારના સમર્થનમાં પરસોતમ રૂપાલાની જાહેર સભા યોજાઈ

મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં પ્રથમ તબક્કાના મતદાન થનાર છે અને મતદાન આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે મોરબીમાં ભાજપના આખા બોલા નેતા પરસોતમ રૂપાલાની જાહેરસભા યોજાઈ હતી. આ જાહેર સભામાં રાજ્યસભાના સાંસદ અને ભાજપના સ્ટાર પ્રચારક પરસોતમ રૂપાલાએ અગાઉ જેવા ટિપિકલ ભાષણ સાથે મતદારોને ગુજરાત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળો આપી વગોવી રહેલા તત્વોની ડિપોઝીટ ડૂલ કરાવવા હતું.

મોરબીના ધુનડા રોડ ઉપર રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે આયોજિત જાહેરસભામાં પરસોતમ રૂપાલાએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકારે છેલ્લા 25 વર્ષમાં કરેલા લોક કલ્યાણના કામોની ભરમાર હોવાનું જણાવી શિક્ષણ, આરોગ્ય, પાણી સહિતના કામો ગણાવી કેન્દ્ર સરકારે વિકાસમાં રોળા નાખી નર્મદા યોજના અટકાવી હતી પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ 72 કલાકના ઉપવાસ કરી નર્મદાનું અવતરણ કરાવ્યાનું જણાવ્યું હતું. આ તકે પરસોતમ રૂપાલાએ આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર મોરબીના પ્રજાજનોને ગુજરાતને અને મોદીને બદનામ કરતા તત્વોની ડિપોઝીટ ડૂલ કરવા પણ હાંકલ કરી હતી.

આ ઉપરાંત પરસોતમ રૂપાલાએ કોંગ્રેસના કામ બોલે છે સૂત્રની હાંસી ઉડાવતા જણાવ્યું હતું કે, આટલા વર્ષોમાં ભાજપ સરકારે નિશાળો બનાવી, દવાખાના બનાવ્યા પુલ બનાવ્યા અને કોંગ્રેસ માત્ર ગામે -ગામ વિદેશી ગાંડા બાવળ વાવ્યા સિવાય કાંઈ કામ કર્યું નથી અને આ ગાંડા બાવળીયા પણ એવા કે કાપો એમ બમણા થાય…. આ બાવળને કાઢવા તો જેસીબી મારવા પડે તો જ સફાયો થાય કહી વિદેશી શબ્દ કહી કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું હતું.

આ તકે દિલ્હીની ગાદી ઉપર બેસી વડાપ્રધાને રાજપથ ઉપર સુભાષચંદ્ર બોઝની પ્રતિમા લગાવ્યાનું યાદ કરી જે વટ વાળા હોય એની સાથે રહી મતદારોને ભાજપના બન્ને ઉમેદવારોને જંગી લીડથી વિજેતા બનાવવા આહવાન કર્યું હતું. નોંધનીય છે કે રૂપાલાએ મોરબીમાં આટલા વર્ષો બાદ પણ પ્લેન ન ઉતરી શકતું હોય તેમના ભાષણમાં કહ્યું હતું કે આજે મારે મોરબીમાં આવવું હોય તો અહીં પ્લેન નથી આવી શકતું હેલીકૉપટરમાં આવવું પડે છે.જો કે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે અને મોરબીનો સીરામીક ઉદ્યોગ બીજા નંબરનો છે ત્યારે વહેલામાં વહેલી તકે ભાજપ સરકાર મોરબીમાં મંજુર થયેલ એરપોર્ટ બનાવે તો આગામી ચૂંટણીમાં રૂપાલા પ્લેનમાં બેસીને આવી શકે !!!

- text

- text