મોરબી નજીક ગેસ ટેન્કરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપી લેતી એલસીબી 

- text


મોરબીના બહાદુરગઢ ગામના પાટિયા પાસે હોટલ નજીક ગેસ રિફિલિંગ સમયે જ પોલીસ ત્રાટકી : એલપીજી ગેસ ભરેલા ટેન્કરમાંથી ગેસ સિલિન્ડર ભરનાર રાજકોટના બે સહીત ત્રણ પકડાયા

ટેન્કર, બોલેરો સહીત 29.85 લાખનો મુદામાલ કબ્જે કરાયો

મોરબી : એલપીજી ટેન્કરમાંથી ગેસ ચોરી બાટલા ભરવાના જબરદસ્ત કૌભાંડનો મોરબી એલસીબી ટીમે પર્દાફાશ કરી રાજકોટના ગેસ કટિંગ કરતા બે શખ્સો તેમજ ટેન્કર ડ્રાઇવર સહિત ત્રણની ધરપકડ કરી પોલીસે કુલ 29.85 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ હાઇવે ઉપર પસાર થતા એલપીજી ગેસના ટેન્કર ચાલકને નાણાકીય લાલચ આપી ગેસ કટિંગ કરતી ગેંગ મોરબી જિલ્લામાં સક્રિય બની હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે બહાદુરગઢ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી બામણકા જવાના રસ્તે આવેલ શેરે પંજાબ હોટલ નજીકથી ગેસ ટેન્કરમાંથી ગેસના બાટલા ભરી રહેલ ટોળકીને રંગે હાથ ઝડપી લીધી હતી.

વધુમાં એલસીબી ટીમે ગેસ કટિંગ કૌભાંડ ઝડપી લઈ એલપીજી ટેન્કરના જોધપુર, રાજસ્થનના ચાલક રામસીંગ વિજયસીંગ રાઠોડ, રાજકોટ મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટીમાં રહેતા જીજ્ઞેશ ઉર્ફે લાલો મેરામભાઇ લોખીલ અને પ્રદીપ ઉર્ફે લાલો મુળુભાઈ અવાડીયા નામના આરોપીઓને રૂપિયા 26,12,424ની કિંમતના ટેન્કર, 56,000ની કિંમતના 28 નંગ ગેસ સિલિન્ડર, રૂ.3 લાખની કિંમતની બોલેરો ગાડી, ઇલેક્ટ્રિક વજન કાટો, રબ્બરની નળી અને મોબાઈલ ફોન મળી કુલ 29,85,424ના મુદામાલ સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ગુન્હો નોંધાવ્યો હતો.

આ સફળ કામગીરી મોરબી એલસીબી ટીમના ઇન્ચાર્જ પીઆઇ એન.એચ.ચુડાસમા, પીએસઆઇ એ.ડી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, ચંદુભાઈ કાણોતરા, પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- text

- text